<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

સોમવારે બપોર બાદ રાષ્‍ટ્રપતિ શ્રી દ્રોૈપદી મુર્મુજી રાજકોટમાં એઇમ્‍સ ખાતે ૪૯ વિદ્યાર્થીઓને MBBS ડીગ્રી આપશે

એઇમ્‍સ ખાતે પહેલો દીક્ષાંત સમારોહઃ રાજયપાલ તથા કેન્‍દ્રના આરોગ્‍યમંત્રી પણ ઉપસ્‍થિત રહેશે

રાજકોટ, તા.૧૧: આગામી સોમવારના તા.૧૩ ના રોજ એઈમ્‍સ રાજકોટ ખાતે તેનો પહેલો દીક્ષાંત સમારોહ યોજશે, જે દરમિયાન ૨૦૨૦ માં જોડાયેલા એમબીબીએસ વિદ્યાર્થીઓની પ્રથમ બેચને તેમની ડિગ્રી એનાયત કરવામાં આવશે.

ભારતના રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીઆ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે અને દીક્ષાંત સંબોધન કરશે.  રાષ્‍ટ્રપતિ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મેડલ અને સ્‍નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો પણ એનાયત કરશે.

આ સમારોહમાં ગુજરાતના  રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયના કેન્‍દ્રીય રાજ્‍યમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ અને ગુજરાતના  રાજ્‍યમંત્રી (સ્‍વતંત્ર હવાલો) આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ અને તબીબી શિક્ષણ શ્રી પ્રફુલ પાનશેરિયા અને રાજ્‍ય, સ્‍થાનિક વહીવટ અને અગ્રણી સંસ્‍થાઓના અન્‍ય પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્‍થિત રહેશે. ગુજરાતમાં રાષ્‍ટ્રીય મહત્‍વની સંસ્‍થામાં પ્રથમ દીક્ષાંત સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

ઓગણપચાસ વિદ્યાર્થીઓને MBBS ડિગ્રી અને એક વિદ્યાર્થીને વાયરોલોજીમાં પોસ્‍ટ ડોક્‍ટરલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. વધુમાં, MBBS ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમના ઉત્‍કળષ્ટ શૈક્ષણિક પ્રદર્શનને માન્‍યતા આપવા માટે ૧૦ મેડલ એનાયત કરવામાં આવશે, જેમાં ૪ ગોલ્‍ડ, ૩ સિલ્‍વર અને ૩ બ્રોન્‍ઝ મેડલનો સમાવેશ થાય છે.

(3:36 PM IST)