<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

રાજકોટ રેલવેનો ઐતિહાસિક સ્તરે ડંકો: પાર્સલ આવકમાં પ્રથમ વખત રૂ.15 કરોડનો આંકડો પાર

નાણાકીય વર્ષ 2025-26માં આવકમાં 43 ટકાનો તોતિંગ વધારો નોંધાયો, ઈમિટેશન જ્વેલરી અને બ્રાસપાર્ટ્સના પરિવહન સાથે ડિજિટલ પેમેન્ટમાં 95 ટકાની સિદ્ધિ મેળવી પશ્ચિમ રેલવેમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો

રાજકોટ:  પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ 2025-26માં પાર્સલ આવકના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સફળતા મેળવીને નવો ઇતિહાસ રચી દીધો છે. ડિવિઝને પ્રથમ વખત રૂ.15.05 કરોડની પાર્સલ આવકનો આંકડો વટાવ્યો છે, જે ગત વર્ષના રૂ.10.54 કરોડની તુલનાએ 43.10 ટકાનો જંગી ઉછાળો દર્શાવે છે. સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના માર્ગદર્શન હેઠળ ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં આવ્યો છે. આ સફળતામાં ખાસ કરીને 24 ટનની ક્ષમતા ધરાવતી 34 પાર્સલ વેન (VP) ના અસરકારક સંચાલનનો મોટો ફાળો રહ્યો છે, જેના માધ્યમથી 765 ટનથી વધુ વધારાના માલનું લોડિંગ કરીને રેલવેની તિજોરીમાં રૂ.66.09 લાખની વધારાની આવક ઉમેરાઈ છે.

માલસામાન પરિવહનના ક્ષેત્રમાં રાજકોટ ડિવિઝને સૌરાષ્ટ્રના ઉદ્યોગો માટે લાઈફલાઈન સમાન ભૂમિકા ભજવી છે. આ વર્ષ દરમિયાન મુખ્યત્વે ઈમિટેશન જ્વેલરી, પિત્તળના ભાગો (બ્રાસ પાર્ટ્સ), ઓટોમોબાઈલ સ્પેરપાર્ટ્સ, ટેક્સટાઇલ અને જલ્દી બગડી જાય તેવી ચીજવસ્તુઓ જેવી કે ફળો અને શાકભાજીનું મોટાપાયે પરિવહન કરવામાં આવ્યું હતું. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, ચાલુ નાણાકીય વર્ષમાં કુલ 4,55,555 ક્વિન્ટલ માલનું લોડિંગ થયું છે, જે ગત વર્ષના 3,59,288 ક્વિન્ટલની સરખામણીએ ઘણું વધારે છે. ડિવિઝન દ્વારા ટ્રાફિકના નવા સ્ત્રોતો શોધીને લોડિંગ ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, જે રેલવેની કાર્યક્ષમતા અને ટીમવર્કનો ઉત્કૃષ્ટ નમૂનો પૂરો પાડે છે.

રેલવેના આધુનિકીકરણના યુગમાં રાજકોટ ડિવિઝને ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કર્યો છે, જેના કારણે સેવાઓ વધુ પારદર્શક અને ગ્રાહક-લક્ષી બની છે. હાલમાં પાર્સલ સેવાઓ માટે 100 ટકા કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ લાગુ છે અને આશ્ચર્યજનક રીતે 95 ટકાથી વધુ ટ્રાન્ઝેક્શન ડિજિટલ માધ્યમથી એટલે કે કેશલેસ રીતે કરવામાં આવે છે. ગ્રાહકોને તેમના પાર્સલનું લાઈવ ટ્રેકિંગ અને રસીદના મેસેજ (SMS) મોબાઈલ પર જ મળી રહે છે, જેનાથી સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ ઐતિહાસિક માઈલસ્ટોન બદલ સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાજકોટ ડિવિઝન આગામી સમયમાં ભારતીય રેલવેમાં પોતાની વિશિષ્ટ ઓળખને વધુ ઊંચાઈ પર લઈ જશે.

 

(4:03 PM IST)