News of Monday, 13th April 2026
રાજકોટના નારણકા ગામે ખેડૂત ધીરજભાઈ રોજમાળાએ ઝેરી દવા પી જીંદગી ટૂંકાવી
બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવાર શોકમગ્નઃ આપઘાતના કારણ અંગે તપાસ

રાજકોટ, તા.૧૩: રાજકોટના નારણકા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેમાં ૫૫ વર્ષીય પ્રૌઢે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. આ બનાવને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નારણકા ગામે રહેતા અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતા ધીરજભાઈ જીવરાજભાઈ રોજમાળા (ઉંમર વર્ષ ૫૫) પોતાના ઘરે હતા, ત્યારે તેમણે કોઈ ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા ધીરજીભાઈની સ્થિતિ વધુ લથડતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ બનાવ અંગે હોસ્પિટલ દ્વારા જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મળતદેહનો કબજો સંભાળી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મળતક ધીરજભાઈને સંતાનમાં બે દીકરાઓ છે. તેઓ બે ભાઈ અને એક બહેનમાં નાના હતા.
ખેતીકામ કરતા પ્રૌઢે કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી, જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(2:10 PM IST)










