<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

દેશી દારૂ સામે લોક આક્રોશ ફાટયો

દેશી દારૂ અહીં મળે છે... ખુલ્લેઆમ બેનર લગાવ્‍યા : તંત્ર સામે તીવ્ર આક્રોશ : અહીં કોઇ રાજકીય પક્ષોએ મત માંગવા ન આવવું... ઋષિવાટિકામાં લાગ્‍યા બેનર : ધર્મનગર- ઋષિ વાટિકા પાછળ ગંદકી, દારૂ અને ગુન્‍હાખોરીની રેલમછેલ : લોકોએ રોડ પર આવીને તીવ્ર વિરોધ નોંધાવ્‍યો

દેશી દારૂ અહીં મળે છે... : ઋષિ વાટિકા પાછળ દારૂના ખુલ્લેઆમ તાંડવ સામે લોક-આક્રોશ ફાટયો છે. સવારે જનતા રેડમાં પોલીસતંત્રની આબરૂના લીરા ઉડયા હતા- દારૂના ખુલ્લેઆમ વેચાણ દારૂડીયાના તાંડવ, ગંદકીના ગંજ- દારૂ મળતો હોવાના બેનર - ચૂંટણી સમયે જ લોક આક્રોશ ફાટતા શાસકોની ઊંઘ હરામ થઇ છે.(તસ્‍વીર- અભીજીત બગથરીયા)

રાજકોટ, તા.૯: ચૂંટણી વખતે જ દેશી દારૂ સામે તીવ્ર લોકઆક્રોશ ફાટયો છે. લોકોએ જનતા રેડ કરીને પોલીસની આબરૂના ધજાગરા ઉડાવ્‍યા હતા. રાજકીય પક્ષોને પણ સોસાયટીમાં પ્રવેશવા પ્રતિબંધ લગાવી દેવાયો છે.

રાજકોટના વોર્ડ નંબર ૧ માં આવેલી ઋષિ વાટિકા સોસાયટીની વર્તમાન સ્‍થિતિ શાસકો અને વહીવટી તંત્રની ઘોર નિષ્‍ફળતાનો જીવતો જાગતો પુરાવો છે. છેલ્લા ૧૫ વર્ષથી આ વિસ્‍તારના રહીશો નરકાગાર જેવી સ્‍થિતિમાં જીવવા મજબૂર બન્‍યા છે, છતાં સત્તાના નશામાં ચૂર નેતાઓ અને એસી ઓફિસોમાં બેસતા અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. સોસાયટીના ગેટ પર ‘અહીં દેશી દારૂ મળે છેઁ અને ઁરાજકીય પક્ષોએ પ્રવેશ કરવો નહીં' તેવા બેનરો લાગવા પડે એ લોકશાહી માટે શરમજનક ઘટના છે. આ બેનરો એ માત્ર લખાણ નથી, પણ ભ્રષ્ટ પોલીસતંત્ર અને નપાણિયા શાસકોના મોઢા પર જનતાએ મારેલો જોરદાર તમાચો છે.

પોલીસની મીલીભગત વગર રહેણાંક વિસ્‍તારમાં દેશી દારૂના હાટડા ધમધમતા હોય તે વાત ગળે ઉતરે તેવી નથી. સાંજ પડતા જ અસામાજિક તત્‍વોનો જમાવડો અને દારૂની રેલમછેલ વચ્‍ચે સ્‍થાનિક પરિવારોની સુરક્ષા રામભરોસે છોડી દેવામાં આવી છે. રહીશોએ વારંવાર રજૂઆતો કરી, કરગરીયા કર્યા, પણ તંત્રની બહેરાશ દૂર થઈ નથી. ઉલટું, જ્‍યાં ડિમોલિશનના નાટકો થયા ત્‍યાં ફરી તંત્રના આશીર્વાદથી ગેરકાયદે બાંધકામો ખડકાઈ ગયા છે. આ સાબિત કરે છે કે અહીં કાયદાનું નહીં, પણ ભ્રષ્ટાચારનું શાસન ચાલે છે.

