News of Tuesday, 14th April 2026
કોર્પોરેશન ચુંટણી : ભાજપ-કોંગ્રેસના ૭ર તથા આપના ૭૦ ફોર્મ માન્યઃ કાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ
કુલ ૩૧૧ ફોર્મ રદ કરાયા : કાલે બપોર બાદ દરેક આર.ઓ. પોસ્ટલ બેલેટ માટે સરકારી પ્રેસમાં દોડી જશે : કાલે બપોર બાદ પક્ષોને અને અપક્ષને પ્રતિક ફાળવાશેઃ ૧૬ મીએ સર્વીસ વોટર્સને બેલેટ મોકલાશે

રાજકોટ, તા., ૧૪: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ૧૮ વોર્ડમાં ઉમેદવારી ફોર્મની ચકાસણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ચૂંટણી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, સમગ્રપ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા ફોર્મની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસમાં ભાજપ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC), આમ આદમી પાર્ટી (AAP), બહુજન સમાજ પાર્ટી (BSP) અને અપક્ષ ઉમેદવારોના ફોર્મનો સમાવેશ થાય છે.
પક્ષવાર ફોર્મની સ્થિતિનું વિશ્લેષણ
ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલા અંતિમ આંકડા મુજબ વિવિધ પક્ષોના માન્ય અને અમાન્ય ફોર્મની વિગત આ મુજબ છે
ભાજપ : ભાજપ દ્વારા કુલ ૨૪૪ ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાંથી ૭૨ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે અને ૧૭૨ ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ (INC) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કુલ ૧૪૩ ફોર્મમાંથી ૭૨ ફોર્મ માન્ય ઠર્યા છે. જ્યારે ૭૧ ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટી (AAP) : આપ દ્વારા રજૂ કરવામાં આવેલા ૧૩૦ ફોર્મ પૈકી ૭૦ ફોર્મ માન્ય રહ્યા છે અને ૬૦ ફોર્મ અમાન્ય જાહેર થયા છે.
BSP અને અન્ય : બહુજન સમાજ પાર્ટી દ્વારા ૧૦ ફોર્મ રજૂ કરાયા હતા જે તમામ ૧૦ માન્ય રહ્યા છે. જ્યારે અન્ય અને અપક્ષ ઉમેદવારોના કુલ ૨૭ ફોર્મમાંથી ૧૯ ફોર્મ માન્ય અને ૮ ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે.
વોર્ડ મુજબ ઉમેદવારીની સ્થિતિ
શહેરના કુલ ૧૮ વોર્ડમાં ફોર્મની સંખ્યા અને તેની ચકાસણીમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે. વોર્ડ નંબર ૪ માં સૌથી વધુ ૩૯ ફોર્મ ભરાયા હતા, જેમાંથી ૧૭ માન્ય અને ૨૨ અમાન્ય થયા છે. વોર્ડ નંબર ૩ માં ૩૮ ફોર્મ રજૂ થયા હતા જેમાં ૧૪ માન્ય અને ૨૪ અમાન્ય નોંધાયા છે. સૌથી ઓછા ૨૫ ફોર્મ વોર્ડ નંબર ૧૦ અને વોર્ડ નંબર ૧૭ માં નોંધાયા છે. વોર્ડ નંબર ૧૦ માં ૧૩ માન્ય અને ૧૨ અમાન્ય ફોર્મ રહ્યા છે, જ્યારે વોર્ડ નંબર ૧૭ માં ૧૩ માન્ય અને ૧૨ અમાન્ય ફોર્મની સ્થિતિ રહી છે.
આમ, રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં કુલ ૫૫૪ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. આપ્રક્રિયાના અંતે ૨૪૩ ઉમેદવારોના ફોર્મ માન્ય ગણાયા છે અને ૩૧૧ ફોર્મ અમાન્ય ઠર્યા છે.
દરમિયાન અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે, આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. બપોરે ૩ સુધીમાં કોઇ પણ ઉમેદવાર પોતાના ફોર્મ પાછા ખેંચી શકશે. બાદમાં ફાઇનલ ચિત્ર જાહેર થશે. બપોરે ૩ વાગ્યા બાદ દરેક રીટર્નીંગ ઓફીસર પોસ્ટલ બેલેટ છાપવા માટે સરકારી પ્રેસમાં દોડી જશે. પક્ષોને પ્રતિક ફાળવી દેવાશે. અપક્ષોને ૧૪૪ માંથી પ્રતિક ફાળવાશે અને જે તે અધિકારીઓ દ્વારા બુધવાર સાંજથી અન્ય કાર્યવાહી ચાલુ થશે.
(11:41 AM IST)










