<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

વ્‍યાજખોર અલ્‍પેશ દોંગાએ ૧૫ લાખની સામે ધૂડિયા દોમડાની ૫ એકર જમીન પચાવી પાડી

જમીન હવે ભૂલી જજો.. નહીતર હી રહેવા દઈએ : માતાની સારવાર માટે વ્‍યાજે રૂપિયા લેનાર મહિલાએ અલ્‍પેશ દોંગા તથા રસીક સખીયા સામે મેટોડા જીઆઈડીસી પોલીસમાં ફરીયાદ કરી

રાજકોટ, તા.૪: મૂળ જેતપુર પંથકના વતની અને રાજકોટમાં રહેતા અને મની પ્‍લસ નામે શરાફી મંડળી ચલાવનાર અલ્‍પેશ દોંગા સામે અગાઉ વ્‍યાજે પૈસા આપી ખેડૂતોની જમીન લખાવી લીધા અંગેની ફરિયાદો નોંધાયા બાદ વ્‍યાજખોર અલ્‍પેશ દોંગા સહિત બે શખ્‍સોએ ૫ એકર જમીન પચાવી પાડયાની મેટોડા જીઆઈડીસી પોલીસમાં ફરીયાદ થઈ છે.

મળતી વિગતો મુજબ, રાજકોટમાં ૪૦ ફૂટ રોડ પર ખોડલ હોટલ પાછળ ન્‍યુ રાજદીપ સોસાયટી પાસે સગુન એલીગન્‍સ બ્‍લોક નંબર ૫૭- એ માં રહેતા ભાવનાબેન પંકજભાઈ દોંગા (ઉ.વ.૪૫) નામના પરિણીતાએ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્‍ટેશનમાં રાજકોટમાં નાના મવા રોડ પર સગુન એલીગન્‍સ સત્‍યમ પાર્ટી લોન્‍સની પાછળ રહેતા અલ્‍પેશ ગોપાલભાઈ દોંગા અને જેતપુરમાં રહેતા રસિક આંબાભાઈ સખીયા સામે મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, તે માતા વાલીબેન ઉર્ફે વીણાબેન બે પુત્રી અને પતિ સાથે રહે છે. પરિણીતાની વડીલોપાર્જિત જમીન લોધિકા તાલુકાના ધૂડિયા દોમડા ગામે સર્વે નંબર ૧૫૯ ની પાંચ એકર ૧૧ ગુઠા જમીન તેના માતા વાલીબેન ઉર્ફે વીણાબેનના સંયુક્‍ત નામે આવેલી છે. ફરિયાદીના માતા વાલીબેનને પેટમાં ગાંઠ હોય તેની સારવાર માટે પૈસાની જરૂરિયાત પડતા પાડોશમાં રહેતા અલ્‍પેશ દોંગાને વાત કરતા તેણે પાંચ લાખ પાંચ ટકા વ્‍યાજે આપ્‍યા હતા. જેનું ફરીયાદિ નિયમિત વ્‍યાજ ચૂકવતા હતા. ત્‍યારબાદ સારવાર માટે વધુ પૈસાની જરૂર પડતા સગા સંબંધીઓ પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હોય જે ચૂકવવા માટે રૂપિયા ૧૫ લાખની જરૂરિયાત પડતા અલ્‍પેશને વાત કરતા તેણે રૂ. ૧૫ લાખ આપીશ પરંતુ તમારે તમારી જમીન ગીરો મૂકવી પડશે તેવી વાત કરી હતી. જેથી મામલતદાર કચેરી લોધિકા ખાતે ૭.૫૦ લાખના બે અલગ અલગ ચેક આપી અલ્‍પેશે ફરિયાદીની સર્વે નંબર ૧૭૯ ની જમીનનો દસ્‍તાવેજ અન્‍ય આરોપી રસિક સખીયાના નામે કરાવી દીધો હતો.

ત્‍યારબાદ ફરિયાદી પાસે પૈસા આવતા અલ્‍પેશ પાસેથી અગાઉ લીધેલા રૂપિયા પાંચ લાખ ચૂકવી દીધા હતા. જેનું મહિને રૂપિયા ૨૫,૦૦૦ વ્‍યાજ પણ ચૂકવ્‍યું હતું. ત્‍યારબાદ લોધીકા મામલતદાર કચેરીથી નોટિસ મળતા અલ્‍પેશને આ નોટિસ બાબતે વાત કરતા તેણે કહ્યું હતું કે, આવી નોટિસ તો મળે જમીન તમારા નામે જ છે તેમ કહી ઘરે આવી નોટિસ લઈ ગયો હતો. ત્‍યારબાદ ફરિયાદીએ ગીરો મુકેલી જમીનના કાગળો પરત આપવાનું કહેતા અલ્‍પેશે કહ્યું હતું કે, આ જમીનનો દસ્‍તાવેજ અમે કરાવી લીધો છે તમારી જમીન તમારા નામે કરવી હોય તો ૧.૫ કરોડ ચૂકવવા પડશે નહીંતર ૧.૫ કરોડ રૂપિયાનું વ્‍યાજ ચાલુ થઈ જશે વ્‍યાજ નહીં ભરો તો જમીન અમે વેચી નાખીશું તેવી ધમકી આપી હતી. ત્‍યારબાદ ફરિયાદીએ રેવન્‍યુ રેકોર્ડમાં તપાસ કરતા તેમની જમીનનું દસ્‍તાવેજ તારીખ ૧/૭/૨૦૨૩ ના રસીક આંબાભાઈ સખીયાના નામે હોવાનું જાણવા મળ્‍યું હતું હાલ દસ્‍તાવેજ નીતાબેન બુહા નામે છે.

ફરિયાદીએ વધુમાં જણાવ્‍યું હતું કે અલ્‍પેશ દોંગાને ૨૦૨૪ સુધી મહિનાના રૂપિયા ૭૫,૦૦૦ લેખે વ્‍યાજ ચૂકવ્‍યું હતું. ત્‍યારબાદ તેણે ફરિયાદીની જમીનનો રસીક સખીયાના નામે દસ્‍તાવેજ કરાવી દીધો હતો અને આ અલ્‍પેશ તથા રસિક ફરિયાદીના ખેતરે આવી જગ્‍યા ખાલી કરી જતા રહેજો નહીંતર અમારી પાસે ઘણા માણસો છે તમને તથા તમારા પરિવારના સભ્‍યોને ગમે ત્‍યારે ઉપાડી લેશે, જીવતા નહિ રહેવા દઈએ જમીન હવે ભૂલી જજો તેમ કહી ધમકી આપતા હતા. ફરિયાદી અલ્‍પેશને રૂપિયા ૧૫ લાખથી ચૂકવી દીધા હોવા છતાં જમીનનો દસ્‍તાવેજ કરાવી લઈ ધમકી આપતો હોય પરિણીતાએ બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મેટોડા પોલીસે ધમકી મની લેન્‍ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે. 

(2:12 PM IST)