<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

આયાતી નેતાઓને મળતી તક સામે વર્ષો સુધી પાથરણા પાથરનાર કાર્યકર્તાઓએ ન્‍યાયપૂર્ણ પ્રતિનિધિત્‍વની અપેક્ષા વ્‍યક્‍ત કરી

ચૂંટણીઓ પૂર્વે ‘પાંચ સી'ની ચર્ચા વચ્‍ચે જૂના કાર્યકર્તાઓમાં મન દુઃખની લાગણી

રાજકોટઃ રાજ્‍યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્‍લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ નજીક આવતાં ભાજપના જૂના અને વફાદાર કાર્યકર્તાઓમાં આંતરિક મનોવ્‍યથા તેજ બની હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ બાદના સંગઠન માળખા અને હાલના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજી દ્વારા ઝોનવાઈઝ બેઠકોમાં રજૂ થયેલા ‘પાંચ સી'ના સૂત્રને લઈને કેટલાક કાર્યકર્તાઓમાં એવો ભાવ વ્‍યક્‍ત થઈ રહ્યો છે કે વર્ષો સુધી પાથરણા પાથરનાર, ખુરશીઓ ગોઠવનાર અને સંઘર્ષકાળમાં પક્ષ માટે મહેનત કરનાર લોકોને યોગ્‍ય સ્‍થાન મળવામાં પાછળ ઠેલાયા હોવાની લાગણી ઊભી થઈ છે, જ્‍યારે કોંગ્રેસમાંથી અને અન્‍ય પક્ષમાંથી આવેલા આગેવાનો અને આયાતી તત્‍વોને વધુ તક મળતી હોવાની ચર્ચા સંગઠનના તળિયે જોર પકડી રહી છે.

રાજ્‍યમાં આવનારી સ્‍થાનિક સ્‍વરાજ્‍ય સંસ્‍થાઓની ચૂંટણીઓ પૂર્વે સંગઠન સ્‍તરે કાર્યકર્તાઓની ભાવનાઓ ફરી કેન્‍દ્રસ્‍થાને આવી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્‍લા પંચાયત અને તાલુકા પંચાયતની તૈયારીઓ શરૂ થતાં કેટલાક જૂના કાર્યકર્તાઓમાં એવી લાગણી વ્‍યક્‍ત થઈ રહી છે કે ચૂંટણી નજીક આવે ત્‍યારે વર્ષો સુધી પાથરણા પાથરનાર, મંડપ ગોઠવનાર, ખુરશીઓ ગોઠવનાર અને મેદાનમાં પક્ષ માટે દોડધામ કરનાર કાર્યકરોની યાદ તો આવે છે, પરંતુ હોદ્દા અને ટિકિટના વહેંચણ સમયે તેમની સરખામણીએ નવા જોડાયેલા અને ખાસ કરીને કોંગ્રેસમાંથી આવેલા આગેવાનોને વધુ પ્રાધાન્‍ય મળે છે.

રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ઉઠી રહી છે કે રાજ્‍ય સરકારમાં કોંગ્રેસ પૃષ્ઠભૂમિ ધરાવતા કેટલાક નેતાઓ આજે  મહત્‍વના મંત્રી પદ સુધી પહોંચી ગયા છે. સાથે જ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્‍લા પંચાયત અને મહાનગરપાલિકામાં છેલ્‍લા પાંચ વર્ષ દરમિયાન મેયર, પ્રમુખ અને અન્‍ય પદાધિકારીઓની યાદી કાઢવામાં આવે તો કાર્યકર્તા આધારિત પરંપરા કરતાં આયાતી તત્‍વોને વધતી તકનું ચિત્ર વધુ સ્‍પષ્ટ થઈ શકે. આ સંદર્ભમાં કેટલાક કાર્યકર્તાઓ માને છે કે ‘પાંચ સી'નો વિચાર મૂળ વફાદાર કાર્યકર્તાઓને પ્રોત્‍સાહિત કરતો હોવો જોઈએ, માત્ર નવા આવેલા આગેવાનોને અનુકૂળતા આપે એવો સંદેશ ન જવો જોઈએ.

