<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

મનહરપુરમાં બંધ મકાનમાંથી ૧.૧૦ લાખની રોકડની ચોરી

શ્રમિક આશીફ ઠેબા પરિવાર સાથે સાળીના ઘરે ગયા અને ચોરે પગલાં પડ્‍યાઃ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૩ :.. શહેરના જામનગર રોડ પર આવેલા મનહરપુર-૧ વિસ્‍તારમાં તસ્‍કરોએ તરખાટ મચાવ્‍યો છે. નવી કોર્ટ સામે રહેતા એક શ્રમિક પરિવારના બંધ મકાનનું તાળું તોડી અજાણ્‍યા શખ્‍સો કબાટમાંથી રૂ. ૧,૧૦,૦૦૦/- ની રોકડ રકમ ચોરી કરી ગયાની ફરિયાદ ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ મથકે નોંધાઈ છે.

મનહરપુર-૧ માં સબીરભાઈના મકાનમાં ભાડેથી રહેતા અને મજૂરીકામ કરતા આશીફભાઈ નુરમહમદ ઠેબા (ઉ.વ. ૩૦) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૩૦/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રે અગિયારેક વાગ્‍યાની આસપાસ તેઓ તેમના પત્‍ની અને પુત્રી સાથે કરણપરા વિસ્‍તારમાં રહેતા તેમના સાળીના ઘરે રોકાવવા માટે ગયા હતા.

બીજા દિવસે સવારે છ વાગ્‍યાની આસપાસ જ્‍યારે આશીફભાઈ પોતાના ઘરે પરત ફર્યા, ત્‍યારે ઘરના મેઈન દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્‍યું હતું.

ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર પડ્‍યો હતો. લોખંડના કબાટમાં તપાસ કરતા જાણવા મળ્‍યું હતું કે, કબાટની ચાવી અંદર જ રાખેલી હોવાથી તસ્‍કરોએ આસાનીથી લોક ખોલી નાખ્‍યું હતું. કબાટમાં રહેલા બે અલગ-અલગ પર્સ, જેમાં અનુક્રમે રૂ. ૫૦,૦૦૦ અને રૂ. ૬૦,૦૦૦ રાખેલા હતા, તે બંને પર્સ કુલ રૂ. ૧.૧૦ લાખની રોકડ સાથે ગાયબ હતા.

આ મામલે આશીફભાઈએ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઈ. એમ.પી. ચરમટા એ અજાણ્‍યા શખ્‍સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:55 PM IST)