News of Friday, 10th April 2026
ઇંટના ધંધાર્થીને ૬ વ્યાજખોરોએ નીચોવી લીધાઃ લાખો વસૂલી હજુ પણ ધમકી
ધંધામાં ખોટ જતાં અલગ અલગ લોકો પાસેથી ૮૫ લાખ લીધા હતાઃ તેની સામે વ્યાજ સહિત મૂળ રકમ કરતાં વધુ ચૂકવ્યા છતાં સતત વધુ વ્યાજની ઉઘરાણી કરી ત્રાસ : મૂળ ચુનારાવાડના હાલ નવાગામ રહેતાં દેવેન્દ્રભાઈ મંડલીએ મહેશ રાઠોડ, રાજુ ભલસોડ, નાગદાન આહીર અને રાકેશ ગૌસ્વામી, મુન્નાભાઈ પાનવાળાની પત્ની વિરૂધ્ધ નોંધાવી થોરાળા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૧૦ : શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઈંટોના વ્યવસાય સાથે સંકળાયેલા એક પ્રજાપતિ યુવાને ધંધામાં ખોટ આવતા અલગ-અલગ ૬ વ્યક્તિઓ પાસેથી લીધેલી વ્યાજની રકમ સામે કરોડો રૂપિયા ચૂકવવા છતાં, પઠાણી ઉઘરાણી અને ધમકીઓ મળતા અંતે કાયદાનો આશરો લીધો છે.
આ બનાવમાં થોરાળા પોલીસે નવાગામ સમજુ પાર્ક બ્લોક નંબર ૪ શેરી નંબર ૫માં રહેતાં મુળ ચુનારાવાડ શેરી નંબર ૪ શાક માર્કેટવાળીના રહેવાસી દેવેન્દ્રભાઇ હરેશભાઈ મંડલી (ઉ.વ.૪૨) ની ફરિયાદ પરથી ૬ શખ્સો મહેશ નરસંગભાઈ રાઠોડ ભીચરી ગામ તા જી રાજકોટ, રાજુભાઈ ભલસોડ રહે. ચુનારાવાડ શેરી નં ૦૨, નાગદાનભાઈ આહીર રહે. રાજપીપળા રાજકોટ, મુનાભાઈ ફુલવાળાની પત્ની રહે. ચુનારાવાડ શેરી નમ્બર ૧, રાજુભાઇ મહાકાળી પાનવાળા રહે. દુધની ડેરી પાસે અને રાકેશ ઉર્ફે કાનાભાઈ રમેશભાઇ ગૌસ્વામી રહે. ડી માર્ટની સામે કુવાડવા રોડ વિરૂધ્ધ મનીલેન્ડ એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે
ફરિયાદની વિગત મુજબ, નવા ગામ સમજુ પાર્ક બ્લોક નં. ૪ માં રહેતા અને જૂના મહીંકા રોડ પર ઈંટોના ભઠ્ઠા ચલાવતા દેવેન્દ્રભાઈ હરેશભાઈ મંડલી (ઉ.વ. ૪૨)એ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૮માં ધંધામાં મંદી આવતા તેઓએ પરિચિતો પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. આ વ્યાજના ચક્રમાં તેઓ એટલા ફસાયા કે મૂળ રકમ કરતાં બમણી રકમ વ્યાજ પેટે ચૂકવવા છતાં વ્યાજખોરોનો ત્રાસ ઓછો થયો નહોતો.
પોલીસ ફરિયાદમાં છ વ્યાજખોરો અને તેમના દ્વારા અપાયેલા ત્રાસની વિગતો મુજબ મહેશ નરસંગભાઈ રાઠોડ (ભીચરી ગામ) પાસેથી દેવેન્દ્રભાઈએ માટી મંગાવતા હોવાના નાતે પરિચય હોઈ તેની પાસેથી કુલ રૂ. ૧૩ લાખ ૨્રુ વ્યાજે લીધા હતા. વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધીમાં તેઓ રૂ. ૨૭ લાખ વ્યાજ પેટે ચૂકવી ચૂકયા છે, તેમ છતાં હજુ મુંડી અને વ્યાજની ઉઘરાણી કરી ધમકી આપવામાં આવી રહી છે. જ્યારે રાજુ પાંચાભાઈ ભલસોડ (ચુનારાવાડ) પાસેથી રૂ. ૭ લાખ ૩્રુ વ્યાજે લીધા હતા, જેના બદલામાં ૭ ચેક સિકયુરિટી પેટે આપ્યા હતા. અત્યાર સુધીમાં રૂ. ૯ લાખ ચૂકવ્યા હોવા છતાં ધમકીઓ ચાલુ છે.
આ ઉપરાંત નાગદાન આહીર પાસેથી રૂ. ૧૩ લાખ ૪% વ્યાજે લીધા હતા. વર્ષ ૨૦૨૦ થી અત્યાર સુધીમાં રૂ. ૧૩ લાખ ચૂકવી દીધા છે, છતાં વ્યાજખોર મુંડી માટે દબાણ કરે છે. તેમજમુનાભાઈ ફુલવાળાની પત્ની પાસેથી રૂ. ૪ લાખ ૨.૫% વ્યાજે લીધા હતા અને ૪ ચેક આપ્યા હતા. મુનાભાઈના અવસાન બાદ હવે તેમના પત્ની ફોન કરીને વ્યાજ અને મુંડીની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. તેમજ રાજુ મહાકાળી પાનવાળા પાસેથી પિતરાઈ ભાઈ જીગ્નેશના માધ્યમથી રૂ. ૧૩ લાખ ૫%ના ઉંચા વ્યાજે લીધા હતા. અત્યાર સુધીમાં રૂ. ૧૫ લાખ ચૂકવ્યા છે. આ કેસમાં ૧૧ ચેક સિકયુરિટી તરીકે પડાવી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંતરાકેશ ઉર્ફે કાના રમેશભાઈ ગૌસ્વામી પાસેથી પાડોશના નાતે ઓળખાણ ધરાવતા હોઈ દેવેન્દ્રભાઈએ કુલ રૂ. ૩૫ લાખ ૫%વ્યાજે લીધા હતા. તેને અત્યાર સુધીમાં રાકેશને રૂ. ૫૦ લાખ જેટલું વ્યાજ ચૂકવ્યું છે. છતા તેને ધરો થયો નથી.
ફરિયાદી દેવેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું કે તે માતા, પત્ની અને બે પુત્રો સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. તમામ આરોપીઓએ મૂળ રકમ કરતા અનેકગણું વ્યાજ વસૂલી લીધું હોવા છતાં, અવાર-નવાર ગાળાગાળી કરી, હેરાન પરેશાન કરી અને ‘તમારા સારાવાટ નહીં રહે' તેવી ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજાર્યો હતો. અંતે વ્યાજખોરોની ચુંગાલમાંથી છૂટવા માટે દેવેન્દ્રભાઈએ થોરાળા પોલીસ સ્ટેશનમાં પહોંચતા પીઆઇ એસ. પી. સોઢાની રહબરીમાં પીએસઆઇ એન.આર. ડોબરીયાએ તમામ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(3:01 PM IST)










