News of Thursday, 2nd April 2026
નેપાળી યુવાને ટ્રક હેઠળ પડતું મુકી આપઘાત કર્યો
રાજકોટ-મોરબી હાઇવે પર હડાળાના પાટીયે વિરાટ હોટેલ સામે બનાવઃ આપઘાતનો વિડીયો વાયરલ થયો : પાંચ દિવસ પહેલા જ વડોદરાથી નોકરીની શોધમાં આવ્યો હતોઃ માનસિક અસ્વસ્થતાને કારણે પગલુ ભર્યાની શક્યતા

તસ્વીરમાં નેપાળી યુવાનનો મૃતદેહ, તેનો ફાઇલ ફોટો, અકસ્માત નડયા બાદ તે ટ્રકવાળાનો વાંક નથી એવું બોલતો હતો તે દ્રશ્ય અને ટ્રકની હેઠળ પડતું મુક્યું તે દ્રશ્ય તથા વિગતો જણાવતાં નેપાળી સમાજના સંજયભાઇ કારકી સહિતના જોઇ શકાય છે (ફોટોઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨: રાજકોટ-મોરબી હાઇવે પર હડાળાના પાટીયા પાસે ગઇકાલે એક નેપાળી યુવાને વિરાટ હોટેલની સામેના ભાગે રોડ પર અચાનક ટ્રકની આગળ પડતું મુકી દેતાં ટ્રકના વ્હીલ તેના પગ પર ફરી વળતાં ગંભીર ઇજા થઇ હતી. તેનું સારવાર દરમિયાન મોત થયું છે. વડોદરાથી પાંચ દિવસ પહેલા જ તે કામની શોધમાં અહિ આવ્યો હતો. તે જીવીત હતો ત્યારે ટ્રકચાલકનો કોઇ વાંક નથી એવું બોલતો હતો અને તેનો વિડીયો વાયરલ થયો હતો. માનસિક અસ્વસ્થતાને કારણે તેણે આ પગલુ ભર્યાનું બહાર આવ્યું છે.
જાણવા મળ્યા મુજબ હડાળાના પાટીયે વિરાટ હોટેલ નજીક ગઇકાલે એક યુવાને હોટલ નજીકથી ચાલીને સામેના રોડ પર પહોંચી ઉભા રહી જઇ બાદમાં એક ટ્રક આવતાં અચાનક એ ટ્રક નીચે પડતું મુકી દીધુ હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતાં. આ યુવાને ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું સારવાર દરમિયાન સાંજે મૃત્યુ થયું હતું.
બનાવની જાણ થતાં નેપાળી સમાજના સંજયભાઇ કારકી સહિતના હોસ્પિટલે પહોંચ્યા હતાં. કુવાડવા રોડ પોલીસે તપાસ શરૂ કરતાં આ યુવાનનું નામ જગદીશપ્રસાદ રામદંતપ્રસાદ જોશી-નેપાળી (ઉ.વ.૩૯) હોવાનું ખુલ્યું હતું. સંજયભાઇ કારકી સહિતે આ યુવાનની ઓળખ મેળવવામાં અને તેના સગા સંબંધીને જાણ કરવામાં પોલીસની મદદ કરી હતી.
જગદીશપ્રસાદે આપઘાત કર્યાનું ખુલ્યું હતું. તે બે ભાઇ અને એક બહેનમાં નાનો છે. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. તે અગાઉ વડોદરા રહેતો હતો. પાંચેક દિવસ પહેલા નવા કામની શોધમાં રાજકોટ આવ્યા બાદ હડાળાની વિરાટ હોટેલ પાસે જ રહેતો હતો. માનસિક અસ્વસ્થતાને કારણે આપઘાત કરી લીધાની શક્યતા જણાવાઇ હતી. તેના વાલીવારસ આવ્યા બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે.
ખુદ સ્યુસાઇડ કીયા હૈ, ઓન્લી માય પ્રોબ્લેમ, ગાડીવાલા બેકસૂર હૈ, ઉસે અભી કે અભી છોડ દો, મૈં ગાડીવાલી કે ખીલાફ કોઇ કમ્પલેઇન નહિ કરૂંગા
ઞ્જટ્રક હેઠળ પડતું મુકી દેતાં નેપાળી યુવાનના પગમાં ગંભીર ઇજા થઇ હતી. ત્યારે તેણે એવું રટણ કર્યુ હતું કે-ખુદ સ્યુસાઇડ કીયા હૈ, ધીસ ઇઝ ઓન્લી માય પ્રોબ્લેમ, ગાડીવાલા બેકસૂર હૈ, ઉસે અભી કે અભી છોડ દો, મૈં ગાડીવાલે કે ખીલાફ કોઇ કમ્પલેઇન નહિ કરૂંગા. તેનો આ વિડીયો વાયરલ થયો હતો.
(10:59 AM IST)










