News of Friday, 3rd April 2026
અયોધ્યા સોસાયટીમાં બાથરૂમમાં બેભાન થયા બાદ પ્રૌઢનું મોત
શાકભાજી વેચતા અશોકભાઇ ભંડેરીના મોતની ત્રણ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ, તા.૩: શહેરના હરિઘવા મેઈન રોડ પર આવેલી અયોધ્યા સોસાયટીમાં રહેતા એક પ્રૌઢનું આજે બપોરે પોતાના ઘરે બાથરૂમમાં બેભાન થઈ ગયા બાદ સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, અયોધ્યા સોસાયટીમાં રહેતા અશોકભાઈ રણછોડભાઈ ભંડેરી (ઉ.વ. ૫૩) આજે સવારે પોતાના ઘરે બાથરૂમમાં ગયા હતા ત્યારે અચાનક જ તેઓ ઢળી પડતા પરિવારજનો તુરંત દોડી આવ્યા હતા. જોકે, દરવાજો અંદરથી બંધ હોવાથી ભારે જહેમત બાદ દરવાજો તોડી અશોકભાઈને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા. પરિવારના સભ્યોએ અશોકભાઈને તાત્કાલિક ૧૦૮ મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા. પરંતુ, ત્યાં હાજર ફરજ પરના તબીબે તેમને તપાસીને મળત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસ મથકને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે મળતક અશોકભાઈ શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના નિધનથી સંતાનમાં બે પુત્રો અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.(૨૩.૧૮)
(3:06 PM IST)










