તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd April 2026
સુપ્રિમ કોર્ટનો આભારઃ મારી જીત એ મારા પિતાની જીત
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનાં સભ્ય તરીકે ચૂંટાઇ આવનાર ઇતિહાસના સૌથી યુવા વયના મહિલા એડવોકેટ બનતા અમૃતા ભારદ્વાજ, સૌરાષ્ટ્રના પ્રથમ મહિલા એડવોકેટ બન્યા : નામદાર સુપ્રીમ કોર્ટની આભારી છું કે બાર કાઉન્સીલમાં મહિલા પ્રતિનિધિત્વ મળે તે દિશામાં ૩૩ ટકા અનામતનો નિયમ લાગુ કર્યો, મારા પિતા અભયભાઇનું સપનું હતું કે રાજકોટમાં હાઇકોર્ટની બેંચ પ્રસ્થાપિત થાયઃ અમૃતા ભારદ્વાજ

રાજકોટઃ સૌરાષ્ટ્ર-ગુજરાતના જાણીતા કાયદાવિદ, લો કમિશન ઓફઈન્ડીયાના પૂર્વ સભ્ય અને રાજયસભાના પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ અભયભાઈ ભારદ્વાજના વકીલાત ક્ષેત્રને આગળ ધપાવવા અને અભયભાઈની જેમ વકીલોના પ્રશ્નોને વાંચા આપી નિરાકરણ લઈ આવવાના સંકલ્પથી તા.૦૬/૦૩/૨૦૨૬ ના રોજ યોજાયેલ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલ અભયભાઈની વીરાંગના પુત્રી અમૃતાબેન ભારદ્વાજે જવલંત વિજય હાંસલ કર્યો છે. સને ૨૦૧૩ મા પિતાના માર્ગદર્શન હેઠળ વકીલાત ક્ષેત્રે શરૂઆત કરી હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરતા અમૃતાબેને સહુ વકીલોના આગ્રહ અને લાગણી સભર હુંફથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં મહિલા ઉમેદવાર તરીકે જીત હાંસલ કરી પિતાના વકીલ હિતના અધુરા કાર્યોને પૂરા કરવા પ્રયાણ કર્યુ છે.
અમૃતાબેન સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી શિક્ષણના સંસ્કાર મેળવી વકીલાતના પાઠ પિતા અભયભાઈ પાસે મેળવી અભયભાઈના વારસા તરીકે વકીલાતના માધ્યમથી જનસેવાને મુખ્ય પ્રાધાન્ય આપી રાજકોટ ટ્રાયલ કોર્ટથી શરૂ કરી હાઈકોર્ટ સુધી સફર ખેડનાર મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આપનાર છે. અમૃતાબેને પિતા અભયભાઈ સાથે રહી ગુલબર્ગ કેસ અને લીલીયા ડબલ મર્ડર કેસ જેવા ચકચારી અને હાઈપ્રોફાઈલ કેસોમાં જુનિયર વકીલ તરીકે મહત્વની ભૂમિકા ભજવી કાયદાકીય ક્ષેત્રે મહત્વનું ઘડતર મેળવ્યું છે. તેર વર્ષ ટ્રાયલ કોર્ટમાં અભયભાઈ નીચે તૈયાર થયા બાદ હાલ અમૃતાબેન સૌરાષ્ટ્રની ટ્રાયલ કોર્ટોમાં તેમજ સ્વતંત્ર રીતે ગુજરાત હાઈકોર્ટમા પ્રેકટીસ કરી રહયા છે.
