<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

જૂની કલેકટર કચેરીમાં બેસતી સ્‍ટેમ્‍પ ડયુટી કચેરીના કર્મચારીનો ખૂલ્લેઆમ ઉઘરાણીનો વિડીયોઃ ખળભળાટ

આબરૂના ધજાગરાઃ આઉટસોર્સનો કર્મચારીઃ ‘ફીરોઝ' નામના કર્મચારીનો પણ ઉલ્લેખ

રાજકોટ, તા.૭: રાજકોટમાં સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલતો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. જૂની કલેક્‍ટર કચેરીના નાયબ કલેકટર કચેરી (ગ્રામ્‍ય વિભાગ-૨) માં આવેલ સ્‍ટેમ્‍પ ડ્‍યુટી મૂલ્‍યાંકન વિભાગમાં એક કર્મચારી ખુલ્લેઆમ કામના બદલામાં રૂપિયા માંગતો હોવાનું કેમેરામાં કેદ થયું છે. એક જાગળત નાગરિકે આ સમગ્ર ઘટનાનો ગુપ્ત રીતે વિડિયો ઉતારીને વાયરલ કરતા વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના સ્‍ટેમ્‍પ ડ્‍યુટી મૂલ્‍યાંકન વિભાગમાં ભ્રષ્ટાચાર માઝા મૂકી રહ્યો છે. જો કોઈ અરજદારને અહીં કોઈ પણ પ્રકારનું કામ હોય તો તેણે પહેલાથી જ રૂ.૫,૦૦૦ લાંચ માટે તૈયાર રાખવા પડે છે. અહીં ગમે તેવું કામ હોય, ઘૂસનો ભાવ એકજ છે - પાંચ હજાર રૂપિયા! આ વિભાગના ભ્રષ્ટ બાબુઓની નીતિ એવી છે કે જ્‍યારે કોઈ અરજદાર અરજી કરે, ત્‍યારે તેને એકથી બે મહિના સુધી માત્ર તારીખો જ આપવામાં આવે છે. વારંવાર ધક્કા ખાઈને જ્‍યારે અરજદાર કંટાળી જાય, ત્‍યારે આ લોકો અરજદારને એવું કહે છે કે અમારું કંઈક સમજો.  ત્‍યારબાદ કંટાળીને અને મજબૂર બનીને અરજદાર આ લોકોને લાંચ આપવા તૈયાર થાય છે.

વાયરલ થયેલા વિડિયોમાં સ્‍પષ્ટપણે જોઈ શકાય છે કે સ્‍ટેમ્‍પ ડ્‍યુટી મૂલ્‍યાંકન વિભાગનો એક આઉટસોર્સ કર્મચારી અરજદાર પાસે રૂ.૫,૦૦૦ ની માંગણી કરી રહ્યો છે અને રૂ.૨,૦૦૦ રોકડા લેતો પણ નજરે પડે છે. આ દ્રશ્‍યો જોઈને લોકોમાં એવી ચર્ચા જાગી છે કે જો આ કર્મચારીઓ એક કામના રૂ.૫,૦૦૦ લેતા હોય, તો તેમની રોજીંદી આવક કેટલી હશે? જો આ ભ્રષ્ટ તત્‍વોની માસિક ગેરકાયદેસર કમાણીનો અંદાજ લગાવવામાં આવે તો તે જિલ્લા કલેક્‍ટરના કાયદેસરના પગાર કરતા પણ અનેકગણી વધારે થવા જાય છે!

આ સમગ્ર કૌભાંડ માત્ર એક આઉટસોર્સ કર્મચારી પૂરતું સીમિત હોય તેવું લાગતું નથી. વિડિયોમાં આ કર્મચારી તેની સાથે કચેરીની અંદર નોકરી કરતા અન્‍ય સહ-કર્મચારીનો નામજોગ ઉલ્લેખ કરતો પણ સંભળાય છે. વધુમાં, તે બીજા એક કર્મચારી સાથે ભાગીદારીમાં આ ગોરખધંધો ચાલતો હોવાનો ઈશારો કરે છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વાતચીત દરમિયાન આ કર્મચારી તેના કોઈ સાહેબનો ઉલ્લેખ કરે છે, જેનું નામ ફિરોઝ હોવાનું જણાઈ રહ્યું છે. તો આ ફિરોઝ છે કોણ? અને આ કૌભાંડના તાર કયાં સુધી જોડાયેલા છે?

(2:44 PM IST)