તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th April 2026
માધવરાવ સિંધિયા ક્રિકેટના મેદાનમાં રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો આજથી ધમાકેદાર પ્રારંભઃ ૬૪ ટીમો વચ્ચે જંગ જામશે
ખાસ-ખબર દ્વારા આયોજનઃ દરેક મેચનું લાઈવ પ્રસારણ, એલઈડી સ્ક્રીનની સુવિધાઃ ૧૯ દિવસ સુધી ચાલશે જંગ

રાજકોટઃ શહેરમાં ક્રિકેટ પ્રેમીઓ માટે એક અનોખો અને રોમાંચક ઉત્સવ આજથી શરૂ થવા જઈ રહ્યો છે. ‘ખાસ-ખબર' દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન આજે ૭ એપ્રિલથી ૨૫ એપ્રિલ દરમિયાન ઈન્ટરનેશનલ માધવરાવ સિધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ રેસકોર્સ ખાતે કરવામાં આવ્યું છે. કુલ ૧૯ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટ ક્રિકેટ રસિકોને ઉત્સાહ અને મનોરંજનથી ભરપૂર બનાવશે. આ ટુર્નામેન્ટની વિશેષતા એ છે કે ક્રિકેટપ્રેમીઓ ઘરે બેઠા પણ ફેસબૂક અને યુટયુબ ચેનલ પર તમામ મેચોનું લાઈવ પ્રસારણ જોઈ શકશે. આ ઉપરાંત મેદાનમાં ઉપસ્થિત દર્શકો માટે મોટી એલઇડી સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દરેક ક્ષણનો આનંદ નજીકથી માણી શકાય.
ટુર્નામેન્ટમાં ક્રિકેટના ગુણવત્તાયુક્ત માપદંડ જળવાઈ રહે તે માટે બીસીસીઆઈ માન્યતા ધરાવતા સ્ટેટ લેવલના અમ્પાયરિગ પેનલ દ્વારા મેચોનું સંચાલન કરવામાં આવશે. રાજ્યભરમાંથી કુલ ૬૪ ટીમો આ મહામુકાબલામાં ભાગ લઈ રહી છે, જેમાં પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાના રમતકૌશલ્યનો પરિચય આપશે. વિજેતા ટીમને લાખોની ઇનામી રકમ સાથે સન્માનિત કરવામાં આવશે, જ્યારે રનર્સ અપ ટીમને પણ મોંઘેરા ઇનામો આપવામાં આવશે. દરેક મેચમાં ‘મેન ઓફ ધ મેચ', ‘બેસ્ટ બેટ્સમેન' અને ‘બેસ્ટ બોલર'ને પણ આકર્ષક ઇનામોથી નવાજવામાં આવશે.
આ સમગ્ર આયોજનમાં ‘ખાસ ખબર' ન્યૂઝ, સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ અને પંચનાથ મિત્ર મંડળની અનુભવી ટીમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે, જેના કારણે ટુર્નામેન્ટનું આયોજન સુવ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં શહેરના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, રાજકીય આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ સહિત ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે ખેલાડીઓ અને દર્શકોની સલામતીને ધ્યાનમાં રાખીને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ગોકુલ હોસ્પિટલ દ્વારા એક એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ સતત ખડેપગે હાજર રહેશે. આ રીતે ૭ થી ૨૫ એપ્રિલ દરમિયાન માધવરાવ સિધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટનો જબરદસ્ત માહોલ જામશે, જ્યાં રમત, રોમાંચ અને ઉત્સવનો અનોખો સંગમ જોવા મળશે.(૪૦.૪૨)
નેશનલ લેવલનાં ટેનિસ સ્ટાર્સ સાથે ગ્લેમરસ ટુર્નામેન્ટનો રંગ જમશે
મુંબઈ, દિલ્હી, કોલકાતા, અંબાલા, ચંદીગઢ, નાગપુર જેવાં અનેક શહેરોથી ટેનિસનાં નેશનલ લેવલનાં સ્ટાર્સ રમવા આવશે. આ પ્રકારની ટુર્નામેન્ટમાં ગ્લેમરનું તત્ત્વ ભરપૂર ઉમેરાઈ ગયું છે.
દરરોજ મેન ઓફ ધ મેચથી લઈ ચેમ્પિયન સુધી ઇનામો અપાશે
વિજેતાઓ માટે ઈનામોની વણઝાર દરરોજ મેન ઑફ ધી મેચ થનારને ઈનામો, મેન ઑફ સીરિઝ, રનર્સ અપ અને ચેમ્પિયન્સ માટે લાખેણાં ઈનામોની વ્યવસ્થા કરવામાં આવી છે.
(3:45 PM IST)










