<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

‘અમૂલ'ની સ્‍વર્ણિમ સિધ્‍ધિઃ ટર્નઓવર હવે રૂપિયા એક લાખ કરોડને પાર

આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ કાયક્ષેત્રમાં ઝડપી વધારો

રાજકોટ, તા.૬: ભારતની શ્વેત ક્રાંતિના પ્રણેતા એવા અમૂલ એ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે કોઈપણ ભારતીય એફએમસીજી  બ્રાન્‍ડ માટે સ્‍વપ્‍ન સમાન છે. અમૂલ બ્રાન્‍ડનું કુલ ટર્નઓવર ૧૧% ના વધારા સાથે રૂ.૧ લાખ કરોડને વટાવી ગયું છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્‍ક માર્કેટિંગ ફેડરેશન ના આંકડા મુજબ, ગયા વર્ષના રૂ.૯૦,૦૦૦ કરોડની સરખામણીએ આ વર્ષે આવકમાં જબરદસ્‍ત ઉછાળો જોવા મળ્‍યો છે. ડેરી ઉત્‍પાદનોની વધતી માંગ અને અમૂલના મજબૂત વિતરણ નેટવર્કને કારણે આજે અમૂલ માત્ર ભારત જ નહીં, પરંતુ વૈશ્વિક સ્‍તરે પણ પોતાનો સિક્કો જમાવી રહ્યું છે.

આ ભવ્‍ય સફળતા પાછળનું અસલી બળ દેશના ૩.૬ મિલિયન (૩૬ લાખ) ડેરી ખેડૂતો છે, જેઓ દરરોજ અંદાજે ૩૧ મિલિયન લિટર દૂધ એકત્રિત કરીને આ સહકારી મોડેલને જીવંત રાખે છે. GCMMF ના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ આ સિદ્ધિને ખેડૂતોના પરસેવા અને ગ્રાહકોના અતૂટ વિશ્વાસનો વિજય ગણાવ્‍યો છે. કંપની પાસે હાલમાં ૧,૨૦૦ થી વધુ ઉત્‍પાદનોનો વિશાળ પોર્ટફોલિયો છે, જેમાં દૂધ, માખણ, ચીઝ અને ઘી થી લઈને આધુનિક આઈસ્‍ક્રીમ અને પ્રોટીન શેક જેવા નવા લોન્‍ચ થયેલા ઉત્‍પાદનોનો સમાવેશ થાય છે. અમૂલનું આ મોડેલ આજે વિશ્વ માટે આર્થિક ભાગીદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.

ભવિષ્‍યના આયોજન અંગે મેનેજિંગ ડિરેક્‍ટર જયેન મહેતાએ જણાવ્‍યું હતું કે, અમૂલ હવે ઝડપથી આંતરરાષ્‍ટ્રીય બજારોમાં પોતાનો વ્‍યાપ વધારી રહ્યું છે. અત્‍યાધુનિક ટેકનોલોજી અને ગ્‍લોબલ ટ્રેડના માધ્‍યમથી દૂધના વેચાણનો સીધો લાભ છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. વિશ્વનું સૌથી મોટું ખેડૂત-માલિકીનું ડેરી સંગઠન હોવાને નાતે, અમૂલે સાબિત કરી દીધું છે કે જો સહકારી ભાવના મજબૂત હોય, તો ટોચ પર પહોંચી શકાય છે. અમૂલની આ સફર ભારતીય ડેરી ઉદ્યોગ માટે સુવર્ણ અક્ષરે લખાશે.

(4:39 PM IST)