તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
મિલ્કત વેરો માફ-ફ્રી પાસ સેવા સહિતના કોંગ્રેસના વચનો. : જુઓ વિડિયો
મનપાની ચૂંટણી ઢંઢેરો જાહેર કરતુ કોંગ્રેસઃ પાણી, પાર્કિંગ, મહિલા, આરોગ્ય, શિક્ષણ સહિતના મુદે પ્રાધાન્ય : જનતાના સૂચનોને આધારે તૈયાર કરેલ જનતાનો મેનિફેસ્ટો રજુ કરતા ડો. રાજદિપસિંહ જાડેજા

જનમંચથી મેનિફેસ્ટોઃ આગામી ર૬મીએ યોજાનાર મનપાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષોએ તૈયારીઓ ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મનપાની ચૂંટણી ઢંઢેરાની વિસ્તૃત માહિતી માટે યોજાયેલા પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ મેનેફિસ્ટોની વિસ્તૃત માહિતી આપી હતી અને તમામ મુદા માટે કાગળ પર નહિ અને શાસન આવ્યા પછી નિભાવવાની ખાત્રી આપી હતી. આ પત્રકાર પરિષદમાં વશરામભાઇ સાગઠિયા, ડો. હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, ગાયત્રીબા વાઘેલા, ડી.પી. મકવાણા, સુરેશભાઇ બથવાર, આદિત્યસિંહ ગોહિલ, અતુલભાઇ રાજાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ, તા. ૬: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘કોંગ્રેસ આપને દ્વાર' અભિયાન અને ‘જનમંચ' કાર્યક્રમના આધારે તૈયાર કરાયેલ ‘જનતાનો મેનિફેસ્ટો' જાહેર કરવામાં આવ્યો છે. આ મેનિફેસ્ટો રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે રજૂ થયો છે, જેમાં શિક્ષણ, આરોગ્ય, પાણી, ટ્રાફિક, આવાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુદ્દાઓ પર જનતાના સીધા સૂચનોને સ્થાન આપવામાં આવ્યું છે.
શહેર કોંગ્રેસે પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે ચુંટણી ઢંઢેરાથી પત્રકાર પરિષદમાં રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાની વચ્ચે જઈને મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. વોર્ડ દીઠ ‘જનમંચ' દ્વારા મળેલી ફરિયાદો અને સૂચનોના આધારે ભાજપ સરકાર સામે આ કમિટમેન્ટ બનાવાયું છે.
રાજકોટ માટે ખાસ કરીને ઘરવેરામાં રાહત, પાણી વિતરણ સમય વધારવો, ફ્રી ર્પાકિંગ, મફત સિટી બસ સેવા, ડિજિટલ શાળાઓ, મહિલાઓ માટે વિશેષ યોજનાઓ, ૨૪/૭ આરોગ્ય કેન્દ્રો અને પર્યાવરણ સુધારવા જેવા અનેક મહત્વપૂર્ણ વચનો આપવામાં આવ્યા છે.
કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે આ મેનિફેસ્ટો માત્ર વચનપત્ર નથી, પરંતુ જનતા સાથેનું કમિટમેન્ટ છે, જેને સત્તામાં આવ્યા બાદ પૂર્ણ કરવામાં આવશે.
કોંગ્રેસના કયા કયાં કમિટમેન્ટસ સહિત કોંગ્રેસે આજે નવા ભળેલા વિસ્તારો માટે વિશેષ વિકાસ પેકેજઃ માધાપર, મણહરપુર-૧, ઘંટેશ્વર, મુંજકા અને મોટામવા જેવા નવા સમાવેશ કરાયેલા વિસ્તારો માટે વિશેષ વિકાસ પેકેજનું આયોજન કરીશું.
ઘરવેરો અને આવાસઃ ૭૦ વાર સુધીના મકાનો પર ઘરવેરો સંપૂર્ણ માફ કરીશું અને દસ્તાવેજ ધરાવતા રહેણાંક મકાનો માટે વેરામાં ૫૦ ટકા સુધી રાહત આપીશું. ‘પહેલા રિહેબિલીટેશન, પછી જ ડિમોલિશન'ના સિદ્ધાંતને અનુસરી વૈકલ્પિક આવાસ આપ્યા વગર ડિમોલિશન નહીં કરીએ.
