<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

રાજકોટના મિજાજમાં પલટો : સવારે મેઘલી રાત જેવા માહોલ વચ્‍ચે છાંટા પડ્‍યા, બપોરે ઠંડક પ્રસરતા તાપમાન ૨૯ ડિગ્રીએ પહોંચ્‍યું

૧૮ કિમીની ઝડપે ફૂંકાતા ઠંડા પવનોએ ગરમી ગાયબ કરીઃ આખો દિવસ સૂર્યદેવ વાદળો પાછળ છુપાયેલા રહ્યા

રાજકોટ :  રંગીલું રાજકોટ આજે સવારથી જ બદલાયેલા મિજાજમાં જોવા મળ્‍યું હતું. ઉનાળાના તાપની અપેક્ષા વચ્‍ચે આજે સવારે અચાનક આકાશ કાળાડિબંગ વાદળોથી ગોરંભાયું હતું અને જોતજોતામાં અનેક વિસ્‍તારોમાં ધીમી ધારે વરસાદી છાંટા પડતા રસ્‍તાઓ ભીના થયા હતા. સવારના આ કમોસમી પલટા બાદ બપોરે પણ સૂર્યપ્રકાશ ગાયબ રહ્યો હતો અને આખો દિવસ વાદળછાયું વાતાવરણ જળવાઈ રહ્યું હતું.

બપોરે ૨:૩૦ વાગ્‍યાના અરસામાં શહેરમાં મહત્તમ તાપમાન ગગડીને ૨૯ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું. જે સામાન્‍ય દિવસો કરતા ઘણું નીચું છે. વાદળછાયા આકાશને કારણે બપોરના સમયે પણ લોકોએ એસી કે પંખા વગર રાહત અનુભવી હતી.

તેજ પવનની લહેરખીઓ હવામાનમાં આવેલા આ પલટા સાથે જ શહેરમાં અંદાજે ૧૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તેજ પવન અને વાદળછાયા માહોલને કારણે વાતાવરણમાં પ્રસરેલી ઠંડકે રાજકોટવાસીઓને મે મહિનાની ગરમીમાં ચોમાસા જેવો અહેસાસ કરાવ્‍યો હતો.

જનજીવન પર અસર સવારે પડેલા હળવા છાંટાને કારણે ટુ-વ્‍હીલર ચાલકો અને ઓફિસે જતા લોકોમાં થોડી દોડધામ મચી હતી, પરંતુ ત્‍યારબાદ દિવસભર ખુશનુમા વાતાવરણ રહેતા લોકોએ હિલ સ્‍ટેશન જેવી ઠંડકનો આનંદ માણ્‍યો હતો. જોકે, ખેડૂતોમાં આ બદલાયેલા હવામાનને લઈ ચિંતાની લકીરો પણ જોવા મળી હતી.

(3:55 PM IST)