<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

રૈયાના તળાવ પાસે કટીંગ વખતે દરોડોઃ ક્રાઇમ બ્રાંચે ૯.૭૨ લાખનો દારૂ પકડયો

ખોટી નંબર પ્‍લેટ લગાડેલો ટ્રક, કાર, બાઇક કબ્‍જેઃ અંધારામાં ત્રણ શખ્‍સ ભાગી ગયાઃ એક પકડાયોઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એસ. વી. ચુડાસમા અને ટીમની કાર્યાવહી

રાજકોટ તા. ૧ય શહેરના રૈયા ગામ પાસે બાવળની ઝાડીઓમાં છુપાવેલ વિદેશી દારૂનો મોટો જથ્‍થો રાજકોટ ક્રાઈમ બ્રાન્‍ચએ ઝડપી પાડ્‍યો છે. કટીંગ વખતે જ પોલીસ ત્રાટકી હતી. પોલીસે અશોક લેલન ટ્રક અને વોક્‍સવેગન કાર સહિત કુલ રૂ. ૧૫,૪૩,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ૯.૭૨ લાખનો દારૂ છે. પોલીસ ત્રાટકતાં અંધારાનો લાભ લઇ ત્રણ શખ્‍સ ભાગી ગયા હતાં. તેની શોધખોળ થઇ રહી છે.

દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. સંજયભાઇ અલગોતર, હેડકોન્‍સ. કરણભાઇ કોઠીવાળની બાતમી પરથી દરોડો પાડવામાં આવ્‍યો હતો.  બાતમી મળી હતી કે રૈયા ગામના પાછળના ભાગે તળાવ પાસે બાવળની ઝાડીઓમાં ટ્રક અને કારમાં વિદેશી દારૂનો જથ્‍થો ઉતારવામાં-કટીંગ કરવામાં આવી રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર એસ.વી. ચુડાસમા, એ.એસ.આઈ. યશવંતભાઈ ડી. ભગત, હેડ કોન્‍સ્‍ટેબલ કરણભાઈ રાયધનભાઈ કોટીવાલ અને અન્‍ય પોલીસ સ્‍ટાફના માણસોએ ખાનગી વાહનમાં ઘટનાસ્‍થળે દરોડો પાડ્‍યો હતો.

પોલીસ કાફલો પહોંચતા જ અંધારા અને ઝાડીઓનો લાભ લઈને ત્રણ શખ્‍સો નાસી છૂટયા હતા, જ્‍યારે નવીન લક્ષ્મીદાસ દામા (રહે. રેલનગર, રાજકોટ, મુળ જામનગર દિગ્‍વીજય પ્‍લોટ)ને પોલીસે કોર્ડન કરી ઝડપી પાડ્‍યો હતો. તપાસ દરમિયાન વાહનોમાંથી અલગ-અલગ બ્રાન્‍ડની વિદેશી દારૂની કુલ ૧૬૪૪ બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત રૂા. ૯,૭૨,૪૦૦ થાય છે.આ ઉપરાંત પોલીસે અશોક લેલન મેક્ષી ટ્રક કિંમત રૂ. ૩,૦૦,૦૦૦નો જેના પર ખોટી નંબર પ્‍લેટ લગાડેલી હતી તે તથા વોક્‍સવેગન વેન્‍ટો કાર કમત રૂ. ૨,૦૦,૦૦૦ની, સુઝુકી એક્‍સેસ મોટરસાઇકલ રૂા. ૬૫ હજારનું, મોબાઇલ ફોન ૬ હજારનો કબ્‍જે કર્યો છે.

પકડાયેલ આરોપી નવીનની પૂછપરછમાં જાણવા મળ્‍યું હતું કે, ટ્રક ડ્રાઈવર નવાબ (રહે. રૈયા ગામ), કાર ડ્રાઈવર રવિભાઈ મનસુખભાઈ નાખવા અને નવાબનો ભાઈ પોલીસને જોઈને નાસી છૂટયા હતા. આ તમામ સામે પ્રોહિબિશન એક્‍ટ અને ભારતીય ન્‍યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ તથા પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એએસઆઇ વાય. ડી. ભગત અને ટીમે આ કામગીરી કરી હતી.

(4:08 PM IST)