<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

શ્રીમદ્‌ રાજચંદ્રજીનો આજે ૧૨૫મો સમાધિદિનઃ અસીમ આધ્‍યાત્‍મિક ઊર્જાનો ઉલ્‍લાસ

શાસ્‍ત્રી મેદાન ખાતે યોજાએલ ‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ'નો આજે છેલ્લો દિવસઃ પ્રચન, આરતી, શ્રધ્‍ધાંજલિ

રાજકોટઃ અધ્‍યાત્‍મ જગતમાં ચૈત્ર વદ પાંચમનો પવિત્ર દિવસ આ કાળમાં થયેલ વિરલ આત્‍મજ્ઞાની સંત પરમકૃપાળુદેવ શ્રીમદ્‌ રાજચંદ્રજીના સમાધિદિન તરીકે અનન્‍ય આધ્‍યાત્‍મિક મહત્ત્વ ધરાવે છે. આ દિવસે તેમના આત્‍મસાધના, વૈરાગ્‍ય અને આત્‍મજાગૃતિ સભર અદ્વિતીય જીવનને ભાવભીની શ્રદ્ધાંજાલિ અપાય છે. તેમણે વિક્રમ સંવત ૧૯૫૭ના ચૈત્ર વદ પાંચમના દિવસે રાજકોટની ભૂમિ પર સમાધિસ્‍થપણે મહાપ્રયાણ કર્યું હતું. આજે આ પવિત્ર સમાધિદિનને ૧૨૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, જેને સ્‍મરણાંજાલિ આપતાં શ્રીમદ્‌ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્‍ટ, રાજકોટ અને શ્રીમદ્‌ રાજચંદ્રજીને અનુસરતા સર્વ આશ્રમો અને સંસ્‍થાઓ મળીને શાસ્‍ત્રી મેદાન ખાતે તા. ૪ થી ૭ એમ ચાર દિવસીય મહોત્‍સવ - ‘‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ'' નો આજે અંતિમ દિવસ છે.

શ્રીમદ્‌ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્‍થાપક પૂ.ગુરુદેવશ્રી રાકેશજી, શ્રી રાજસોભાગ સત્‍સંગ મંડળ, સાયલાના આધ્‍યાત્‍મિક વડા પૂ.શ્રી નલીનભાઈ, શ્રીમદ્‌ રાજચંદ્ર મિશન દિલ્‍હીના આધ્‍યાત્‍મિક વડા પૂ.બેન શ્રી રત્‍નાપ્રભુ, શ્રીમદ્‌ રાજચંદ્ર આધ્‍યાત્‍મિક સાધના કેન્‍દ્ર, કોબા આશ્રમના આધ્‍યાત્‍મિક વડા શ્રી સુરેશજી ઉપસ્‍થિત રહ્યા હતા.

શ્રીમદ્‌ રાજચંદ્રજીનું યોગદાન માત્ર જૈન દર્શન સુધી મર્યાદિત નથી, પરંતુ સર્વધર્મ સમભાવ અને સર્વજીવ હિતના સંદેશથી સમૃદ્ધ છે. શ્રીમદ રાજચંદ્રજીએ આધ્‍યાત્‍મિકતા ને વ્‍યવહારિક જીવન સાથે જોડીને આત્‍મકલ્‍યાણનો સરળ માર્ગ દર્શાવ્‍યો છે, જે આજના યુગમાં પણ એટલો જ પ્રાસંગિક છે. તેમના અક્ષરદેહની કીર્તિસૌરભ આજે વિશ્વમાં સર્વત્ર પ્રસરતી જાય છે. આજે અનેકાનેક લોકો તેમના વચનામૃતોનું પાન  કરીને પોતાનું શ્રેય સાધવા ઉત્‍સુક બન્‍યા છે. તેઓ સ્‍વયં તો ઉચ્‍ચ ગતિ પામ્‍યા જ, પરંતુ અનેકાનેક ભવિકજનોની સાધનાને ઊર્ધ્‍વ દિશા ચીંધતાં ગયા. તેમનું જીવન એ માત્ર ઇતિહાસ નથી, પરંતુ તે આજે પણ આત્‍મકલ્‍યાણના માર્ગે આગળ વધવા માટેની જીવંત પ્રેરણા હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

