તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 6th June 2026
જીવદયાનું નાનું કાર્ય પણ અનંત પૂણ્યનું કારણ બનેઃ પૂ.નયશેખર મ.સા
ચબૂતરાના લોકાર્પણ દ્વારા જીવદયાનો સંદેશ પ્રસર્યો

રાજકોટઃ સમી તાલુકાના કાઠી ગામે પક્ષીઓની સેવા અને જીવદયાના ઉત્તમ ભાવને ઉજાગર કરતું ચબૂતરાનું લોકાર્પણ કાર્યક્રમ માનવતાના મસીહા પ.પૂ.આ.ભ. શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશીર્વાદથી તથા પ.પૂ. મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું.આ ચબૂતરાના નિર્માણનો લાભ સંઘવી કાંતિલાલ ચુનીલાલ સંઘવી પરિવાર દ્વારા પુત્રી ક્રિયાના જન્મદિવસ નિમિત્તે લેવામાં આવ્યો હતો.
પૂ. મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબે જીવદયાના મહિમા અંગેજણાવ્યું હતું કે, જીવમાત્ર પ્રત્યે કરુણા અને દયાભાવ જૈન ધર્મનું હૃદય છે. પક્ષીઓ માટે ચબૂતરાનું નિર્માણ એ માત્ર એક સેવા કાર્ય નથી,પરંતુ અસંખ્ય અબોલ જીવોના જીવનનું રક્ષણ કરવાનો પવિત્ર ઉપક્રમ છે.આવા કાર્યો દ્વારા માનવમાં સંવેદના,કરુણા અને પરોપકારની ભાવના વિકસે છે. જીવદયાનું એક નાનું કાર્ય પણ અનંત પુણ્યનું કારણ બને છે.
કાર્યક્રમમાં ગોસ્વામી માનપુરીબાપુ, કાઠી ગામના સરપંચ અમિતભાઈ ચુડાસમા, ભરતપુરી ગોસ્વામી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત કાઠી ગામના ગ્રામજનો એ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
(3:53 PM IST)










