તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
પોરબંદરથી રિસાઈને ભાગેલી પરણિત યુવતીને રાજકોટ રેલ્વે પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી પિતા અને પતિ સાથે સુખદ મિલાપ કરાવ્યો
પતિ દરિયામાં બોટિંગના કામે અવારનવાર બહાર રહેતા હોવાથી માઠું લાગી આવતા ૧૮ વર્ષીય પ્રિયંકાબાબુ કોઈને કહ્યા વગર ટ્રેનમાં બેસી રાજકોટ પહોંચી ગઈ હતી : રેલ્વે પોલીસે વેઇટિંગ રૂમમાંથી યુવતીને શોધી તેના પરિવારને સોંપી

રાજકોટ: રાજકોટ રેલ્વે પોલીસ દ્વારા ગુમ થયેલ મહિલાઓને શોધવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એક ૧૮ વર્ષીય પરણિત યુવતીને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલાપ કરાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી અધિક પોલીસ મહાનિર્દેશક રેલ્વેઝ ગુજરાત રાજ્ય અમદાવાદ કે.એન.ડામોર, પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલ્વે અમદાવાદ યશપાલ જગાણીયા તથા ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી પશ્ચિમ રેલ્વે રાજકોટ એચ.એમ.રાણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
પોરબંદરથી ગુમ થઈ હતી યુવતી:
આ બનાવની વિગતો મુજબ, તારીખ ૧૦/૦૪/૨૦૨૬ ના રોજ રાત્રે ૨:૧૫ વાગ્યે રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનના ઓફિસર મહેન્દ્રભાઈ સુરજીભાઈને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન પોરબંદરથી એક વર્ધી મળી હતી. જેમાં જણાવાયું હતું કે પોરબંદરના વીરડી પ્લોટ, વણકરવાસ શેરી નંબર ૦૫ માં રહેતા સુરેશ ભિખુભાઈ બાટા (ઉંમર વર્ષ ૪૨) ની ૧૮ વર્ષ અને ૮ મહિનાની દીકરી પ્રિયંકાબાબુ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ છે.
વેઇટિંગ રૂમમાંથી મળી આવી
આ બાતમીના આધારે રાજકોટ રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા પોલીસ જવાનો નિલેશભાઈ પી., દેવેન્દ્રભાઈ આર., અસ્મિતાબેન જી. અને નિલેશભાઈ ડી. સતર્ક થઈ ગયા હતા. પ્લેટફોર્મ નંબર ૦૧ પર તપાસ દરમિયાન વેઇટિંગ રૂમમાં એક શંકાસ્પદ યુવતી મળી આવી હતી. મહિલા પોલીસ અસ્મિતાબેન જી. દ્વારા તેની પૂછપરછ કરવામાં આવતા તે ગુમ થયેલી પ્રિયંકાબાબુ હોવાનું જાણવા મળ્યું હતું.
રિસાઈને આવવાનું કારણ:
યુવતીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેના પતિ રામબાબુ કાળકીયા વ્યવસાયે ખારવા છે અને સુભાષનગર પોરબંદરમાં રહે છે. તેઓ દરિયામાં બોટિંગના કામ અર્થે અવારનવાર ઘરથી દૂર રહેતા હોય, જે બાબતનું પ્રિયંકાબાબુને માઠું લાગી આવ્યું હતું. આથી તે બપોરે ૪:૦૦ વાગ્યાની આસપાસ પોરબંદર રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને રાજકોટ આવી ગઈ હતી.
પરિવાર સાથે સુખદ મિલાપ:
પોલીસે યુવતી પાસે રહેલા મોબાઈલ દ્વારા તેના પિતા સુરેશ ભિખુભાઈ બાટાનો સંપર્ક સાધ્યો હતો. પિતા અને પતિ રામબાબુ કાળકીયા તાત્કાલિક રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. પોલીસે સમજાવટ કરતા યુવતી રાજીખુશીથી તેના પિતા અને પતિ સાથે જવા તૈયાર થઈ હતી. આખરે સવારે ૬:૦૦ વાગ્યે પોલીસે વિધિવત રીતે યુવતીનો કબજો તેના પિતાને સોંપીને પરિવારનું પુનર્મિલન કરાવ્યું હતું. આ અંગેની નોંધ સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૨૦૨૬ થી કરવામાં આવી છે.
કામગીરી કરનાર ટીમ:
* HC મહેન્દ્રભાઈ સુરજીભાઈ
* PC નિલેશભાઈ પી.
* PC દેવેન્દ્રભાઈ આર.
* LR નિલેશભાઈ પી.
* WPC અસ્મિતાબેન જી.
(3:15 PM IST)










