<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

એસ.ટી, પેટ્રોલ પંપ, એટીએમ, મેડિકલ સ્‍ટોર પરથી ધડાધડ મહાનુભાવોના ફોટા હટાવાયા

કોંગ્રેસ સમિતિની ચૂંટણી કમિશનરને લેખિત ફરિયાદ બાદ તંત્ર હરકતમાં

રાજકોટ, તા.૯: ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના પ્રવક્‍તા અને મીડિયા કોર્ડીનેટર હેમાંગ મહિપતભાઈ રાવલ ની યાદી મુજબ ગુજરાત રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી ૨૦૨૬ ના રોજ જાહેરાત થઈ ચૂકી છે જેના પગલે દરેક રાજકીય પક્ષોએ આચારસંહિતાની અમલવારી કરવાની થાય છે.

તેમ છતા ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ (એસ.ટી) ની ૮૫૫૦ બસો માં પીએમ અને સીએમની તસવીરો ઉતારવામાં આવેલ નહીં તેમજ રાજ્‍યભરના પેટ્રોલ પંપ ઉપર પણ પીએમ ની તસવીરો યથાવત રાખવામાં આવી હતી. દિન દયાળ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્‍દ્ર પર સરકાર માન્‍ય મેડિકલ સ્‍ટોર પર વડાપ્રધાનની તસવીર જોવા મળતી હતી. યુનિયન બેન્‍કના એટીએમ માં પણ તસવીરો અને ડિજિટલ સ્‍ક્રીન માંથી પીએમ ની તસ્‍વીરો હટાવવામાં આવી નહોતી.

જે પગલે તારીખ ૩/૪/૨૦૨૬ ના પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમદાવાદ ખાતેના કાર્યાલયે પત્રકાર પરિષદ બોલાવી રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવતા તુરંત તંત્ર હરકતમાં આવી ગયુ છે અને પેટ્રોલ પંપ અને જન ઔષધી કેન્‍દ્રના મેડિકલ સ્‍ટોર અને બેંકના એટીએમ બસ સ્‍ટેન્‍ડ ખાતે લગાવાયેલ તસ્‍વીરો હટાવવામાં આવી છે અને કાંતો ઢાંકી દેવામાં આવી છે.

કોંગ્રેસ સમિતિની રજૂઆત સફળ રહી છે. તેમ છતાં શાસકો દ્વારા આચાર સંહિતાનો ભંગ થતો હોય તો મો ૯૪૨૬૨ ૨૯૩૯૬ ઉપર આધાર પુરાવા સાથે ફરિયાદ કરવા ગજેન્‍દ્રહિં ઝાલા અને હેમાંગ રાવલની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(3:49 PM IST)