<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

આવાસ કૌભાંડ મુદ્દે ભાજપમાંથી સસ્‍પેન્‍ડ થયેલ દેવુબેન જાદવનો કોંગ્રેસમાં ધડાકાભેર પ્રવેશ : રાજકીય ગરમાવો

આગામી ચુંટણી કોંગ્રેસમાંથી લડવા પણ મનસુખભાઇ જાદવ અને પુર્વ કોર્પોરેટરની દાવેદારી

 

રાજકોટ, તા.,૪ :મહાનગરપાલિકાની ગત ટર્મમાં ભાજપમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયેલ  અને આવાસ યોજનામાં કવાર્ટરનો ગેરલાભ લેવા બદલ સસ્‍પેન્‍ડ કરાયેલી પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ ગઇકાલે પોતાના પતિ મનસુખભાઈ જાદવ સાથે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ ઘટનાથી શહેરના રાજકારણમાં પક્ષપલ્‍ટાના પડઘમ વાગ્‍યા છે.

ગઇકાલે વોર્ડ નં. ૬માં યોજાયેલી સભામાં કોંગ્રેસના આગેવાનો દ્વારા દેવુબેન જાદવને પંજાનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્‍યા હતા. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે તેઓ આગામી સમયમાં આ જ વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે.

દેવુબેન જાદવે પોતાના નિવેદનમાં જણાવ્‍યું હતું કે, તેઓ છેલ્લા ૧૦ વર્ષથી કોર્પોરેટર તરીકે સેવા આપી રહ્યા હતા અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્‍યા હતા. તેમનો પરિવાર હંમેશા પાર્ટી સાથે વફાદારીથી જોડાયેલો રહ્યો હોવા છતાં તેમને સસ્‍પેન્‍ડ કરાયા હતા.

છતાં તેમણે કોર્પોરેટર તરીકે કામ ચાલુ રાખ્‍યું હતું અને આવાસ માટે આપેલા તમામ આધાર પુરાવા સાચા હોવાનું તેમણે દાવો કર્યો હતો.

તેમના પતિ મનસુખભાઇ જાદવે જણાવ્‍યું હતું કે, સમાજના લોકો સાથે ચર્ચા કર્યા બાદ સૌના સહમતિથી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. ભાજપમાં તાનાશાહી વલણથી કંટાળીને તેઓએ પક્ષ બદલવાનો નિર્ણય લીધો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે આવાસ યોજના અંતર્ગત ગેરરીતિના આરોપોમાં દેવુબેન જાદવ અને તેમના પતિ મનસુખ જાદવ તેમજ વોર્ડ નં. ૫ના મહિલા કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવા ગોલતરનું નામ ચર્ચામાં આવ્‍યું હતું. અન્‍યત્ર ઘર હોવા છતાં સ્‍લમ વિસ્‍તારમાં આવાસ મેળવવા પાત્ર લાભાર્થી તરીકે નામ નોંધાવવાના મુદ્દે વિવાદ ઉભો થયો હતો. આ મામલે ભાજપે દેવુબેન જાદવને દોષિત ઠરાવી સસ્‍પેન્‍ડ કરવાની કાર્યવાહી કરી હતી.

(3:11 PM IST)