News of Saturday, 11th April 2026
રાજકોટ ભાજપમાં ટિકિટ વિતરણ જાહેર થતાની સાથે જ રાજકીય ગરમાવો : જુથવાદ -અસંતોષના લબકારા ઉઠ્યા
જિલ્લા પંચાયતની બાકી બેઠકો પર સસ્પેન્સના અંતથી લઈને મધરાત્રિએ કાર્યાલય પર થયેલા હલ્લાબોલ સુધીના ઘટનાક્રમે જૂથવાદ ખુલ્લેઆમ સપાટી પર લાવી દીધો

રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકોમાંથી 33 બેઠકો માટે અગાઉ ઉમેદવારો જાહેર કરાયા હતા, પરંતુ કુવાડવા, બેડલા અને શિવરાજપુર બેઠકો પર લાંબા સમય સુધી મડાગાંઠ જળવાઈ રહી હતી. આખરે ભાજપ હાઈકમાન્ડ દ્વારા કુવાડવા બેઠક પર જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ દેવ કોરડીયાના નામ પર મહોર મારવામાં આવી છે. સ્થાનિક સ્તરે સંભવિત નારાજગી અને વિરોધને ખાળવા માટે પક્ષે અત્યંત ગુપ્ત રણનીતિ અપનાવી હતી. વિવાદ વધુ ન વકરે તે હેતુથી બાકી રહેલા ઉમેદવારોને સીધા જ ફોર્મ ભરવા માટે સૂચના આપવામાં આવી છે.
રાજકોટના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ વિતરણ જાહેર થતાની સાથે જ આંતરિક વિખવાદ અને અસંતોષની જ્વાળાઓ ફાટી નીકળી છે. શિસ્ત અને કેડર-બેઝ્ડ પાર્ટીના દાવાઓ વચ્ચે પરિવારવાદ અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોની પસંદગી મુદ્દે પક્ષના પાયાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયતની બેઠકો પરના સસ્પેન્સના અંતથી લઈને મધરાત્રિએ પક્ષના કાર્યાલય પર થયેલા હલ્લાબોલ સુધીના ઘટનાક્રમે રાજકીય માહોલને હચમચાવી દીધો છે.
જકોટ મહાનગરપાલિકાના વોર્ડ મુજબ ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ ભાજપના પાયાના કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પક્ષમાં શિસ્તના દાવાઓ વચ્ચે એક જ પરિવારના સભ્યોને અલગ-અલગ વોર્ડમાં ટિકિટ ફાળવવામાં આવતા સવાલો ઊભા થયા છે. વોર્ડ નંબર 6 માં ધર્મિષ્ઠા નાનાજી પરમારને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે તેમના જ પરિવારના મૌલિક સંજય પરમારને વોર્ડ નંબર 15 માંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ પ્રકારના પરિવારવાદ સામે વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો પાડનારા સક્રિય કાર્યકર્તાઓએ ભારે રોષ વ્યક્ત કર્યો છે.
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની યાદીમાં વોર્ડ નંબર 15 ના મૌલિક પરમારનું નામ આવતા જ વિવાદ વધુ ઘેરો બન્યો છે. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે મૌલિક પરમાર સામે અગાઉ ગંભીર પ્રકારનો હત્યાનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. અને તેઓ હાલમાં જામીન પર બહાર છે. પક્ષ દ્વારા આવા ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિની પસંદગી કરવામાં આવતા વિપક્ષોને બેઠું હથિયાર મળ્યું છે, અને સામાન્ય જનતામાં પણ પક્ષની સ્વચ્છ છબી સામે સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ કાયદો અને વ્યવસ્થાની વાતો કરતી સરકાર પોતે જ આવા ઉમેદવારને ટિકિટ આપે તે બાબત કાર્યકરો માટે ગળે ઉતારવી મુશ્કેલ બની છે.
રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ હવે ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર 3 ના લોકપ્રિય આગેવાન હેમુભાઈ પરમારની ટિકિટ કાપવામાં આવતા તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મધરાત્રિએ મોટી સંખ્યામાં સમર્થકોએ ભાજપના શહેર કાર્યાલય ખાતે હલ્લાબોલ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કાર્યાલય ખાતે લાંબા સમય સુધી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો અને પક્ષના મોવડી મંડળ સામે નારાબાજી કરવામાં આવી હતી. એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ વચ્ચે ભાજપ માટે આંતરિક અસંતોષ ડામવો એ મોટો પડકાર બની રહ્યો છે.
(2:40 PM IST)










