તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
રાજકીય પક્ષો દ્વારા ઉપેક્ષા થતા રામાનંદી સાધુ સમાજ લાલઘૂમઃ આગામી સ્થાનિક ચૂંટણીમાં ‘નોટા' શસ્ત્ર ઉગામશે
સાધુ સમાજ હવે આરપારના મૂડમાં: જરૂર પડયે ચૂંટણી બહિષ્કાર અને મહાસંમેલન બોલાવવાની ચીમકી

રાજકોટઃ શહરેમાં વસતા રામાનંદી સાધુ સમાજ દ્વારા રાજકીય પક્ષો સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. છેલ્લા લાંબા સમયથી દરેક રાજકીય પક્ષો દ્વારા સમાજની કરવામાં આવતી સતત અવગણના અને ઉપેક્ષાનો જવાબ આપવા માટે સમાજે હવે કમર કસી છે. સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા એક સત્તાવાર પ્રેસનોટ જાહેર કરીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોને પાઠ ભણાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
સંસ્થાના પ્રમુખ રવિરાજભાઈ રામાવતે જણાવ્યું હતું કે, રામાનંદી સાધુ સમાજ સનાતન હિદુ ધર્મનો અવિભાજ્ય અંગ છે અને વર્ષોથી ગુરુકુળ પરંપરા દ્વારા ભેદભાવ વગર તમામ જ્ઞાતિના લોકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનું કાર્ય કરે છે. જાત પાત પૂછે નહિ કોઈ, જો હરિ કો ભજે સો હરિ કા હોઈ ના સૂત્ર સાથે ચાલતા આ સમાજના રાજકોટમાં ૧૫ હજારથી વધુ પરિવારો અને ૫૦ હજાર થી વધુ મતદારો છે. આટલી મોટી સંખ્યા હોવા છતાં, કોઈ પણ રાજકીય પક્ષે સંગઠન, બોર્ડ નિગમ કે વિકાસ સમિતિમાં સમાજના પ્રતિનિધિઓને સ્થાન આપ્યું નથી.
સમાજના અગ્રણીઓએ ચીમકી આપતા જણાવ્યું છે કે, જે વોર્ડમાં સમાજનું પ્રભુત્વ છે ત્યાં સાધુ સમાજ પોતાની પૂરેપૂરી પેનલ ઉતારશે. જ્યારે બાકીના વોર્ડમાં ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ 'નોટા' (NOTA) બટનનો ભરપૂર ઉપયોગ કરી પોતાનો વિરોધ નોંધાવશે. જો રાજકીય પક્ષો હજુ પણ પોતાની નીતિ નહીં બદલે તો આગામી દિવસોમાં 'ત્રીપાંખ સાધુ સમાજ'નું વિશાળ સંમેલન બોલાવી ચૂંટણી બહિષ્કાર જેવા આકરા પગલાં લેવામાં આવશે.
તસ્વીરમાં સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ રવિરાજ રામાવત (મો.૯૯૨૪૯ ૫૫૫૦૪), અનંતભાઈ નેભુજી, હિતેશભાઈ રામાવત, કિશોરભાઈ નિમાવત, તુષારભાઈ અગ્રાવત, અશ્વિનભાઈ નિમાવત, જીતેશભાઈ અગ્રાવત, વિમલભાઈ ક્રીમજી નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:53 PM IST)










