<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ સોનલ વસાણી ઉપર હુમલો

ગત સાંજે જસદણ ખાતે સોનલબેનના ઘરે આવી મનીષ ડાભી, તેમના પત્‍ની એકતાબેન ડાભી અને બીજા એક અજાણ્‍યા મહિલા સામે ફરીયાદ : ઇંટો અને લાકડીઓથી માર માર્યો

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨ જસદણ નઞર પાલિકાના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન, રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ અને રામધામ ટ્રસ્‍ટ ઝાલીડાના મહિલા મોરચાના અધ્‍યક્ષ સોનલબેન વસાણી ઉપર જસદણ ખાતે ગઈકાલે તેમના ઘરે હુમલો થતા ઘેરા પડઘા પડ્‍યા છે આ અંગે સોનલબેન વસાણીએ જસદણ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જસદણના ચિતલીયા કુવા રોડ ઉપર રહેતા સોનલબેન વસાણી ગઈકાલે સાંજે તેમના ઘરે હતા એ દરમિયાન મનીષ ડાભી,તેમના પત્‍ની એકતાબેન ડાભી તેમજ બીજા એક અજાણ્‍યા મહિલાએ સોનલબેનના ધેર જઈ પ્રથમ સોનલબેનના ઘરના દરવાજા ઉપર ઈંટોના ઘા કરતા સોનલબેન બહાર આવ્‍યા હતા એ દરમિયાન આરોપીઓએ દરવાજો ખોલી સોનલબેનને છાતીના ભાગે તેમ જ બીજી જગ્‍યાએ ઈંટોના છુટા ધા અને લાકડીથી માર મારતા ગોકીરો મચી ગયો હતો.

આ દરમિયાન આજુબાજુના રહેવાસીઓએ વચ્‍ચે પડી ઝઘડો શાંત પાડ્‍યો હતો પરંતુ સોનલબેનને ઈજા પહોંચી હોય તેવોને જસદણ સરકારી હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

આ બનાવની જાણ થતા હોસ્‍પિટલ ખાતે ભાજપના આગેવાનો,કાર્યકરો તેમજ લોહાણા સમાજના લોકો મોટી સંખ્‍યામાં પહોંચી ગયા હતા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આ ઝઘડા અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બે ત્રણ દિવસ પહેલા આરોપી મનીષ ડાભીને સોનલબેનનું કૂતરું કરડવા દોડીયુ હતુ એ અંગેનો ખાર રાખી બંને વચ્‍ચે બોલા ચાલી થઈ હતી ત્‍યારે ભાજપના અમુક આગેવાનો અને પોલીસ ખાતાએ આરોપીઓને બોલાવી એક બીજાને ઠપકો આપી ફરીવાર આવું ન કરવા કહી દીધું હોવા છતાં ગઈકાલે આરોપીઓએ એક સંપ કરી સોનલબેન ઉપર હુમલો કરતા આ હુમલાના ધેરા પડઘા પડ્‍યા છે પોલીસ આ બનાવમાં યોગ્‍ય તપાસ કરી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

જો કે સામા પક્ષે પણ સોનલબેન વસાણી વિરુદ્ધ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનુ જાણવા મળે છે.

(1:24 PM IST)