<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

વામ્‍બે આવાસમાંથી સગીરાને ૯.૬૩ લાખના ગાંજા સાથે એસઓજીએ પકડી

સતત બીજા દિવસે સપાટોઃ અમદાવાદથી સગીરા અને દંપતી ગાંજો લાવ્‍યા, વેંચે એ પહેલાં દરોડો : ૧૯ કિલોથી વધુ નશાયુક્‍ત પદાર્થ કબજેઃ જંગલેશ્વરના સોયબ તૈલી અને પત્‍ની જેબાની શોધખોળઃ પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ વી.કે. ઝાલાની ટીમનો દરોડોઃ જયદીપસિંહ ચૌહાણ, ઉપેન્‍દ્રસિંહ ઝાલાની બાતમી : અમદાવાદથી સગીરા અને દંપતી ગાંજો લાવ્‍યું હતું, વેચે એ પહેલા દરોડો

રાજકોટ, તા,. ૯: શહેર એસઓજીએ સતત બીજા દિવસે સપાટો બોલાવી માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કરી વામ્‍બે આવાસ પાસેથી એક સગીરાને ૯.૬૩ લાખના ગાંજા સાથે પકડી છે. એક મહિલા અને એક શખ્‍સના નામ ખુલતા શોધખોળ થઈ રહી છે. શહેરને નશામુક્‍ત બનાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા શરૂ કરવામાં આવેલા ૅલ્‍ખ્‍ળ્‍ ફબ્‍ વ્‍બ્‍ ઝય્‍શ્‍ઞ્‍લ્‍ૅ મિશન અંતર્ગત રાજકોટ એસઓજીને મોટી સફળતા મળી છે. પોલીસે વામ્‍બે આવાસ યોજનાના ક્‍વાર્ટરમાં દરોડો પાડી લાખોની કિંમતના ગાંજાના જથ્‍થા સાથે એક બાળ કિશોરીને ઝડપી પાડી છે, જ્‍યારે આ ગુનામાં સંડોવાયેલા અન્‍ય બે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. શહેર એસઓજીના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર સંજયસિંહ એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે. ઝાલા તથા હેડ કોન્‍સ્‍ટેબલ જયદીપસિંહ ચૌહાણ અને ઉપેન્‍દ્રસિંહ ઝાલાને સંયુક્‍ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, કૈલાશ કેવલમ મેઈન રોડ પર આવેલી વામ્‍બે આવાસ યોજનાના ક્‍વાર્ટરમાં નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે તાકીદે દરોડો પાડતા ત્‍યાંથી માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસે સ્‍થળ પરથી કુલ ૧૯.૦૬૧ કિલોગ્રામ ગાંજો કબજે કર્યો છે, જેની અંદાજિત કિંમત રૂ. ૯,૫૩,૦૫૦ થાય છે. આ ઉપરાંત પોલીસે એક મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૯,૬૩,૦૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલી એક બાળ કિશોરી મળી આવતા તેને ચાઈલ્‍ડ વેલ્‍ફેર ઓફિસરને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વધુ માહિતી મુજબ પકડાયેલી સગીરા એકલી જ રહે છે. તેને ગાંજો સાચવવા માટે જંગલેશ્વરનું દંપતિ રૂપિયા ૫૦૦૦ ચૂકવતું હતું સગીરા અને આ દંપત્તિ એમ ત્રણેય સાથે મળીને અમદાવાદથી ગાંજો લાવ્‍યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું છે. જોકે આ ગાંજાનું વેચાણ થાય એ પહેલા એસઓજીની ટીમે સગીરાને પકડી લીધી હતી દંપતિ પકડાયા બાદ વધુ વિગતો બહાર આવશે. આ કેસમાં જંગલેશ્વર વિસ્‍તારમાં રહેતા સોયબ અશરફભાઈ ઉર્ફે કયુ તૈલી અને જેબાબેન સોયબ તૈલી નામના બે આરોપીઓ પકડવાના બાકી છે. પોલીસ તપાસમાં સામે આવ્‍યું છે કે સોયબ અગાઉ ભક્‍તિનગર, ગોંડલ અને જામનગરના ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં પ્રોહિબિશન અને એનડીપીએસ એક્‍ટ હેઠળ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. તેમજ જેબાબેન વિરુદ્ધ પણ ગોંડલ સિટીમાં અગાઉ ગુનો નોંધાયેલો છે.

 કામગીરી કરનાર ટીમ

આ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી.ના પી.આઈ. સંજયસિંહ એમ. જાડેજા, પી.એસ.આઈ. વી.કે. ઝાલા, એ.એસ.આઈ. વિરેન્‍દ્રસિંહ ઝાલા, અરૂણભાઈ બાંભણીયા, હેડ કોન્‍સ્‍ટેબલ ઉપેન્‍દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ, મહાવીરસિંહ ઝાલા, રવીરાજભાઈ ધગલ, રવિરાજસિંહ જાડેજા, તેમજ કોન્‍સ્‍ટેબલ નિર્મળસિંહ ઝાલા અને મહિલા કોન્‍સ્‍ટેબલ મોનાબેન બુસા જોડાયા હતા

(2:44 PM IST)