તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 13th April 2026
સાધુ વાસવણી રોડ ઉપર કોમ્પલેક્ષમાં ત્રીજા માળે ઓફીસમાં આગ ભભૂકી : ૬ લોકોને રેસ્કયુ કરી બચાવાયા
ગાર્ડન કોમર્શીયલ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે જયાં આગ લાગી હતી તે ઓફીસની બાજુની ઓફીસના ૬ લોકો ફસાઇ જતા ફાયર બ્રિગેડે બચાવી લીધાઃ ૩ ફાયર ફાઇટરો આગને કાબુમાં લઇ લીધી

સાધુ વાસવાણી રોડ ઉપર કોમ્પલેક્ષમાં ત્રીજા માળે લાગેલ આગના દ્રશ્યો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૧૫)
રાજકોટ, તા., ૧૩: સાધુ વાસવાણી રોડ ઉપર સાધુ વાસવાણી સ્કુલની સામે આવેલ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે ઓફીસમાં આગ ભભુકતા ફાયર બ્રિગેડ દોડી ગયુ હતું અને ઓફીસની આજુ-બાજુના ફસાયેલા ૬ લોકોને રેસ્કયુ કરીને બચાવ્યા હતા.
મળતી વિગતો મુજબ સાધુ વાસવાણી રોડ ઉપર સાધુ વાસવાણી સ્કુલ સામે આવેલ ગાર્ડન કોમર્શીયલ કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલ એક ઓફીસમાં આગ ભભુકતા અફડાતફડી મચી ગઇ હતી. ફાયર બ્રિગડને જાણ કરાતા ૩ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી જઇ આગને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતા. જયાં આગ લાગી હતી તે ઓફીસની આજુબાજુની ઓફીસમાં ફસાયેલા ૬ લોકોનું ફાયર બ્રિગેડ રેસ્કયુ કરી બચાવી લીધા હતા.
ફાયર બ્રિગેડના અધિકારી તેજસભાઇ ગઢવીના જણાવ્યા મુજબ આગ સંપુર્ણ કાબુમાં આવી ગઇ છે. જયાં આગ લાગી હતી તે ઓફીસનું બોર્ડ સંપુર્ણ બળીને ખાખ થઇ ગયું છે. આગના કારણે આજુબાજુની ઓફીસમાં ફસાયેલા ૬ લોકોનું રેસ્કયુ કરી બચાવી લેવાયા છે.
જયાં આગ લાગી હતી તે ઓફીસ કોની છે? અને કયાં કારણોસર આગ લાગી તે અંગે ફાયર બ્રિગેડ તપાસ હાથ ધરી છે.
(3:31 PM IST)










