તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th April 2026
કાલાવડ રોડ ઉપર રંગોલી પાર્ક સોસાયટીમાં પાર્કીંગમાંથી ૧.૭૫ લાખની મતા સાથેનુ પાર્સ છૂ
ઘરનો સામાન બદલતી વેળાએ ‘ગઠીયા' કળા કરી ગયા : મીલપરા મેઇન રોડ ઉપર યુવતીના ૭ હજારના મોબાઇલ ફોનની ચીલઝડપ

રાજકોટ તા.૭: શહેરના કાલાવડ રોડ પર આવેલી રંગોલી પાર્ક સોસાયટીમાં સામાન શિફ્ટ કરી રહેલા એક પરિવારની નજર ચૂકવી ગઠીયા ૧.૭૫ લાખના સોનાના દાગીના અને રોકડ ભરેલા બે પર્સની ચોરી કરી ગયા હતા.
મૂળ જામ કંડોરણાના દડવી ગામના વતની અને હાલ રાજકોટમાં મેનકાઈન્ડ ફાર્મા કંપનીમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે ફરજ બજાવતા હીરેનભાઈ ગોવિંદભાઈ ચાવડાએ તાલુકા પોલીસમાં કરેલ ફરીયાદ મુજબ તેઓ સીતાજી ટાઉનશીપ ખાતેથી પોતાનું મકાન ખાલી કરી કાલાવડ રોડ પર કટારીયા ચોકડી પાસે આવેલ રંગોલી પાર્કના ક્વાર્ટર્સમાં રહેવા જવા માટે સામાન ફેરવી રહ્યા હતા. બોલેરો ગાડી મારફતે ઘરવખરીનો તમામ સામાન લાવીને રંગોલી પાર્કના ર્પાકિંગમાં ઉતારવામાં આવ્યો હતો. આ સમયે હીરેનભાઈ અને તેમના પત્ની રેશ્માબેન સામાનને લિફ્ટ મારફતે તેરમા માળે આવેલા પોતાના ફ્લેટમાં લઈ જવાની કામગીરીમાં વ્યસ્ત હતા.
સામાન ઉપર પહોંચાડ્યા બાદ જ્યારે દંપતી ઘરની વ્યવસ્થા કરી રહ્યું હતું, ત્યારે રેશ્માબેનને ખ્યાલ આવ્યો કે તેમના બે પર્સ કયાંય દેખાતા નથી. આ પર્સમાં સોનાના કિંમતી ઘરેણાં રાખેલા હોવાથી દંપતીએ તાત્કાલિક તમામ સામાન ફરીથી ચેક કર્યો હતો, પરંતુ લાલ અને બ્લ્યુ રંગના બંને પર્સ મળી ન આવતા ચોરી થયાનું સ્પષ્ટ થયું હતું.
ચોરાયેલા પર્સમાં આશરે ૬ ગ્રામ વજનની ત્રણ લેડીઝ વીંટી કિંમત રૂ. ૭૦,૦૦૦, ૨ ગ્રામ વજનની એક જેન્ટ્સ વીંટી કિંમત રૂ. ૨૦,૦૦૦ અને આશરે ૮ ગ્રામ વજનનો સોનાનો ચેઈન જેની પર ‘રેશું' લખેલું પેન્ડન્ટ હતું કિંમત રૂ. ૮૦,૦૦૦ તેમજ રોકડા ૫,૦૦૦ રૂપિયા રાખેલા હતા. આમ કુલ ૧,૭૫,૦૦૦ની મતા ચોરાઈ છે. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. બી. આર. ભરવાડ દ્વારા ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી ચોરી કરનાર શખ્સની ઓળખ થઈ શકે.
અન્ય એક બનાવમાં કોઠારીયા રોડ સુમંગલપાર્ક શેરીનં.૪માં રહેતી રચના રામજીભાઇ ઢોલરીયા (ઉ.વ.૨૧) ચાલકને નોકરીએ જતી હતી ત્યારે મીલપરા મેઇન રોડ ઉપર જયુપીટરમાં આવેલ અજાણ્યા શખ્સે પાછળથી આવી ઝોક મારી રૂા. ૭ હજારની કિંમતનો મોબાઇલ ઝુંટવી નાસી ગયાની આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.
(2:47 PM IST)










