<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

સત્‍યમપાર્કમાં ધોળે દિવસે ૧૦.૮૦ લાખની ચોરી

તસ્‍કરો ઘનશ્‍યામભાઈ ડોબરિયાના ઘરમાંથી સોનાના દાગીના ચોરી ગયાઃ આજી ડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૩ :.. શહેરના રોલેક્‍સ રોડ પર આવેલા સત્‍યમપાર્ક વિસ્‍તારમાં એક રહેણાંક મકાનને નિશાન બનાવી અજાણ્‍યો તસ્‍કર આશરે રૂા. ૧૦.૮૦ લાખની કિંમતના સોનાના દાગીના ચોરી કરી ગયાની ફરિયાદ આજીડેમ પોલીસ મથકે નોંધાઈ છે. ધોળે દિવસે થયેલી આ ચોરીની ઘટનાથી વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી છે.

સત્‍યમપાર્ક શેરી નં. ૨ માં રહેતા અને સાબુના ફેરીનો વ્‍યવસાય કરતા ઘનશ્‍યામભાઈ અરવિંદભાઈ ડોબરીયા (ઉ.વ. ૩૭)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ઘટના તા. ૧/૪ના રોજ બની હતી. બપોરના સમયે ઘનશ્‍યામભાઈ ધંધાર્થે બહાર ગયા હતા, ત્‍યારે તેમના પત્‍ની પારૂલબેન ઘરના દરવાજા ખુલ્લા રાખી શેરીમાં બેસવા ગયા હતા.

સાંજે ૬ વાગ્‍યાની આસપાસ જ્‍યારે તેઓ પરત ઘરે આવ્‍યા ત્‍યારે દિવાલના ખુલ્લા કબાટમાં રાખેલું પર્સ ગાયબ જણાયું હતું. આ પર્સમાં પરિવારના કિંમતી ઘરેણાં રાખવામાં આવ્‍યા હતા.

તસ્‍કર ખુલ્લા દરવાજાનો લાભ લઈ ઘરમાં પ્રવેશ્‍યો હતો અને કબાટમાંથી  દાગીના ભરેલું પર્સ ચોરી કરી ગયો હતોઃ જેમાં સોનાનો હાર આશરે ૪ તોલા, મંગળસૂત્ર આશરે ૨ તોલા, સોનાનો પોચોઃ ૨ તોલા, સોનાની બુટ્ટી અડધો તોલો અને સોનાનો ટીકોઃ અડધો તોલો મળી કુલ ૯ તોલા સોનાના દાગીના, જેની હાલની બજાર કિંમત મુજબ આશરે રૂ. ૧૦,૮૦,૦૦૦ ગણવામાં આવી છે, તેની ચોરી થઈ છે.

ભોગ બનનાર પરિવારે આસપાસમાં તપાસ કર્યા બાદ કોઈ પત્તો ન લાગતા આખરે આજી ડેમ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પી.એસ.આઈ. એસ.એલ. ગોહીલે ગુનો નોંધી અજાણ્‍યા તસ્‍કરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ધોળે દિવસે થયેલી આ લાખોની ચોરીનો ભેદ ઉકેલવા ડીસીબી, એલસીબીની ટીમો પણ કામે લાગી છે

(3:16 PM IST)