કાર્યકર્તા વર્ગમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ‘કોમ્‍પિટેશન'નો છે. જૂના કાર્યકર્તાઓનું માનવું છે કે પક્ષમાં વિચારધારા, સંઘર્ષ અને સંગઠનપ્રતિ નિષ્ઠા સાથે જોડાયેલ વ્‍યક્‍તિ માટે કોંગ્રેસમાંથી તાજેતરમાં આવેલા આગેવાનો સામે તુલના કરવી સહેલી નથી. તેઓ માને છે કે જો આવનારા સમયમાં પણ સ્‍પર્ધા મુખ્‍યત્‍વે આયાતી આગેવાનો સાથે જ રાખવામાં આવશે તો સ્‍થાનિક સંગઠનાત્‍મક માળખામાં જૂના કાર્યકર્તાઓની પકડ નબળી પડી શકે છે. ‘કમ્‍પેરિઝન'નો પ્રશ્ન અહીં વધુ ગાઢ બને છે કારણ કે દાયકાઓથી પક્ષમાં કાર્યરત લોકો અને તાજેતરમાં જોડાયેલા સત્તાસમીપ તત્‍વો વચ્‍ચેની પરિસ્‍થિતિ, સંઘર્ષ અને યોગદાનનું પ્રમાણ સમાન ગણાવી શકાય તેમ નથી. કેટલાક કાર્યકર્તાઓ એવો સવાલ પણ ઊભો કરી રહ્યા છે કે વર્ષો સુધી પક્ષ માટે જાત ઘસી નાખનારાઓની વ્‍યથા સાંભળવા પૂરતો સમય સંગઠન પાસે નથી દેખાતો. તેઓ માને છે કે પક્ષની એક સ્‍થાપિત પ્રણાલી હતી, જેમાં કાર્યકર્તાને પોતાની મહેનત, નિષ્ઠા અને સંગઠનપ્રેમના આધારે ટિકિટ મળતી. હવે એવી લાગણી ઊભી થઈ છે કે આયાતી આગેવાનોની નજીકના વર્તુળમાં રહેલા લોકોને જ ટિકિટ અને હોદ્દા તરફ વધુ તક મળે છે. પરિણામે અનેક જૂના કાર્યકર્તાઓ મનમાં બળાપો કાઢતા જોવા મળે છે. ‘પાંચમો સી' તરીકે ઉલ્‍લેખાતા સંદેશને લઈને પણ કાર્યકર્તાઓમાં આંતરિક ચર્ચા છે. કેટલાકના મતે કાર્યકર્તાઓને નકારાત્‍મક ભાવના છોડવાની સલાહ સકારાત્‍મક છે, પરંતુ તેઓ એમ પણ ઉમેરે છે કે હાલના માહોલમાં જૂના કાર્યકર્તાઓમાં માત્ર દુઃખ નહીં, પરંતુ સંકલ્‍પ અને અંતરાત્‍માની ચેતના પણ જગેલી છે. તેઓ ખુલે છે કે આ ચૂંટણીમાં કોઈને અપશબ્‍દ કે આક્ષેપ નહીં, પરંતુ પક્ષની અંદર વફાદાર કાર્યકર્તાને હક્કનું સ્‍થાન મળવું જોઈએ એવી આંતરિક માંગ વધુ જોરથી પ્રગટ થવાની શક્‍યતા છે.

