<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

હથીયારો સાથે હુમલાઓ કરતી ‘ઇમલા ગેંગ' અને મિલ્‍કત વિરોધી ગુન્‍હાઓમાં સંડોવાયેલી ‘કાળીયા ગેંગ'ના ૧૭ સામે ગુજસીટોક

ગ્રામ્‍ય એલસીબી દ્વારા આગામી ચુંટણીઓને અનુલક્ષી લેવાતા ધડાધડ પગલા : સંગઠીત ગુન્‍હો આચરતી વધુ બે ગેંગ સામે કાર્યવાહી

રાજકોટ, તા., ૯ : રાજકોટ ગ્રામ્‍ય- જિલ્લા વિસ્‍તારમાં શરીર સબંધી ગુના આચરતી ઇમલા ગેંગના ૮ સભ્‍યો અને સૌરાષ્‍ટ્રભરમાં મિલ્‍કત વિરોધી ગુન્‍હાઓ આચરતી કાળીયા ગેંગના ૯ સહિત ૧૭ સભ્‍યો સામે રાજકોટ ગ્રામ્‍ય એલસીબી દ્વારા ગુજસીટોકનો ગુન્‍હો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિર્લિપ્ત રાય રાજકોટ રેન્‍જ, માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષકશ્રી વિજય સિંહ ગુર્જર સુચના અન્‍વયે રાજકોટ ગ્રામ્‍ય જિલ્લા વિસ્‍તારમાં ગુનાખોરીને નેસ્‍ત નાબુદ કરવા અને અવાર નવાર ગુના કરતા હોય તેવા ઇસમો વિરૂધ્‍ધ સખ્‍તાઇથી કડક હાથે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ જે અન્‍વયે  ગુજસીટોક હેઠળ સંગઠીત ગુન્‍હાખોરી આચરતી વધુ બે ગેંગને નિશાન બનાવી જેલમાં ધકેલી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઇમલા ગેંગના ઇમરાન ઉર્ફે ઇમલો હસનભાઇ કટારીયા (રહે. ગોંડલ)ના નેજા તળે ઇરફાન ઉર્ફે ઇકુ હસનભાઇ કટારીયા , હુસેન ઉર્ફે ભોલીયો, દિલાવર મકરાણી, સકીલ હસન કટારીયા, હસન ઇસ્‍માઇલ કટારીયા, સરફરાજ ઉર્ફે નોડી હુસેન શેખ, નવાઝ ઉર્ફે બાંમ્‍બુટ, દિલાવર પઠાણ અને સાહરુખ ઇબ્રાહીમ માંડલીયા (રહે. તમામ ગોંડલ) સામે ગુજસીટોકનું શષા ઉઠાવવામાં આવ્‍યું છે. આ તમામ સામે ખુન, ખુનની કોશીષ, ગેરકાયદે હથીયાર, હુમલા અને પ્રોહીબીશન કાયદા ના ભંગ બદલ બે થી ર૦ ગુન્‍હાઓ નોંધાઇ ચુકયા છે.

આ ઇતિહાસમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન ગોંડલ શહેર તથા રાજકોટ ગ્રામ્‍ય જિલ્લા વિસ્‍તારોના ગુન્‍હાઓ સમાવિષ્‍ટ છે.

 શરીર સબંધી જેમાં ખુનની કોશિષ, ગંભીર ઇજા/મહાવ્‍યથા, ધમકી/સામાન્‍ય ઇજા, હથિયારધાર જેવા ગંભીર પ્રકારના તેમજ પોતાના આર્થિક લાભ સારૂ પ્રોહીબીશન, જુગારને લગતા ગુના મળી કુલ-૨૩ ગુના આચરી ભયનુ વાતાવરણ ઉભુ કરી પોતાની ટોળકીની ગુનાહિત પ્રવળતિ સતત ચાલુ રાખી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતી આ ટોળકીના સભ્‍યો   સામે  નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિર્લિપ્ત રાય રાજકોટ રેન્‍જ, રાજકોટ નાઓની મંજુરી મેળવી ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. સદરહુ ગુનાના ફુલ-૮ આરોપીઓ પૈકી કુલ-૬ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. એક આરોપી જયુડીશીયલ કસ્‍ટડીમાં છે. એક આરોપી પકડવાનો બાકી છે. આ ટોળકી ઉપર ગુજસીટોક મુજબ ગુનો દાખલ થવાથી વિસ્‍તારમાં સંગઠીત રીતે શરીર સબંધી ગુનાઓ કરનારી ટોળકી ઉપર અંકુશ આવશે.

