તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
રાજકોટમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણીઃ મૂળ સ્થાપકોની અવગણના અને આયાતી નેતાઓના વધતા પ્રભુત્વથી જૂના જોગીઓમાં કચવાટ
પંચ નિષ્ઠા અને સેવાના મૂળ મંત્રથી પક્ષ દૂર જઈ રહ્યો હોવાની ચર્ચાઃ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના પ્રશ્નો સ્થાનિક સ્તરે વધુ ઘેરા બન્યા હોવાનો ગણગણાટ

રાજકોટઃ આજે ૬ એપ્રિલ, ૧૯૮૦ના રોજ સ્થપાયેલા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે રાજકોટમાં પક્ષની વર્તમાન કામગીરી અને દિશા અંગે ગંભીર મનોમંથન જોવા મળી રહ્યું છે. અટલજી અને અડવાણીજીના આદર્શો સાથે પક્ષને ઊભો કરનાર જૂના નેતાઓ અને તેમના પરિવારો ભુલાયા હોવાની તથા ભરતી મેળાઓ દ્વારા આવેલા 'આયાતી' નેતાઓનું વર્ચસ્વ વધ્યું હોવાની વ્યાપક ચર્ચા છે. તાજેતરની કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ અને આગામી સ્થાનિક ચૂંટણીઓ માટે ટિકિટ માંગનારા ૧૧૦૦થી વધુ દાવેદારોના રાફડાને પગલે, પક્ષના મૂળ સિદ્ધાંતો જળવાઈ રહ્યા છે કે કેમ તે અંગે સવાલો ઉભા થયા છે.
પક્ષના મૂળ સિદ્ધાંત એવા ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના મંત્રને બદલે સ્થાનિક સ્તરે આ જ પ્રશ્નો વકર્યા હોવાની અને ‘પંચ નિષ્ઠા' ભુલાઈ હોવાની કાર્યકરોમાં ચર્ચા.
ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના, ગેરકાયદેસર બાંધકામોમાં પ્રોટેક્શન મની અને અન્ય ગંભીર બાબતોમાં કેટલાક આગેવાનોના નામ ઉછળતા પક્ષની છબીને નુકસાન પહોંચ્યાનો અહેસાસ.
રાજકોટમાં પક્ષનો પાયો નાખનાર અનેક જૂના નેતાઓ સ્થાપના દિવસે જ વિસરાયા, સત્તાને સેવાનું માધ્યમ ગણવાને બદલે માત્ર સત્તા ભોગવવાની વૃત્તિ વધી હોવાનો સુર.
પદ અને સત્તાની લાલસાનો સંકેતઃ સ્થાનિક ચૂંટણી માટે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં ટિકિટ મેળવવા માટે ૧૧૦૦થી વધુ દાવેદારોની લાંબી કતાર.
વિગતવાર જોઈએ તો આજે ૬ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટી પોતાનો સ્થાપના દિવસ મનાવી રહી છે. ૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ મુંબઈના દરિયા કિનારે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા તપસ્વીઓએ હાથમાં પાણીની અંજાલિ લઈને પ્રતિજ્ઞા અને 'પંચ નિષ્ઠા'ના આધાર પર આ પાર્ટીની રચના કરી હતી. અનેક પૂર્વજોએ રાત-દિવસ જોયા વિના, સીંગ અને દાળિયા ખાઈને અવિરત સંઘર્ષ કરીને આ પક્ષ રૂપી વટવૃક્ષને સિચ્યું છે. અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખીલેગાના સંકલ્પ સાથે આગળ વધેલા પક્ષનું કમળ ૧૯૯૫માં રાજકોટ મહાનગરપાલિકામાં પણ બહુમત સાથે ખીલ્યું હતું.
