તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
ડિજિટલ યુગમાં નવો ખતરો : સમુદ્રની અંદરનું અદ્રશ્ય યુદ્ધ
ઇન્ટરનેટની ‘લાઇફલાઇન' જોખમમાં : વિશ્વ માટે ચેતવણી સમાન અતિ ગંભીર પરિસ્થિતિ

આધુનિક યુગમાં આપણે ઇન્ટરનેટને હવામાંથી આવતી અદૃશ્ય શક્તિ માનીએ છીએ, પરંતુ તેની સાચી હકીકત સમુદ્રના તળિયે પથરાયેલા ફાઇબર ઓપ્ટિક સબમરીન કેબલ્સમાં છુપાયેલી છે. વિશ્વના લગભગ ૯૯% આંતરરાષ્ટ્રીય ડેટા ટ્રાફિક આ કેબલ્સ દ્વારા વહે છે, જે વૈશ્વિક અર્થતંત્ર, બેંકિંગ, સંચાર અને ડિજિટલ સેવાઓનો મુખ્ય આધારસ્તંભ છે.
પરંતુ હાલ મધ્ય-પૂર્વમાં યુદ્ધ અને વધતા રાજકીય તણાવને કારણે લાલ સમુદ્ર અને હોર્મુઝ જેવી વ્યૂહાત્મક જગ્યાઓ પર આ ‘ડિજિટલ જીવાદોરી' ગંભીર જોખમમાં મુકાઈ છે. જો આ કેબલ્સને નુકસાન થાય, તો તેની અસર માત્ર ઇન્ટરનેટ સુધી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર વિશ્વની ડિજિટલ વ્યવસ્થા હચમચી શકે છે.
૧. યુદ્ધ અને સબમરીન કેબલ્સ : કેમ વધી રહ્યું છે જોખમ? : લાલ સમુદ્ર અને હોર્મુઝની સમુદ્રધુની વિશ્વના ડેટા ટ્રાફિકના મુખ્ય ‘ચોકપોઈન્ટ' છે. યુદ્ધની પરિસ્થિતિમાં આ વિસ્તારો સૌથી વધુ સંવેદનશીલ બની જાય છે. વ્યૂહાત્મક હુમલા - કોઈ દેશ ઇચ્છાપૂર્વક સામી અર્થવ્યવસ્થાને ખોરવવા કેબલ્સને નિશાન બનાવી શકે છે. જહાજો અને લંગરથી નુકસાન- યુદ્ધ દરમિયાન ડૂબતા જહાજો કે મોટા લંગરથી કેબલ્સ તૂટી શકે છે. મરામતની મુશ્કેલી-યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં કેબલ રિપેર કરવા માટે જહાજો મોકલવા મુશ્કેલ બનતા હોય છે, જેના કારણે સમસ્યા લાંબા સમય સુધી યથાવત રહી શકે છે.
૨. જો કેબલ્સ કપાય તો શું થશે? : જો આ કેબલ્સ નેટવર્ક ખોરવાય, તો તેની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળશે. જેમાં, ઇન્ટરનેટ ધીમું પડી જશે- ડેટાને લાંબા રસ્તે ડાયવર્ટ કરવું પડશે, જેના કારણે સ્પીડમાં ભારે ઘટાડો થશે. બેંકિંગ અને શેરબજાર પર અસર- મિલીસેકન્ડના વિલંબથી અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે. ક્લાઉડ અને IT સેવાઓ ઠપ્પ- ડેટા સેન્ટર્સ વચ્ચેનું જોડાણ તૂટવાથી મોટી કંપનીઓની સેવાઓ ખોરવાઈ શકે છે. આવશ્યક સેવાઓમાં વિક્ષેપ- હોસ્પિટલો, સુરક્ષા તંત્ર અને સરકારી સેવાઓ પર સીધી અસર પડશે. ડિજિટલ અંધાધૂંધી- ઓનલાઈન વ્યવહાર, મીટિંગ્સ અને સ્ટ્રીમિંગ લગભગ અશકય બની શકે છે.
૩. ભારત પર સંભવિત અસર :
ભારત માટે આ પરિસ્થિતિ વિશેષ ચિંતાજનક છે, કારણ કે મુંબઈ અને ચેન્નાઈ જેવા શહેરો સબમરીન કેબલ્સના મુખ્ય લેન્ડિંગ પોઈન્ટ્સ છે. જો યુરોપ સાથેનું કનેક્શન ખોરવાય, તો ભારતના આંતરરાષ્ટ્રીય વ્યવહાર અને IT ઉદ્યોગ પર મોટો ફટકો પડી શકે છે.
