News of Monday, 13th April 2026
માધવ દવેના નિવાસસ્થાને ડેમેજ કન્ટ્રોલ માટે ૧૦થી વધુ નેતાઓને બોલાવવામાં આવ્યા
ટિકીટ માટે બુથ પકડવાનું કે નેતાઓના પગ પકડવાના ? જગદિશ વિશ્વકર્માની હાજરીમાં અસંતુષ્ટોએ સટાસટી બોલાવી : નારાજ દાવેદારો સાથે જગદિશ વિશ્વકર્માએ મુલાકાત કરી? બધાને ટિકીટ આપવી શક્ય નથી, સમીકરણો પ્રમાણે નિર્ણય લેવાતો હોય છે : કાર્યકર્તાઓને કામ પર લાગી જવા પ્રદેશ અધ્યક્ષની હાકલ

રાજકોટ : મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત થયાં બાદ સ્થાનિક કક્ષાએ ભડકો થયો છે. ભાજપના અનેક નેતાઓ નારાજ થતાં પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્માની મુલાકાત દરમિયાન અસંતુષ્ટોને સાંભળીને ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેના નિવાસસ્થાને તમામ અસંતુષ્ટોને બોલાવીને તેની પીડાને પ્રદેશ અધ્યક્ષે સાંભળી હતી અને કામે લાગી જવા હાકલ કરી હતી. ટિકીટ ઇચ્છુકોએ પોતાની હૈયાવરાળ ઠાલવતા પ્રદેશ અધ્યક્ષ પણ સ્તબ્ધ થયાં હતા.
આ બેઠકમાં એક પછી એક નેતાએ પોતાની વેદના ઠાલવી હતી. સૌ પ્રથમ વાત કરીએ વોર્ડ નંબર ૭ માં થયેલા મોટા ફેરફારની.શૈલેષ જાનીએ પોતાની વેદના ઠાલવતા કહ્યું હતું કે જે થયું તે સારૂ થયું નથી.મને ટિકીટ આપી ન હોત તો મને બહુ દુઃખ ન લાગત પરંતુ આ રીતે ટિકીટ જાહેર થયાં પછી વિજય વિશ્વાસ સંમેલનમાં મારી ટિકીટ પાછી ખેંચાઇ છે તેવી જાહેરાત થઇ જે મને અપમાનજનક લાગ્યું છે. શૈલેષભાઇએ વધુમાં કહ્યું હતું કે મારો પરિવાર શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છે. હું કોલેજ ચલાવું છું હજારો વિદ્યાર્થીઓ મારા હાથ નીચે તૈયાર થયાં છે. જે ઘટના બની તેનાથી મારે ઘરેથી નીકળવું મુશ્કેલ બન્યું છે મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે.
એક નેતાએ કહ્યું હતું કે મારે ટિકીટ જોતી હોય તો મારે બુથ પકડવાનું કે નેતાના પગ પકડવા? હું કોઇ નેતા સાથે જોડાયેલો હોય તો પાર્ટીનું કામ ન કરતો હોય ? હું ધારાસભ્યને પગે લાગવા ન જાવ તો હું પ્રબળ દાવેદાર હોવા છતાં મારી ટિકીટ કાપી નાખવામાં આવે તે કેટલે અંશે યોગ્ય ?
એક નેતાએ કહ્યું હતું કે શું નિયમો બધા કાર્યકર્તાઓ માટે જ હોય છે ? એક ઉમેદવાર તે વિસ્તારમાં રહેતો નથી તેમ છતાં તે વોર્ડમાં તેની ટિકીટ જાહેર થઇ છે ત્યારે પાર્ટીને ક્રાઇટ એરિયા ક્યાં ગયો તેવી ફરિયાદો કરી હતી.
કાર્યકર્તાઓની વાત સાંભળીને પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજીએ બધુ ભુલીને કામે લાગી જવાની સૂચના આપી હતી. વિશ્વકર્માએ કહ્યું હતું કે ૧૦ હજાર જેટલા ઉમેદવારોની પસંદગી કરવાની હતી. દરેક કિસ્સામાં બધાને ન્યાય આપવો શક્ય નથી ક્યાંક ચૂક રહી જાય. ક્યારેક સંજોગો એવા હોય તો ટિકીટ આપવી મુશ્કેલી બને છે. જગદિશભાઇએ પોતાના વિસ્તારની વાત કરતા કહ્યું કે સમીકરણો અને સંતુલન જાળવવા માટે હું મારા વિસ્તારમાં મારા ટેકેદારને ટિકીટ અપાવી શક્યો નથી.
દરેક કાર્યકર્તાને વિકાસની આ યાત્રામાં જોડાઇ જવા અને સાથે રહીને મહાનગરપાલિકામાં કામે લાગી જવા માટે ઉત્સાહ વધાર્યો હતો.
વોર્ડ નંબર ૭ શૈલેષ જાની, વિક્રમ પુજારા, વોર્ડ નંબર ૩ હેમુ પરમાર, વોર્ડ નંબર ૧૩, સુરેન્દ્રસિહ વાળા, શૈલેષ ડાંગર અને નિતીન રામાણી, વોર્ડ નંબર ૧૦ વિજય પાડલિયા, હરેશ કાનાણી, વોર્ડ નંબર ૧૧ યોગેશ પાંચાણી, વોર્ડ નંબર ૧૭ જીગ્નેશ જોષી, વોર્ડ નંબર ૧૪ શૈલેષ હાપલિયા, વોર્ડ નંબર ૧૨ ધીરૂ મુંગરા.
(3:49 PM IST)