રાજકોટમાં આ કમળને ખીલવવા માટે ચીમનભાઈ, કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા, જનકભાઇ કોટક, ગોધુમલજી આહુજા, રમણીકભાઇ વૈદ્ય, કાંતિભાઇ વૈદ્ય, ગોવિદભાઈ પટેલ, પુષ્પાબેન પંડ્યા, પ્રતાપભાઇ કોટક, બીપીનભાઇ ગાંધી, બીપીનભાઇ અઢિયા, નટુભાઇ ચાવડા, જીણાભાઇ ચાવડા અને લાલુભાઇ પારેખ જેવા અનેક આગેવાનોએ સત્તાને ટકાવી રાખવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. જેના પરિણામ સ્વરૂપે ભાજપ આજ સુધી મહાનગર પાલિકામાં શાસન કરતો રહ્યો છે.
જોકે, વર્તમાન સમયમાં પક્ષની અંદરનું ચિત્ર કંઈક અલગ જ હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. છેલ્લા બે વર્ષથી શરૂ કરવામાં આવેલા ભરતી મેળાઓને કારણે પક્ષમાં આવેલા આયાતી લોકો પંચ નિષ્ઠાને ભૂલ્યા હોવાની ફરિયાદો ઊઠી છે.
અગાઉ ભાજપનો મંત્ર હતો કે સત્તા એ સાધન નહીં પરંતુ, સેવાનું માધ્યમ છે, પરંતુ આજનો એક મોટો વર્ગ સત્તાને સેવાને બદલે મેવાનું માધ્યમ બનાવી રહ્યો હોવાની ટીકા થઈ રહી છે. માત્ર ચૂંટણી જીતવી, સત્તા ભોગવવી અને પાયાના સાચા કાર્યકરોની અવગણના કરવી, તે તપ વિનાના નેતૃત્વની નિશાની બની ગઈ છે, જેના કારણે સાચો કાર્યકર યાચના અને વેદના ભોગવી રહ્યો છે.
રાજકોટમાં તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓએ પક્ષની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ટીઆરપી ગેમ ઝોન જેવી ગંભીર દુર્ઘટનાઓ, પુલ ધરાશાયી થવા, વરસાદમાં ધોવાણ થવું, સિટી બસના ડ્રાઇવરોની અણઆવડતને કારણે નિર્દોષ લોકોના મૃત્યુ થવા જેવી ઘટનાઓ બની છે. આ ઉપરાંત, સૂચિત બાંધકામોમાં પ્રોટેક્શન મની ઉઘરાવવા તેમજ દારૂ અને ડ્રગ્સ જેવા દૂષણોમાં કેટલાક કાર્યકર્તાઓની કથિત સંડોવણીની ચર્ચાઓએ ભાજપની છબીને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
આવા માહોલમાં આજે ભાજપનો સ્થાપના દિવસ હોવા છતાં, મૂળ સ્થાપકો અને તેમના પરિવારજનોને હાલનું સંગઠન ભૂલી ગયું હોય તેવું પ્રતીત થાય છે. આયાતી નેતાઓની બોલબાલા વચ્ચે મૂળ કાર્યકર મૂંઝવણમાં મુકાયો છે. માત્ર ઘર પર ઝંડી લગાવી, ગળામાં પક્ષનો ખેસ પહેરી અને હાથમાં ઝંડો લઈને સેલ્ફી પડાવવાથી સ્થાપના દિવસની સાચી ઉજવણી ન થઈ શકે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીએ આપેલા મંત્ર અનુસાર, જ્યાં માનવી ત્યાં સુવિધા અને છેવાડાનો માનવી પગભર થાય તે દિશામાં કામ થાય તો જ તે સાચી ઉજવણી ગણાશે.
ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને કાબૂમાં લેવાના ઉદ્દેશથી ભટકી ગયેલો અમુક વર્ગ આજે પદ માટે હવાતિયાં મારી રહ્યો છે. ગઈકાલે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં ટિકિટ માટે ૧૧૦૦થી વધુ દાવેદારોનો રાફડો ફાટ્યો, તે જ સત્તાની વધતી જતી લાલસાનું સ્પષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
(4:27 PM IST)










