<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

રાજકોટમાં આભમાંથી અગનગોળા: પારો 42.4 ડિગ્રીએ પહોંચતા રંગીલું શહેર ‘ભઠ્ઠી’ બન્યું

કાળઝાળ ગરમીમાં રાજકોટવાસીઓ શેકાયા; હજુ પણ તાપમાન વધવાની હવામાન વિભાગની ચેતવણી :બપોરના સમયે રસ્તાઓ સુમસામ, લૂના ફૂંકાતા વાયરાએ લોકોની મુશ્કેલીમાં કર્યો વધારો

રાજકોટ :સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે શહેરનું તાપમાન 42.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા સમગ્ર શહેર જાણે ભઠ્ઠીમાં શેકાતું હોય તેવો અહેસાસ થયો હતો. સવારના 11 વાગ્યાથી જ સૂર્યદેવતાએ આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે બપોરના સમયે રાજકોટીયનો ઘરમાં કે ઓફિસમાં કેદ થવા મજબૂર બન્યા હતા.

 હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીનો આ પારો હજુ પણ ઉપર જઈ શકે છે. લૂ (Heat Wave) ફૂંકાવાની શક્યતાઓને પગલે તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા અપીલ કરવામાં આવી છે.
આકરી ગરમીના કારણે શહેરના વ્યસ્ત ગણાતા ત્રિકોણ બાગ, યાજ્ઞિક રોડ અને કાલાવડ રોડ જેવા વિસ્તારોમાં બપોરના સમયે કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ ગરમીથી બચવા માટે શેરડીના રસ, છાશ અને ઠંડા પીણાનો સહારો લીધો હતો. પશુ-પક્ષીઓ પણ પાણીની શોધમાં વ્યાકુળ જોવા મળ્યા હતા.


 

(7:01 PM IST)