 સંગઠનના કેટલાક વર્તુળોમાં એવો દાવો પણ ચર્ચાઈ રહ્યો છે કે રાજ્‍યસ્‍તરે વર્ષો દરમિયાન કોંગ્રેસ પૃષ્ઠભૂમિ ધરાવતા લગભગ પિસ્‍તાળીસથી વધુ ધારાસભ્‍યો અને આશરે સાઠ હજારથી વધુ કાર્યકર્તાઓને પક્ષમાં સ્‍થાન મળ્‍યું છે. આ આંકડાઓની સત્તાવાર પુષ્ટિ અલગ વિષય છે, છતાં જૂના કાર્યકર્તાઓમાં આ દલીલ ભાવનાત્‍મક રીતે અસરકારક બની રહી છે. તેઓ યાદ અપાવે છે કે કોંગ્રેસના શાસન વિરુદ્ધ આંદોલનો, માર્ગ સંઘર્ષ, અટકાયતો અને માર સહન કરનાર મૂળ કાર્યકર્તાઓ આજે અવગણના અનુભવે છે.

આ સમગ્ર ચર્ચા વચ્‍ચે કેટલાક કાર્યકર્તાઓના નામ ખાસ કરીને ઉલ્‍લેખાઈ રહ્યા છે, જેમણે વર્ષો સુધી સંગઠન માટે મેદાનમાં કાર્ય કર્યું હોવાનું કહેવાય છે. તેમાં બીપીનભાઈ ગાંધી, લાખાભાઈ બગડા, વિલાસબા સોઢા, જીણાભાઈ ચાવડા, વિનુભાઈ ઠુંમર, નટુભાઈ ચાવડા, બીપીનભાઈ ભટ્ટ, વિનુભાઈ જીવરાજાની, રોહિતભાઈ નેભાણી, બાબુભાઈ જિનીવા, ગોવિદભાઈ ફૂલવાળા, ગિરીશભાઈ રાઠોડ, હસમુખસિહ ગોહિલ, જગદીશભાઈ પટેલ, રાજેશભાઈ ટાંક, દિલીપસિહ જાડેજા, રામદેવભાઈ આહિર, પ્રદીપભાઈ નિર્મળ, પ્રવિણભાઈ ઠુંમર અને પ્રવિણભાઈ રાઠોડ જેવા નામો લેવામાં આવે છે. સંગઠનના તળિયે એવી ભાવના વ્‍યક્‍ત થાય છે કે આ લોકો વર્ષો સુધી ખુરશીઓ પાથરતા રહ્યા, પરંતુ હવે ખુરશી માંગવાનો તેમનો સમય આવ્‍યો ત્‍યારે નિયમો વધુ કડક બની રહ્યા છે.

વયમર્યાદાનો મુદ્દો પણ ચર્ચાનો કેન્‍દ્ર બન્‍યો છે. કેટલાક કાર્યકર્તાઓ માને છે કે સાઠ વર્ષની વયમર્યાદા અથવા નવા સંગઠનાત્‍મક માપદંડોનો અમલ જૂના કાર્યકર્તાઓ માટે વધુ કડકાઈથી થાય છે, જ્‍યારે આયાતી આગેવાનો માટે તેની છૂટછાટ જોવા મળે છે. તેમની દલીલ છે કે જો સાઠ વર્ષથી વધુ વય ધરાવનાર કેટલાક નવા જોડાયેલા નેતાઓને ધારાસભ્‍ય કે મંત્રીપદ સુધી તક મળે છે, તો પછી વર્ષો જૂની સેવા ધરાવતા મૂળ કાર્યકર્તાઓ માટે પણ સમાન દ્રષ્ટિકોણ અપનાવવામાં આવવો જોઈએ.

ચૂંટણીઓ નજીક આવતાં હવે પક્ષની અંદરનો આ ચર્ચાવિષય વધુ તેજ બનવાની સંભાવના છે. જૂના કાર્યકર્તાઓની મુખ્‍ય અપેક્ષા એટલી જ છે કે પક્ષની પંચનિષ્ઠા, સંગઠનશીલતા અને વફાદારીને માત્ર સૂત્રોમાં નહીં, પરંતુ ઉમેદવારી અને હોદ્દાના વહેંચણમાં પણ પ્રાથમિકતા મળે. આવનારા દિવસોમાં સંગઠન આ ભાવનાઓને કેવી રીતે સંભાળે છે તે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીના રાજકીય સમીકરણોમાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

(2:48 PM IST)