તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ FIIની જોરદાર વેચવાલીઃ પ્રાઇમરી માર્કેટમાં ઘટતું જતું આઈ.પી.ઓનું પ્રમાણ
લિસ્ટિંગ પણ ખૂબ જ નબળા અને ડિસ્કાઉન્ટ થી થઈ રહ્યા છેઃ યુદ્ધની અસર પ્રતિકૂળ અને વ્યાપક જોવા મળી રહી છેઃ નાના રોકાણકારો પ્રાઇમરી મારકેટ થી વિમુખ થઈ રહ્યા છે

રાજકોટ, તા.૮: નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે. શરૂઆતના દિવસોમાં જ એફ.આઇ.આઇ ની આક્રમક વેચવાલી જોવા મળી રહી છે. માર્ચ મહિનામા સૌથી વધુ રકમના શેરો એફ.આઈ.આઈ વેચ્યા છે.પરંતુ આ ૨૦૨૬-૨૭ ના નાણાકીય વર્ષની શરૂઆતમાં તો ધુંઆધાર વેચવાલી એફ.આઇ.આઇ દ્વારા શરૂ કરવામાં આવી છે.પ્રથમ ત્રણ ટ્રેડિંગ સેશનમાં જ એવરેજ ૯૦૦૦ કરોડથી વધુના શેરોનું વેચાણ એફ.આઇ.આઇ દ્વારા કરવામાં આવ્યું છે.
રૂપિયાના અવમૂલ્ય ની પણ પ્રતિકૂળ અસર દરેક ક્ષેત્ર પર જોવા મળશે.એક વર્ષમાં આશરે ૯ થી ૧૦ % રૂપિયા તૂટયો છે.તે અર્થતંત્ર માટે પણ ખરાબ સાબિત થશે. આયાતકાર દેશમાં ડોલરનું મજબૂત થવું, સરવાળે નુકસાનકારક જ રહેશે.આવનારા દિવસોમાં ડોલર સામે રૂપિયાનુ મજબૂત થવું ખૂબ જ જરૂરી રહેશે. અન્યથા મોંઘવારી અને કંપનીના પરિણામો પર પણ ખરાબ અસર જોવા મળશે.
૧ લી એપ્રિલથી થયેલા ઓપ્શન અને ફયુચર ના ટ્રેડ માં એસ.ટી.ટીનો વધારો અમલી થયો છે. બીજી બાજુ સી.ટી.ટી એટલે કે કોમોડિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ માં કોઈ જ વધારો થયો નથી. તે આヘર્યજનક છે. પ્રાઇમરી માર્કેટની હાલત પણ ખરાબ છે. આઈપીઓ નું પ્રમાણ ઘટતું જાય છે. જે કોઈ આઈપીઓ આવી રહ્યા છે, તેના સબસ્ક્રિપ્શન પણ ઘટી રહ્યા છે.જે આઈપીઓ ના લિસ્ટિંગ થઈ રહ્યા છે,તે પણ ડિસ્કાઉન્ટ થી લિસ્ટ થઈ રહ્યા છે એટલે કે આઇપીઓ આવે છે ઓછા અને જે આઈપીઓ આવે છે તેનું ભરણું ઓછું થાય છે. જે આઈપીઓ ના લિસ્ટિંગ થાય છે,તેમાં પણ રોકાણકારોને નુકસાન વેઠવાનો વારો આવે છે.નફાની વાત તો હાલ ભૂલી જ જવાની તેવો માહોલ છે.
યુદ્ધની પ્રતિકૂળ અસર શેર બજાર પર બંને મોરચે જોવા મળે છે. તે પછી ભલે પ્રાઇમરી માર્કેટ હોય કે સેકન્ડરી માર્કેટ હોય. બંને બાજુ વળતર ઘટી ગયું છે અથવા તો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પ્રાયમરી માર્કેટની હાલત ખૂબ જ ખરાબ છે. કારણકે આઈપીઓ ઉંચા પ્રીમિયમ થી આવતા હતા અને રોકાણકારો પણ વિશ્વાસ રાખીને આઇપીઓમાં રોકાણ કરતા હતા પરંતુ એ વિશ્વાસ તુટતો જાય છે.
કારણ કે પ્રમોટર નું ઓપરેટિંગ નબળું પડ્યું છે અને હવે પહેલાં જેવું નહીં ચાલે તે ખબર પડી ગઈ છે.,કે હવે વ્યાજબી પ્રીમિયમ થી આઇપીઓ લાવીશું તો જ ચાલશે.પહેલા તો ખૂબ જ ઊંચા પ્રોફિટ, વેલ્યુએશન, પ્રીમિયમ થી આઇપીઓ લાવતા તો પણ તેજી હોવાથી ભરાઈ જતા, પ્રીમિયમ થી લીસ્ટીંગ થતા અને લોકોને પણ રૂપિયા મળતા.જોકે આ બધું કરવામાં પ્રમોટરો પોતાના લીડ મેનેજર , માર્કેટ મેકર અને પોતાના ઓડિટર્સ ને આંકડાઓની ભરમાળ ઉભી કરાવતા.
હવે આ બધું નહીં ચાલે અને રોકાણકારો પણ આવી બોગસ કંપનીઓમાં રોકાણ નહીં કરે. ટૂંકમાં રોકાણકારો ચેતી જશે અને દૂધનો દાઝીયો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે,તેમ સારા આઇપીઓમાં પણ રોકાણ કરતા પહેલા સો વાર વિચારશે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાઅનુસાર પ્રાયમરી માર્કેટ મા ઊંચા પ્રીમિયમ થી જે કોઈ આઈપીઓ આવ્યા છે,તે બધા જ પછડાયા છે.નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના છેલ્લા ક્વાર્ટર માં મેઈન બોર્ડના ૧૮ આઇપીઓ આવ્યા છે. તેમાંથી ૧૧ ડિસ્કાઉન્ટ થી લિસ્ટ થયા છે,તો એસ.એમ. ઇ માં પણ છેલ્લા ત્રણ મહિનામાં ૪૦ આઇપીઓ આવ્યા છે. તેમાંથી ૧૩ આઇપીઓ ડિસ્કાઉન્ટ થી લિસ્ટ થયા છે.ખાસ કરીને લેભાગુ પ્રમોટરો અને ઓડિટરો ની મિલીભગત થી જ આ શકય બને છે.
(2:18 PM IST)










