News of Saturday, 4th April 2026
પુણે-રાજકોટ ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાનું પર્સ ચોરાયુંઃ હજારોની રોકડ અને મોબાઈલ પર હાથફેરો
કોઈમ્બતુર-રાજકોટ એકસપ્રેસના એસી કોચમાં ઘટનાઃ ઊંઘમાં હોવાનો તસ્કરોએ લાભ ઉઠાવ્યો

રાજકોટઃ પુણેથી રાજકોટ આવી રહેલી કોઈમ્બતુર-રાજકોટ એકસપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા દંપતીને નિશાનો બનાવી તસ્કરોએ મહિલાનું પર્સ ચોરી લીધાની ઘટના પ્રકાશમાં આવી છે. એસી કોચમાં મુસાફરી કરી રહેલી મહિલા જ્યારે ઊંઘમાં હતા, ત્યારે અજાણ્યા શખ્સે તેમના પર્સની ચોરી કરી લીધી હતી, જેમાં રોકડ રકમ, મોબાઈલ અને મહત્વના દસ્તાવેજો હતા.
મળતી વિગતો મુજબ, નીતિનભાઈ પારેખ અને તેમના પત્ની જયશ્રીબેન પારેખ ગતરાત્રે પુણેથી કોઈમ્બતુર-રાજકોટ એકસપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ ટ્રેનના A-૧ ડબ્બાના ટુ-ટાયર એસી કોચમાં સવાર હતા. વ્હેલી સવારે જયશ્રીબેન પોતાની સીટ પર આરામ કરી રહ્યા હતા. દરમિયાન, મોડી રાત્રે જયશ્રીબેનની ઊંઘ ઉડતા તેમણે પોતાનું પર્સ ચેક કર્યું હતું, પરંતુ તે સીટ પર જોવા મળ્યું નહોતું.
પર્સ ગાયબ હોવાનું જણાઈ આવતા જયશ્રીબેને તાત્કાલિક પોતાના પતિ નીતિનભાઈને જાણ કરી હતી. દંપતીએ પોતાની આસપાસની જગ્યાએ અને ટ્રેનમાં સઘન શોધખોળ કરી હતી, પરંતુ પર્સનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. અંતે ટ્રેનમાં પોતાનું પર્સ ચોરાઈ ગયું હોવાની તેમને ખાતરી થઈ હતી.
જયશ્રીબેનના ગુલાબી રંગના પર્સમાં રોકડ ૧૫ થી ૨૦ હજાર રૃપિયા. મોબાઈલઃ તેમનો મોબાઈલ (નંબર ૯૭૨૬૦ ૯૬૨૩૭). અગત્યના દસ્તાવેજો આધારકાર્ડ સહિતના મહત્વના ઓળખપત્રો હતા.
ટ્રેનમાં થયેલી આ ચોરીની ઘટના અંગે નીતિનભાઈ પારેખે તુરંત સંબંધિત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ હવે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે અને મુસાફરોની સુરક્ષા વચ્ચે થયેલી આ ચોરીના ગુનેગારોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ મામલે વલસાડ અને રાજકોટ શહેર પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
(10:40 AM IST)










