તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
હિટાચી મશીન ખરીદી ૩૪.૫૧ લાખનો ધુમ્બો
મશીન વેંચવા ફેસબૂકમાં મૂકેલી જાહેરાત વાંચી ચિલોડાના શખ્સે સંપર્ક કર્યો : ધ્રુવ પટેલ અને તેના મિત્રએ માત્ર પાંચ લાખ આપી મશીન લઈ લીધું, બાકીની રકમ ન ચુકવી મહારાષ્ટ્રના શખ્સને વેચી દીધુઃ આજીડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ, તા.,૬: વાહન લે-વેચના ધંધા સાથે સંકળાયેલા ગોંડલના મોટા દડવા ગામના આધેડ સાથે છેતરપિંડીની એક ઘટના સામે આવી છે. ફેસબુક પર જાહેરાત જોઈને મશીન ખરીદવાના બહાને સંપર્ક કરી ગઠિયાઓએ લાખો રૂપિયાની કિંમતનું હ્યુંડાઈ હાઈડ્રોલિક એક્સવેટર મશીન પડાવી લીધું હોવાની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
બનાવની જાણવા મળેલી વિગત મુજબ જયેશભાઈ હમીરભાઈ જાદવ (રહે. મોટા દડવા, તા. ગોંડલ)એ આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તેમના ભાગીદારો મહિપતભાઈ ગોગરા અને નિશાંતસિંહ ચૌહાણ સાથે મળી વાહન લે-વેચનો વ્યવસાય કરે છે. ગત નવેમ્બર ૨૦૨૫માં તેઓએ રાજસ્થાનના કળષ્ણ કુમાર પાસેથી રૂ. ૩૪,૦૦,૦૦૦માં એક હ્યુંડાઈ એક્સવેટર મશીન (મોડલ-૨૦૨૧) ખરીદ્યું હતું. આ મશીન વેચવા માટે મહિપતભાઈએ ફેસબુક પર જાહેરાત મૂકી હતી.
આ જાહેરાત જોઈને ધ્રુવકુમાર રમેશભાઈ પટેલ (રહે. મોટા ચિલોડા, અમદાવાદ) અને તેના એક ગઢવી મિત્રએ મશીન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રાજકોટના લાપસરી ગામે મશીન જોયા બાદ, રૂ. ૩૪,૫૧,૦૦૦માં સોદો નક્કી થયો હતો. શરત મુજબ, બાના પેટે (સુથી) રૂ. ૭,૫૧,૦૦૦ આપવાના હતા. અને બાકીના ર૭ લાખ તા. ૧૦-ર-ર૦ર૬ સુધીમાં ચુકવવાના હતા.
આરોપીઓએ નોટરી કરાર કરાવ્યા હતા, પરંતુ રોકડ રકમ ન હોવાનું બહાનું કાઢી ટુકડે-ટુકડે ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. સુથી પેટે નક્કી થયેલા ૭.૫૧ લાખ સામે માત્ર ૫ લાખ રૂપિયા જ જમા કરાવ્યા હતા. વિશ્વાસમાં આવીને ફરિયાદીએ તા. ૦૧/૦૧/૨૦૨૬ ના રોજ મશીન આરોપીઓને સોંપી દીધું હતું.
ચુકવણું કરવાની છેલ્લી તારીખ વીતી ગયા બાદ પણ જ્યારે આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કર્યું, ત્યારે ફરિયાદીએ તપાસ શરૂ કરી હતી. તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે આરોપી ધ્રુવ પટેલ અને તેના મિત્રએ આ મશીન મહારાષ્ટ્રના કોઈ ગણેશ નામના વ્યક્તિને વેચી દીધું છે.
જયેશભાઈ જાદવની ફરિયાદના આધારે આજીડેમ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી.કે. ગામેતીએ ધ્રુવકુમાર રમેશભાઈ પટેલ અને તેના ગઢવી મિત્ર વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આરોપીઓના મોબાઈલ લોકેશન અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(3:42 PM IST)










