તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 4th April 2026
રામનગરના કારખાનામાંથી રૂ.૧.૮૦ લાખના એલ્યુમિનિયમની ચોરી કરનાર મજુર બેલડી ઝડપાયા
થોરાળા પોલીસે એકને ઝડપી લીધોઃ બીજાની શોધખોળ

રાજકોટ તા.૪: શહેરના ૮૦ ફૂટ રોડ પર રામનગરમાં આવેલ એલ્યુમિનિયમના કારખાનામાંથી રૂ. ૧.૮૦ લાખના એલ્યુમિનિયમ લાદીની ચોરીનો બનાવ બન્યો હતો. છૂટક મજૂરી અર્થે આવેલી બેલડી જ કળા કરી ગઈ હોય થોરાળા પોલીસે ગણતરીની કલાકોમા એક શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
કોઠારીયા રોડ પર નંદા હોલ નજીક સુભાષનગર શેરી નં.-૧ માં રહેતા વેપારી જેન્તિભાઇ રવજીભાઈ પોકર(ઉ.વ.૪૯) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભીખાભાઇ અને એક અજાણ્યા શખસનું નામ આપતાં જણાવ્યું હતું કે, ૮૦ ફુટ રોડ અજય વે-બ્રિજ પાછળ આવેલ રામનગર શેરી નં ૦૫ ખાતે ઓમ મેટલ તથા ઓમ ઇન્ડ્રસ્ટ્રીઝ નામનુ એલ્યુમીનીયમનુ કારખાનુ છેલ્લા ત્રીસ વર્ષથી ચલાવે છે.
ગઇ તા.૧૪/૦૩/૨૦૨૬ ના રોજ એમ.એ.ટ્રેડર્સના માલીક અકરમભાઇ મિરાણી પાસેથી એલ્યુમિનીયમનો કાચો માલ ૫૧૬૦ કિ.ગ્રા. મંગાવેલ હતો. જેથી રાતના સવા નવ વાગ્યાના અરસામાં માલ આવતા મજુરો દ્વારા માલ ઉતારી લેવામાં આવેલ હતો. બાદ બીજા દિવસે અમારા ઘરે પ્રસંગ હોય જેથી કારખાને ગયેલ ન હતા પરંતુ એલ્યુમીનીયમનો કાચો માલ આવી ગયો હોય જેથી અમારા જાણીતા માણસ ભીખાભાઈને તેના મોબાઈલ પર ફોન કરી બીજા દિવસથી કામ પર આવી જવા જણાવ્યું હતું. જેથી તા.૧૬/૦૩/૨૦૨૨૬ ના રોજ ભીખાભાઇ તથા અન્ય એક શખસ સવારના આઠ વાગ્યે કામ માટે આવ્યા હતા.
દરમિયાન મારા મોટાભાઈ રમેશભાઈના મોબાઇલ પર અકરમભાઈનો ફોન આવેલ કે, તમને જે કાચો માલ મોકલાવેલ છે તેની સાથે અન્ય ટીન(એલ્યુમીનીયમ)ની લાદીના પાંચ બાંચકા જેનો વજન ૨૫૦ કિ.ગ્રા. થાય છે તે પણ આવી ગયેલ છે, તો તે માલ અમને પરત મોકલાવી આપજો.
બીજા દિવસે તા.૧૭/૦૩/૨૦૨૬ ના રોજ પણ ભીખાભાઈ અને અજાણ્યો શખ્સ કામ પર આવેલ હતા અને તે દિવસે અન્ય માલ ૫રત મોકલવાનો હોય જેથી રીક્ષામા ટીન(એલ્યુમીનીયમ)ની લાદીના બાચકા ભરતા ચાર જ બાચકા મળી આવ્યા હતા. જેથી ભીખાભાઇને અન્ય બાચકા બાબતે પુછતા તેમણે જણાવેલ કે ટીન(એલ્યુમીનીયમ)ની લાદીનુ બાચકુ ભઠ્ઠીમા ઓગાળી નાખેલ છે, જેથી ચાર બાચકા પરત મોકલેલ હતા. ત્યારબાદ ભીખાભાઇ અને અજાણ્યા શખ્સેં તા.૧૬/૦૩/૨૦૨૬ ના રોજ ટીનનો ભાગ ચોરી લીધાની જાણ થઇ હતી. જેથી ભીખાભાઇને આ બાબતે પૂછવા અર્થે ફોન કરીને રુબરુ બોલાવતા તેણે બે-ત્રણ દિવસમાં આવી જવાનું કહ્યું હતું પણ ત્યારબાદ તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી આધેડ કારખાનેદારે રૂ.૧.૨૮ લાખની કિંમતનો ૩૨ કિલો ટીન(એલ્યુમીનીયમ)ની લાદી ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.
ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા થોરાળા પોલીસ મથકના પીઆઈ એસ.પી. સોઢાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન આર ડોબરીયાની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન પોલીસે બાતમીના આધારે ચોરીને અંજામ આપનાર ભીખાભાઈ રાજારામ બડગુજર (હાલ રહે. મવડી, રાજકોટ મૂળ રહે. મહારાષ્ટ્ર)ને દબોચી મુદ્દામાલ રિકવર કરવા તજવીજ હાથ ધરી હતી. જયારે ચોરીમાં મદદગારી કરનાર સુરજ નામના શખ્સની શોધખોળ યથાવત રાખી હતી.
(3:25 PM IST)