રાજકોટ ટ્રાયલ કોર્ટના અનુભવથી લઈને હાઈકોર્ટની ઉચાઈ સુધી પહોંચેલા અમૃતાબેન આજ અનેક મહીલા વકીલો માટે પ્રેરણા રૂપ બન્યા છે. વકીલોના હીત માટે કામ કરવાના પીતાના સંકલ્પને પૂર્ણ કરવાના ઉદેરચને સાથે લઈ તેઓ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણી લડી અને જીત હાંસલ કરી છે જેને કાયદાકીય જગતમાં ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. અમૃતાબેને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જીત હાંસલ કરતાની સાથે જ અમૃતાબેન બી.સી.જી.ની ચુંટણીમાં જીત મેળવનાર ગુજરાતના ઈતિહાસના સૌથી યુવા વર્ષના મહિલા એડવોકેટ બન્યા છે તેમજ સૌરાષ્ટ્રના સૌપ્રથમ મહિલા ધારાશાષાી બન્યા છે. અમૃતાબેને તેઓની આવી અનોખી ઉપલબ્ધી માટે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટના ધારાશાષાીઓનો આભાર માન્યો હતો કે જેઓએ અઢારેય વરણ સાથે સુસંગતા ધરાવતા અભયભાઈના સંબંધો ઉજાગર કરી અભયભાઈની દિકરી ઉપર અવિસ્મરણીય પ્રેમ અને લાગણી વર્સાવી મતરૂપી આશીર્વાદ આપ્યા હતા.
અભયભાઈ ભારદ્વાજ એટલે ગુજરાતના સિંહ પુરૂષ અભયભાઈ ભારદ્વાજે ગુજરાતના રામ જેઠમલાણી તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. અભયભાઈને એકલવીર તરીકેનું બિરૂદ મળ્યુ હતુ. અભયભાઈએ પોતાની ઓફીસમા અસંખ્ય વકીલોને જુનીયર તરીકે વકીલાત ક્ષેત્રમાં પગલા ભરાવી અનેકો સિધ્ધિઓ જૂનીયર વકીલોને પ્રાપ્ત કરાવી છે. અભયભાઈએ અનેકો વડીલોના વ્યવસાયને આગળ વધારવા અને પોતાના જુનીયરને આગળ ક૨વા મેં નહી તું ના સૂત્રને સાક્ષાત્કાર કર્યું છે. અભયભાઈની નીચે તૈયાર થઈને ઘણા ખરા વડીલોએ ન્યાયાધીશ અને ન્યાયિક ક્ષેત્રે અનેકો સરકારી પદો સુધીની સફ૨ પણ પ્રાપ્ત કરી છે. અભયભાઈના આશીર્વાદથી અભયભાઈના ધણા જૂનીયર વકીલો પણ ખ્યાયનામ સિધ્ધિ મેળવી ચુકયા છે.
ભાઈ તરીકેના નામથી સુપ્રસિધ્ધ એવા અભયભાઈની દીકરી અમૃતાબેને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં જીત મેળવતાની સાથે રાજકોટ બાર અને ગુજરાત ભરના સીનીયર વકીલોના આશીર્વાદ અમૃતાબેનને મળ્યા છે. સાથે જ યુવા મહીલા ઉમેદવાર તરીકે અમૃતાબેને નારી તું નારાયણી સમુ મહિલા સશક્તિકરણને ઘ્યાને લઈને ગુજરાત ભરના યુવા વકીલોનો બહોળો સાથ સહકાર મળ્યો છે.
અમૃતાબેને જણાવેલ હતું કે મારી જીત એ મારા પિતાશ્રી અભયભાઈ પ્રત્યેનો વકિલોનો અકબંધ સંબંધ તેમજ અભયભાઈ માટે વિકલોની લાગણીની પ્રતિતિ છે. અભયભાઈની વિદાયને આજે છ વર્ષ થયા છે પરંતુ અભયભાઈ પ્રત્યેનો વકિલોનો પ્રેમ એટલો જ છે. હું જ્યાં-જ્યાં ચુંટણીના પ્રચાર અર્થે કોર્ટોમાં ગઈ છું ત્યાં-ત્યાં અભયભાઈ માટેની લાગણીઓ વકિલોએ વ્યકત કરી છે. અને આજે એ લાગણીઓના કારણે જ જ્યારે હું બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સભ્ય તરીકે ચુંટાઈ આવી છું ત્યારે હું વકિલોએ મારી ઉપર જે શ્રધ્ધા વ્યકત કરી છે તેને વ્યર્થ નહી જવા દઉં. અભયભાઈના નામે મત માગ્યા છે તો કામ પણ અભયભાઈ જેવું જ કરીશ. મારા પિતાશ્રીનું સ્વપ્ન હતું કે રાજકોટમાં હાઈકોર્ટની બેંચ પ્રસ્થાપિત થાય. મારા બી.સી.જી. મેમ્બર તરીકેના કાર્યકાળ દરમ્યાન રાજકોટમાં હાઈકોર્ટની બેંચ લઈ આવવામાં હું સફળ થાઉં તો એ જ મારી મારા પિતાશ્રીને શ્રધ્ધાંજલી રહેશે. જો મારા કાર્યકાળ દરમ્યાન રાજકોટમાં હાઈકોર્ટની બેંચ લઈ આવવા હું સફળ ન થઈ તો આવતી ચુંટણીમાં હું ઉમેદવારી નહી નોંધાવું.
અમૃતાબેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમા મહિલા ઉમેદવાર તરીકે જોત મેળવતા જ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વકીલોમાં ઉત્સાહ અને ઉમંગની લાગણી છવાઈ ગઈ છે. ત્યારે અમૃતાબેનને જીત અપાવવા મહેનત કરી રહેલા સૌરાષ્ટ્ર અને ગુજરાતના અસંખ્ય વકિલોનો આભાર વ્યકત કર્યો હતો. ખાસ કરીને તેઓને ભારતીય જનતા પાર્ટી પ્રેરીત સમરસ પેનલમાં સ્થાન આપવા બદલ અમૃતાબેને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ , નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને સૌરાષ્ટ્રના ઈન્ચાર્જ એવા અનીરૂધ્ધભાઈ દવે, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રીઓ હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ ભાજપ લીગલ સેલ સંયોજક અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે.જે. પટેલનો વિશેષમાં આભાર વ્યકત કર્યો હતો.
વધુમાં અમૃતાબેનને જીત અપાવવામાં મહત્વની ભુમીકા ભજવનાર પ્રદેશ ભાજપ લીગલ સેલના સહસંયોજક અને સીનીયર એડવોકેટ શ્રી અનીલભાઈ દેસાઈ, પ્રદેશ ભાજપ લીગલ સેલના કારોબારી સભ્ય શ્રી હિતેષભાઈ દવે અને શ્રી કિશોરભાઈ સખીયા, રાજકોટ શહેર ભાજપના સંયોજક શ્રી પીયુષભાઈ શાહ, સહસંયોજક શ્રી કમલેશભાઈ ડોડીયા અને રાજકોટ શહેર ભાજપ લીગલ સેલની સમગ્ર ટીમની તનતોડ મહેનત બદલ અમૃતાબેને સહુનો હૃદયપુર્વક આભાર વ્યકત કર્યો હતો.
જો મારા કાર્યકાળ દરમ્યાન રાજકોટમાં હાઈકોર્ટની બેંચ લઈ આવવા હું સફળ ન થઈ તો આવતી ચુંટણીમાં હું ઉમેદવારી નહી નોંધાવું.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે અમૃતાબેન ભારદ્વાજ, અંશભાઇ ભારદ્વાજ તેમજ પીયુષભાઈ શાહ (રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ સંયોજક), અર્જુનભાઈ પટેલ (પુર્વ પ્રમુખ રાજકોટ બાર એસોસીયેશન), ધીરજભાઈ પીપળીયા (સીનીયર વિકલો, રક્ષીતભાઈ કલોલા (એ.જી.પી.), કમલેશભાઈ ડોડીયા (રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ સહસંયોજક તેમજ એ.જી.પી.), પ્રશાંતભાઈ પટેલ (એ.જી.પી.), સી.એચ.પટેલ (પુર્વ પ્રમુખ રાજકોટ રેવન્યુ બાર એસોસીયેશન), ગોપાલભાઈ ત્રિવેદી (પ્રમુખ રાજકોટ કલેમ બાર એસોસીયેશન), અજયભાઈ જોશી (પુર્વ પ્રમુખ કલેમ બાર એસોસીયેશન) હિરેલબેન જાની (રાજકોટ બાર એસોસીયેશન કારોબારી સભ્ય), નૃપેનભાઈ ભાવસાર (રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ વિધાનસભા-૬૮ ઈન્ચાર્જ) જયસુખભાઈ બારોટ (રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ કોરકમીટી સભ્ય), દિલસુખભાઈ રાઠોડ (રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ સભ્ય), કૃણાલભાઈ દવે અને મિહિરભાઇ શૂકલ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:47 PM IST)