૪. સંકટ સામે વૈકલ્પિક રસ્તાઓ : આ જોખમોને ધ્યાનમાં રાખીને વિશ્વ અને ભારત બંને વિકલ્પો શોધી રહ્યા છે. એક સેટેલાઇટ ઇન્ટરનેટ-એલોન મસ્કની સ્ટારલિંક, વનવેબ અને જીઓ જેવી સેવાઓ અવકાશમાંથી ઇન્ટરનેટ પૂરો પાડી શકે છે. પરંતુ આ ટેકનોલોજી હજુ ‘બેકઅપ' તરીકે જ ઉપયોગી છે, કારણ કે તેની ક્ષમતા ફાઇબર કેબલ જેટલી નથી. ડેટા લોકલાઇઝેશન અને કેશિંગ- Google અને Meta જેવી કંપનીઓ સ્થાનિક સર્વર્સ સ્થાપિત કરી રહી છે, જેથી આંતરરાષ્ટ્રીય કનેક્શન તૂટે તો પણ મૂળભૂત સેવાઓ ચાલુ રાખી શકે. નવા કેબલ રૂટ્સ- યુદ્ધગ્રસ્ત વિસ્તારોને ટાળીને નવા માર્ગો વિકસાવવામાં આવી રહ્યા છે. જેથી એક જ વિસ્તાર પર નિર્ભરતા ઓછી થાય.
૫. BSNL અને રાષ્ટ્રીય સુરક્ષા :
BSNL દેશની વ્યૂહાત્મક સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સરહદી અને દૂરદરાજ વિસ્તારોમાં કનેક્ટિવિટી. સેટેલાઇટ ગેટવે અને સુરક્ષિત સંચાર. સ્વદેશી 4G/5G ટેકનોલોજીનો વિકાસ. ઇમરજન્સીના સમયમાં સરકાર માટે BSNL એક મજબૂત આધારસ્તંભ સાબિત થઈ શકે છે.
૬. સેટેલાઇટ ટેકનોલોજીની મર્યાદાઓ : ભલે સેટેલાઇટ ઇન્ટરનેટ આધુનિક વિકલ્પ છે, પરંતુ તેમાં કેટલીક મર્યાદાઓ છે. જેવી કે બેન્ડવિડ્થ ઓછી, હવામાનનો પ્રભાવ, ખર્ચ વધારે, સાયબર સુરક્ષા જોખમ વધારે રહે છે. આથી, તે સબમરીન કેબલ્સનું સંપૂર્ણ વિકલ્પ બની શકતું નથી.
૭. આગળનો માર્ગઃ શું કરવું જરૂરી? :
વિશ્વ અને ભારત માટે નીચેના પગલાં અત્યંત જરૂરી બન્યા છે જેમાં, રૂટ ડાયવર્સિટી- એકથી વધુ કેબલ માર્ગો વિકસાવવા. સેટેલાઇટ બેકઅપ મજબૂત બનાવવું. ડેટા સેન્ટર્સનું સ્થાનિકીકરણ.
સમુદ્રી સુરક્ષા વધારવી. ઝડપી રિપેર મિકેનિઝમ વિકસાવી.
આજના યુગમાં યુદ્ધ માત્ર જમીન અને આકાશમાં જ નહીં, પરંતુ સમુદ્રના પેટાળમાં પણ લડાઈ રહ્યું છે. સબમરીન કેબલ્સ પર ચાલતી ‘ડિજિટલ દુનિયા' જો ખોરવાય, તો તે માત્ર ઇન્ટરનેટ બંધ થવાની ઘટના નહીં રહે, પરંતુ સમગ્ર વૈશ્વિક વ્યવસ્થાને હચમચાવી નાખે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
સમુદ્રની અંદર ચાલી રહેલું આ ‘અદૃશ્ય યુદ્ધ' ભવિષ્યની સૌથી મોટી ચેતવણી છે. ડિજિટલ યુગમાં દેશોની સુરક્ષા હવે માત્ર સરહદો સુધી સીમિત નથી, પરંતુ કેબલ્સ અને ડેટા નેટવર્ક સુધી વિસ્તરી ગઈ છે.
ડિજિટલ યુગની સુરક્ષા માટે હવે સમય આવી ગયો છે કે દેશો પરંપરાગત રક્ષણ સાથે સાથે ‘ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર'ને પણ રાષ્ટ્રીય સુરક્ષાના કેન્દ્રમાં સ્થાન આપે
સંકલન
બાબુભાઇ મેનપરા
૯૪૨૬૨૨૭૮૮૮

(10:31 AM IST)