શ્રીમદ્‌ રાજચંદ્રજી યુગપુરુષ કહેવાયા છે, તેમની શ્રી આત્‍મસિદ્ધિ શાષનો ૧૪૦ થી વધુ ભાષામાં અનુવાદ થયો છે. અને ‘શ્રીમદ્‌ રાજચંદ્ર વચનામૃત' પરના પૂજ્‍ય ગુરુરદેવશ્રી રાકેશજીના સત્‍સંગ ૧૦ ભાષાઓમાં - હિન્‍દી, સ્‍પેનિશ, ફ્રેન્‍ચ, રશિયન, મેન્‍ડરિન અને અંગ્રજીમાં પ્રસારિત થાય છે.

એક પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીએ યુવાઓને શ્રીમદ્‌ રાજચંદ્રજી પર પીએચડી કરવા કહ્યં હતું. તેમણે કહ્યું હતું કે, ‘‘શ્રીમદ્‌ રાજચંદ્રજી એક સંત પુરુષ, જ્ઞાતા પુરુષ અને આર્ષ દ્રષ્ટા હતા. જેમનું વિરાટ યોગદાન આ દેશના ઇતિહાસમાં નોંધપાત્ર છે. શ્રીમદ્‌ રાજચંદ્રજીનું જીવન આધ્‍યાત્‍મિકતા અને સામાજિક જવાબદારીઓ બન્ને કેવી રીતે એકબીજાના પૂરક છે તેનું પ્રમાણ છે.''          

શ્રીમદ્‌ રાજચંદ્રજીનું પવિત્ર વ્‍યક્‍તિત્‍વ પણ સજીવન પારસમણિ જેવું હતું. એમના નિકટના સમાગમમાં જે કોઈ પણ આવ્‍યા હતા, તેઓ બધા જ એમની ઉચ્‍ચતર આત્‍મદશા અને આત્‍મસાધનાના રંગે રંગાયા વિના રહ્યા નથી. જે મહાત્‍મા ગાંધીજીએ ભારત અને વિશ્વને સત્‍ય અને અહિસાના સનાતન સિદ્ધાંતો આપ્‍યા, તે બેરિસ્‍ટર મોહનદાસમાં આ સિદ્ધાંતો પ્રસ્‍થાપિત કરનાર, તેમના ચારિત્ર્યનું ઘડતર કરનાર હતા, શ્રીમદ્‌ રાજચંદ્રજી! મહાત્‍મા ગાંધીજીએ  શ્રીમદ્‌ રાજચંદ્રજીને પોતાના આધ્‍યાત્‍મિક માર્ગદર્શકનું સન્‍માન આપ્‍યું છે.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે પોતાના વ્‍યક્‍તવ્‍યમાં કહ્યું હતું કે,  ‘‘આ પર્વ માત્ર સ્‍મરણનો નહિ પણ આત્‍મમંથન સાધના અને આધ્‍યાત્‍મિક ઉન્નતિ માટેનો અવસર છે. ‘‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ''  એ પરમકૃપાળુદેવની પરમ અદ્વુત આત્‍મદશાનું સ્‍મરણ કરી, આત્‍મકલ્‍યાણના માર્ગે અગ્રેસર થવાની લ્લષ્ટિએ  ખરેખર અપૂર્વ અવસર છે.''

આજે સમાધીદિન સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ પૂજ્‍ય ગુરૂદેવશ્રી રાકેશજી બાદ નલિનભાઈનું પ્રવચન બપોરે ૨ થી ૩ ભક્‍તિ અને મહાઆરતી શ્રદ્ધાંજલિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

(10:53 AM IST)