<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ભગવતીપરા પાસે હિટ એન્‍ડ રનઃ સ્‍કોર્પીયો હડફેટે બાઇકસવાર વૃધ્‍ધ ભીખાલાલ વડોદરિયાનું મોત

મેટોડા પાસેથી ખેતરેથી પરત ફરતા'તા ને કાળ ભેટી ગયોઃ પોલીસે નાસી છુટેલ સ્‍કોર્પીયોના ચાલક સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી

રાજકોટ, તા. ૧૩: શહેરમાં ભગવતીપરા મેઈન રોડ પર કોપરગ્રીન સોસાયટીના ગેઈટ પાસે પુરપાટ ઝડપે આવતી એક કાળી સ્‍કોર્પિયોના ચાલકે હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલને જોરદાર ઠોકર મારતા  ૬૮ વર્ષીય ભીખાલાલ વડોદરિયાનું  સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્‍યું છે.

વિગતો મુજબ, મૂળ મેટોડા ગામના વતની અને હાલ મોરબી રોડ પર રાધિકા પાર્કમાં રહેતા ભીખાલાલ વશરામભાઇ વાડોદરીયા (ઉંમર ૬૮) શનિવારે સાંજે મેટોડા ગામે આવેલા પોતાના ખેતરેથી કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન ભગવતીપરા વિસ્‍તારમાં કોપરગ્રીન સોસાયટી સામેના રોડ પર કાળા કલરની મહેન્‍દ્રા સ્‍કોર્પિયો (નંબર જીજે-૦૩-એમઆર-૦૧૪૭) ના ચાલકે તેમના બાઈકને અડફેટે લીધું હતું. અકસ્‍માતની જાણ થતા જ મળતકનો પુત્ર મનીષ અને તેનો મિત્ર તાત્‍કાલિક સિવિલ હોસ્‍પિટલ દોડી ગયા હતા. ઈમરજન્‍સી વોર્ડમાં સારવાર દરમિયાન પિતા ભીખાલાલે પુત્રને તેના હુલામણા નામ ‘કાના' થી ઓળખી પણ બતાવ્‍યો હતો. જોકે, જમણા પગે અને પડખાના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી ટૂંકી સારવારના અંતે તેમણે દમ તોડયો હતો.

ઘટનાસ્‍થળની તપાસમાં જાણવા મળ્‍યું છે કે અકસ્‍માત સર્જનાર કાળી સ્‍કોર્પિયોના આગળના ભાગે નુકસાન થયું હતું અને કારના પાછળના કાચ પર ગુજરાતીમાં ‘મકરા' લખેલું હતું. અકસ્‍માત સર્જ્‍યા બાદ ચાલક પોતાની ગાડી ઘટનાસ્‍થળે જ મૂકીને નાસી છૂટયો હતો. આ મામલે મળતકના પુત્ર મનીષ ભીખાલાલ વાડોદરીયાએ બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(2:10 PM IST)