ચૂંટણી સમયે મધમીઠા વચનો આપી મતોની ભીખ માંગવા આવતા નેતાઓને આજે જનતાએ રસ્‍તો બતાવી દીધો છે. ગંદકીના ગંજ અને અસામાજિક પ્રવળત્તિઓ વચ્‍ચે જીવતી જનતાનો આક્રોશ હવે ચરમસીમાએ છે. જો તંત્ર હજુ પણ નહીં જાગે અને આ દૂષણોનો કાયમી સફાયો નહીં કરે, તો આ લોકરોષની જ્‍વાળા ગાંધીનગર સુધી પહોંચશે. જનતાનો આકરો મિજાજ સાફ કહી રહ્યો છે કે હવે પોલા આશ્વાસનોનો સમય પૂરો થયો છે, કાં તો સુવિધા આપો અથવા સત્તા છોડો. આ આંદોલન એ ભ્રષ્ટ સિસ્‍ટમ સામેનો ખુલ્લો જંગ છે.(૨૩.૨૨)

કાયમી ઉકેલનો નિર્ધાર

રાજકોટ, તા.૯:  ઋષિ વાટિકા સોસાયટીમાં જનતાનો આક્રોશ હવે હદ વટાવી ચૂકયો છે. ૧૫ વર્ષથી ગંદકી અને દારૂના દૂષણનો સામનો કરતા રહીશોએ હવે આરપારની લડાઈનો મિજાજ અપનાવ્‍યો છે. વારંવારની નિષ્‍ફળ રજૂઆતો બાદ લોકોએ રાજકીય પક્ષો માટે સોસાયટીના દ્વાર બંધ કરી દીધા છે.

સ્‍થાનિકોનો એક જ નિર્ધાર છેઃમાત્ર આશ્વાસન નહીં, કાયમી ઉકેલ જોઈએ. પોલીસ અને તંત્રની રહેમનજર હેઠળ ચાલતી અસામાજિક પ્રવળત્તિઓ સામે જનતાએ મોરચો માંડ્‍યો છે. આ વિરોધ એ વાતનો પુરાવો છે કે હવે જનતા નેતાઓના પોલા વચનોમાં આવવાની નથી. જો તાકીદે નરકાગાર જેવી સ્‍થિતિમાંથી મુક્‍તિ નહીં મળે, તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે.


 

 

દારૂના દરિયા, દારૂડિયાના તાંડવ

રાજકોટ, તા.૯: રાજકોટના વોર્ડ નં. ૧માં સ્‍થિતિ વિસ્‍ફોટક બની છે. ઋષિ વાટિકા સોસાયટીના રહીશોએ ‘અહીં દેશી દારૂ મળે છે' તેવા બેનરો લગાવી પોલીસની નિષ્‍ક્રિયતા પર આકરા પ્રહારો કર્યા છે. વર્ષોથી ચાલતા દારૂના અડ્ડાઓ અને અસામાજિક તત્‍વોના ત્રાસ સામે તંત્રએ આંખ આડા કાન કરતા જનતાનો પિત્તો ગયો છે.

પોલીસ પેટ્રોલિંગના દાવાઓ વચ્‍ચે સોસાયટીના ગેટ પર જ દારૂ વેચાતો હોવાના બેનરો લાગવા એ કાયદો અને વ્‍યવસ્‍થા સામે સીધો પડકાર છે. રહીશોનો આરોપ છે કે રજૂઆતો કરવા છતાં પોલીસ મૌન સેવે છે. આ જનઆક્રોશ હવે માત્ર વિરોધ નથી, પણ ભ્રષ્ટ સિસ્‍ટમ સામે ખુલ્લું યુદ્ધ છે. જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો જનતા પોતે મેદાને આવશે.

 

ડિમોલશન સામે ફરી બાંધકામો થયા

રાજકોટઃ ં તંત્રની મિલીભગત અને ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. જ્‍યાં તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી, ત્‍યાં ફરીથી રાતોરાત ગેરકાયદે બાંધકામો ખડકાઈ ગયા છે. આ સ્‍થિતિ સ્‍પષ્ટ કરે છે કે દબાણ હટાવવાની કામગીરી માત્ર દેખાડો હતી. વહીવટી તંત્રના આશીર્વાદ વગર આ પ્રકારની હિમ્‍મત અશકય છે.

લોકોમાં ભારે રોષ છે કે એકતરફ સામાન્‍ય નાગરિકોને કાયદાના પાઠ ભણાવવામાં આવે છે, તો બીજી તરફ ભૂમાફિયાઓ અને ગેરકાયદે વસાહતોને છાવરવામાં આવે છે. હવે માત્ર નાના-મોટા ડિમોલિશનથી કામ નહીં ચાલે, આ સમગ્ર વિસ્‍તારમાં ‘મહાસફાયો' જ એકમાત્ર ઉકેલ છે. જો તંત્ર કડક હાથે કામ નહીં લે, તો આ ગેરકાયદે જાળ શહેરના વિકાસને ગૂંગળાવી દેશે.

(3:05 PM IST)