<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

રાજકોટના બેંક ગ્રાહકો માટે લાલબત્તી સમાન કિસ્સો :ડેબિટ કાર્ડ બદલી છેતરપિંડી આચરતો રીઢો ગુનેગાર ઝડપાયો

આરોપી પાસેથી 10 અલગ બેંકના ડેબિટ કાર્ડ અને મોબાઈલ જપ્ત:આરોપી સામે અગાઉ નોંધાઈ ચૂક્યા છે 12 થી વધુ ગંભીર ગુના :રાજકોટ ગ્રામ્ય LCB દ્વારા યુપીના રીઢા શખ્સની ઊંડી પૂછપરછ શરૂ

રાજકોટ જિલ્લામાં એટીએમ સેન્ટરો પર નિર્દોષ લોકોને મદદ કરવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ થયો છે. રાજકોટ ગ્રામ્ય એલસીબીએ એક એવા રીઢા ગુનેગારની ધરપકડ કરી છે જે લોકોની નજર ચૂકવીને તેમનું ડેબિટ કાર્ડ બદલી નાખતો હતો અને બાદમાં ખાતામાંથી રોકડ રકમ ઉપાડી લેતો હતો.

 

તાજેતરમાં ગોંડલ માં એક મહિલાના બેંક ખાતામાંથી અજાણ્યા શખ્સે મદદ કરવાના બહાને કાર્ડ બદલી ₹40,000 ઉપાડી લીધા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સૂચનાથી LCB ની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના વતની એવા દિપકસિંહ સેંગરની ધરપકડ કરી છે.

 

 

આરોપી દિપકસિંહ ખાસ કરીને એવા એટીએમ સેન્ટરો પાસે ઉભો રહેતો જ્યાં વૃદ્ધો અથવા ઓછું ભણેલા લોકો આવતા હોય. જ્યારે કોઈ વ્યક્તિને એટીએમ વાપરવામાં તકલીફ પડે ત્યારે તે મદદની ઓફર કરતો. આ દરમિયાન તે ચાલાકીથી વ્યક્તિનો પિન નંબર જાણી લેતો અને નજર ચૂકવીને અસલી કાર્ડની જગ્યાએ નકલી ડેબિટ કાર્ડ પકડાવી દેતો હતો. અસલી કાર્ડ લઈને તે ગણતરીની મિનિટોમાં ખાતું સાફ કરી નાખતો હતો.

પોલીસે આરોપી પાસેથી 10 અલગ-અલગ બેંકોના ડેબિટ કાર્ડ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપી સામે અગાઉ પણ 12 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે તેણે અત્યાર સુધીમાં અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે અને તેની સાથે કોઈ ગેંગ સંડોવાયેલી છે કે કેમ.

(9:14 PM IST)