આવી જ રીતે  સમગ્ર સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમાં મીલકત સબંધી ગુના આચરતી કાળીયો ગેંગ ટોળકીના કુલ-૯ સભ્‍યો વિરૂધ્‍ધ ગુજસીટોક  મુજબ ગુનો નોંધી પરીણામલક્ષી કામગીરી કરવામાં આવી છે.

રણજીત ઉર્ફે રાહુલ ઉર્ફે કરો ઉર્ફે કાળીયો ધીરૂભાઇ સોલંકી-દેવીપુજક (રહે.  ગોંડલ, આશાપુરા ચોકડી નજીક, નદીના કાંઠે)ની આગેવાનીમાં સંગઠીત થઇ પૂર્વ આયોજીત કાવતરૂ કરી  છેલ્લા દસ વર્ષમાં સૌરાષ્‍ટ્ર વિસ્‍તારના રાજકોટ ગ્રામ્‍ય, રાજકોટ શહેર, અમરેલી, જુનાગઢ, ગીરસોમનાથ, જામનગર, સુરેન્‍દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લા વિસ્‍તારમાં મિલકત સંબંધી જેમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી, સાદી ચોરી તથા શરીર સબંધી જેમાં ખુન, ગંભીર ઇજા અને ધમકી જેવા ગંભીર પ્રકારના તેમજ પોતાના આર્થિક લાભ સારૂ પ્રોહીબીશનને લગતા ગુના મળી કુલ-૪૭ગુના આચરી ભયનુ વાતાવરણ ઉભુ કરી પોતાની ટોળકીની ગુનાહિત પ્રવળતિ સતત ચાલુ રાખી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતા હોવાનો રેકોર્ડ હોવાથી આ ટોળકીના વિક્રમ ઉર્ફે વિકુ ઉર્ફે વિજય ધીરૂ સોલંકી, દેવચંદ ધીરૂ સોલંકી, નારણ ઉર્ફે નરેશ ધીરૂ સોલંકી, જીતેશ ઉર્ફે કટ્ટી ઉર્ફે જીતો નવલભાઇ વાઘેલા, ઇનેશ ઉર્ફે યુનુસ નવલભાઇ વાઘેલા, પ્રકાશ ઉર્ફે પકો સવજીભાઇ વાઘેલા, સાગર અશોકભાઇ ચારોલીયા, વિજય ઉર્ફે વિજુ ઉર્ફે વિજલો અમરશી ચારોલીયા સહિતની ટોળકી સામે નોંધાયેલા ૪૭ ગુન્‍હાઓને ધ્‍યાનમાં રાખી ગુજસીટોક હેઠળ પગલા લેવાયા છે.

રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી. શાખાના પો.ઇન્‍સ.શ્રી વી.વી.ઓડેદરા તથા સ્‍ટાફના માણસો દ્રારા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્‍ધ છેલ્લા દસ વર્ષમાં નોંધાયેલ ગુનાની માહિતી મેળવી તેનો ઉંડાણપૂર્વક અભ્‍યાસ કરી જરૂરી દસ્‍તાવેજો એકત્રીત કરી ગુજસીટોક  મુજબ ગુનો બનતો હોવાનુ ફલીત થતુ હોય જેથી રેકર્ડ આધારે વિગતવારની દરખાસ્‍ત તૈયાર કરી ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૩૦૯૪૨૬૦૨૬૭/૨૦૨૬ ધી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ-૨૦૧૫ ની કલમ-૩(૧)ની પેટા કલમ (૧) તથા કલમ-૩(૧)ની પેટા કલમ (૨) તથા કલમ ૩(૨) તથા ૩(૪) તથા કલમ ૩(૫) મુજબ ગુનો રજીસ્‍ટર કરવામાં આવેલ છે.

(3:49 PM IST)