<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

રાજકોટમાં કરોડોના રોકાણ કૌભાંડનો પર્દાફાશ : વડાલીયા ફૂડ્સના માલિક સાથેની છેતરપિંડી તો માત્ર શરૂઆત : 200 કરોડનું કૌભાંડ આચરનાર ઠગ ટોળકીની 15 મિલકતો ટાંચમાં લેવાશે

70 થી 80 રોકાણકારોને વાર્ષિક 12 ટકા વળતરની લાલચ આપી નાણાં ઓળવી જનાર અમિત ભાણવડીયા અને માકડિયા બંધુઓ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચની લાલ આંખ : ગૃહ વિભાગને સોંપાશે રિપોર્ટ

રાજકોટ:રાજકોટમાં માતબર વળતરની જાળ બિછાવીને માલેતુજાર લોકોને શિકાર બનાવતી એક મોટી ઠગ ટોળકીના કાળા કરતૂતો પરથી ક્રાઈમ બ્રાન્ચે પડદો ઉંચક્યો છે. શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને 'વડાલીયા ફૂડ્સ'ના માલિક દર્શન વડાલીયા સાથે થયેલી કરોડોની છેતરપિંડીની તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી વિગતો હાથ લાગી છે. આ કૌભાંડનો વ્યાપ માત્ર એક વ્યક્તિ પૂરતો સીમિત નથી, પરંતુ અંદાજે 200 કરોડ રૂપિયા સુધી પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. મુખ્ય સૂત્રધાર અમિત ભાણવડીયા અને માકડિયા બંધુઓએ આચરેલા આ આર્થિક મહાકૌભાંડમાં અત્યાર સુધીમાં 70 થી 80 રોકાણકારો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.

**સમગ્ર ઘટનાક્રમ અને છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી:**
આ કૌભાંડની વિગત એવી છે કે, અમિત ભાણવડીયા અને તેના સાથીદારોએ રોકાણકારોને આકર્ષવા માટે વાર્ષિક 12 ટકા જેટલું ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી. વડાલીયા ફૂડ્સના માલિક દર્શન વડાલીયાએ પણ આ પ્રલોભનમાં આવીને વર્ષ 2019 થી 2024 ના સમયગાળા દરમિયાન અંદાજે 7 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે આરોપીઓએ વ્યાજની રકમ ચૂકવી હતી, પરંતુ જ્યારે કરોડોની મુદ્દલ રકમ પરત કરવાનો સમય આવ્યો ત્યારે આરોપીઓ વાયદાઓ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. કુલ મળીને દર્શન વડાલીયા સાથે 11 કરોડથી વધુની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ બાદ પોલીસે તપાસ તેજ કરી હતી.

**ક્રાઈમ બ્રાન્ચનો 'કોડ ક્રાઈમ' એક્શન પ્લાન:**
તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકીએ અનેક લોકોની જીવનભરની મૂડી રોકાણના નામે હડપ કરી લીધી છે. આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે અત્યંત ગંભીરતા દાખવીને 'કોડ ક્રાઈમ' હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓની અંદાજે 15 જેટલી સ્થાવર-જંગમ મિલકતોની ઓળખ કરી તેને ટાંચમાં લેવા એટલે કે જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ અંગેનો વિસ્તૃત અહેવાલ ગૃહ વિભાગને મોકલવામાં આવશે, જેથી ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા વસાવેલી આ મિલકતો સીલ કરી રોકાણકારોના નાણાં વસૂલ કરી શકાય.

**CA અને સબ રજીસ્ટ્રારની મદદથી નાણાકીય સ્કેનિંગ:**
કરોડો રૂપિયા ક્યાં ડાયવર્ટ થયા છે અને બેંકિંગ વ્યવહારોમાં કઈ રીતે હેરાફેરી કરવામાં આવી છે તે શોધવા માટે પોલીસ હવે નિષ્ણાતોની મદદ લઈ રહી છે. તપાસમાં સનદી હિસાબનીશ (CA) અને સબ રજીસ્ટ્રારની ટીમોને જોડવામાં આવી છે. આરોપીઓના બેંક એકાઉન્ટ્સ, મિલકતના દસ્તાવેજો અને નાણાકીય લેવડ-દેવડના સ્ટેટમેન્ટ્સનું ઝીણવટભર્યું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. પોલીસને આશંકા છે કે તપાસનો વ્યાપ વધતા આગામી દિવસોમાં વધુ ભોગ બનનારાઓ સામે આવશે અને કૌભાંડનો આંકડો 200 કરોડથી પણ વધી શકે છે. હાલમાં પોલીસ ફરાર આરોપીઓને પકડવા અને વધુ પુરાવા એકત્રિત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

(10:39 AM IST)