તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th April 2026
રાજકોટના ૧૫૦૦ કરોડના GST અને મ્યુલ એકાઉન્ટ કૌભાંડમાં CID ક્રાઈમનો મોટો સપાટો: અમરેલીના શખ્સની ધરપકડ, ૮૦ કરોડના શંકાસ્પદ વ્યવહારોનો પર્દાફાશ
માર્કેટિંગ યાર્ડના ખાતાઓનો 'મહોરા' તરીકે ઉપયોગ કરી ખેલાયો આર્થિક ગોટાળો: મુખ્ય સૂત્રધાર હિરેન લીંબાસિયા એક જ વર્ષમાં ૧૬ વખત વિદેશ ઉડી ગયો, હજુ અનેક મોટા માથાઓના નામ ખૂલવાની શક્યતા

રાજકોટ, તા.૪: રાજકોટમાં લાંબા સમયથી ચર્ચિત ૧૫૦૦ કરોડ રૂપિયાના જીએસટી (GST) અને મ્યુલ એકાઉન્ટ કૌભાંડમાં તપાસનીસ એજન્સી CID ક્રાઈમને વધુ એક મહત્વની સફળતા મળી છે. પોલીસે આ રેકેટમાં સક્રિય ભૂમિકા ભજવનાર વધુ એક આરોપી મનીષ ચોરેલાની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી મૂળ અમરેલીનો રહેવાસી છે અને તેના તાર આ મસમોટા આર્થિક કૌભાંડ સાથે સીધી રીતે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ ધરપકડ સાથે જ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧૬ આરોપીઓ પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મનીષ ચોરેલાના નામે ચાલતા કુલ ૭ મ્યુલ એકાઉન્ટ્સમાંથી અંદાજે ૮૦ કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યા હતા. આ મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ મુખ્યત્વે મની લોન્ડરિંગ અને જીએસટીની ચોરી કરવા માટે કરવામાં આવતો હતો. આરોપીઓની મોડસ ઓપરેન્ડી એટલી હદે વ્યવસ્થિત હતી કે તેઓ સીધા ખેડૂતો અને વેપારીઓ સાથે સંકળાયેલા માર્કેટિંગ યાર્ડના ખાતાઓનો દુરુપયોગ કરતા હતા. તપાસમાં બાબરા, લાઠી, રાજકોટ બેડી યાર્ડ અને સાવરકુંડલાના વિવિધ ખાતાઓનો ઉપયોગ થયો હોવાના પુરાવા પોલીસને હાથ લાગ્યા છે.
આ કૌભાંડનું કદ કેટલું વિશાળ છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે હાલમાં CID ક્રાઈમ દ્વારા ૧૬ આરોપીઓના કુલ ૪૬ બેંક એકાઉન્ટ્સની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ જટિલ આર્થિક વ્યવહારોને ઉકેલવા માટે સ્પેશિયલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA)ની મદદ લેવામાં આવી રહી છે. હજુ પણ ૨૫૦ જેટલા મહત્વના ટ્રાન્ઝેક્શનની વિગતો બેંકો પાસેથી મળવાની બાકી છે, જે મળ્યા બાદ કૌભાંડનો આંકડો હજુ પણ મોટો થઈ શકે છે.
કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા હિરેન લીંબાસિયા વિશે પણ નવા ખુલાસા થયા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તે છેલ્લા એક જ વર્ષમાં ૧૬ વખત વિદેશ પ્રવાસે ગયો હતો. પોલીસ હવે આ વિદેશ પ્રવાસો પાછળના હેતુ અને ત્યાં છુપાવેલી મિલકતો અંગે તપાસ કરી રહી છે. સાવરકુંડલા અને અમરેલી પંથકના ખેતીવાડી સાથે જોડાયેલા યાર્ડના ખાતાઓનો આ રીતે ગેરઉપયોગ થતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય વગદાર લોકોની પણ ધરપકડ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
(11:58 PM IST)