પાણી વ્યવસ્થાપનઃ ૧૫ મિનિટના પાણી વિતરણને વધારી ૪૫ મિનિટ કરીશું. ગટર અને પીવાની લાઈનો અલગ કરી ગંદા પાણીથી મુક્તિ અપાવીશું તથા ‘વોટર ટાસ્ક ફોર્સ' બનાવી રાજકોટને પૂરતું પાણી આપીશું.
ટ્રાફિક અને ર્પાકિંગઃ: દરેક ઝોનમાં ફ્રી ર્પાકિંગ સુવિધા ઊભી કરીશું. ર્પાકિંગની જગ્યાઓ દબાણમુક્ત કરી ફૂટપાથોને ફરી ચાલવાલાયક બનાવીશું.
સિટી બસ સેવાઃ બસ સેવાને સોસાયટીઓ અને નવા વિસ્તારો સુધી પહોંચાડીશું. મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝનોને વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપીશું.
શિક્ષણઃ દરેક વોર્ડમાં આધુનિક ડિજિટલ શાળા શરૂ કરી તેનું CBSE કે સેન્ટ્રલ બોર્ડ સાથે જોડાણ કરીશું. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી કોચિંગ સેન્ટર અને શિક્ષણ માટે WiFi ઝોન ઊભા કરીશું.
રમતગમતઃ ઝોન પ્રમાણે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવી ફ્રી પ્રોફેશનલ કોચિંગ આપીશું. દરેક ગાર્ડનમાં નાના બાળકો માટે ‘ટોડલર ઝોન' હેઠળ વિશેષ સુવિધાઓ ઊભી કરીશું.
રિઝર્વ પ્લોટઃ SC, ST, OBC અને EWS વર્ગ માટેના રિઝર્વ પ્લોટ્સને તે જ વર્ગના હિત માટે ઉપયોગમાં લઈશું.
મહિલા વિશેષ યોજનાઃ મહિલાઓ માટે મહિલા કોચ ધરાવતું ફ્રી જીમ, લાઈબ્રેરી મેમ્બરશિપ અને સુરક્ષિત પિન્ક ટોઈલેટ બનાવીશું. કોર્પોરેશનની ભરતીમાં મહિલાઓને ૫૦ ટકા પ્રાધાન્ય આપીશું.
આરોગ્ય સેવાઓઃ દરેક વોર્ડ દીઠ ૨૪/૭ આરોગ્ય કેન્દ્રો અને નવી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીશું. સિનિયર સિટિઝનને વાર્ષિક ફૂલ બોડી ચેક-અપ અને ફ્રી દવાઓ આપીશું.
પર્યાવરણ અને AQI શહેરનું ગ્રીન કવર વધારવા માટે મોટા પાયે વળક્ષારોપણ કરીશું અને હવાની ગુણવત્તા (AQI) સુધારી પ્રદૂષણનું સ્તર ઘટાડીશું.
આ ઉપરાંત, સફાઈ કામદારોની કાયમી ભરતી, લારી-ગલ્લા ધારકોને વ્યાપારિક દરજ્જો, ધાર્મિક સ્થળો માટે વિશેષ ફંડ અને પૂર્વ ઝોન માટે અલગ ટાસ્ક ફોર્સની રચના કરીશું. ભ્રષ્ટાચાર કરનારા નેતાઓ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ કટિબદ્ધ છે.
કોંગ્રેસનો આ મેનિફેસ્ટો એ માત્ર વચન પત્ર નથી આ અમારું જનતા સાથેનું કમિટમેન્ટ છે. જેને અમે સત્તામાં આવતા જ પૂર્ણ કરવા માટે કટિબધ્ધ છીએ.
આ પત્રકાર પરિષદમાં ડો. રાજદીપસિંહ જાડેજા, પ્રમુખ, રાજકોટ શહેર કોંગ્રેસ વશરામભાઈ સાગઠીયા, ડો. હેમાંગ વસાવડા, મહેશભાઈ રાજપુત, ગાયત્રીબા વાઘેલા, ડી પી મકવાણા, સુરેશભાઈ બથવાર, આદિત્યસિંહ ગોહિલ તથા અતુલભાઇ રાજાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
(3:38 PM IST)










