તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છેઃ બાગેશ્વર બાબા
રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમંત કથા અને દિવ્ય દરબારની ભવ્ય પૂર્ણાહુતિ : સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત ત્રિદિવસીય ‘સનાતન સેતુ હનુમંત કથા'નું ગઈકાલે રાજકોટમાં સમાપન *પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાષીએ ભક્તોને વ્યક્તિગત પૂજાના બદલે સંસ્થા અને આશ્રમ સાથે જોડાવા કર્યો ખાસ અનુરોધ *કથા પૂર્વે લોક ડાયરામાં બિરજુ બારોટ અને દેવ ભટ્ટે જમાવટ કરીઃ હજારોની જનમેદની ભક્તિભાવમાં લીન *‘સ્વચ્છ રાજકોટ' ટીમે વિના મૂલ્યે સફાઈ ઝુંબેશ ચલાવી લોકોને 'સસ્ટેનેબલ લિવિંગ' નો સચોટ સંદેશ આપ્યો

રાજકોટ, તા.૮: શહેરના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત ત્રિદિવસીય 'સનાતન સેતુ હનુમંત કથા' અને 'દિવ્ય દરબાર'ની ગઈકાલે ૭ જૂનના રોજ ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી. ડિજિટલ મીડિયાના અહેવાલો અનુસાર, ત્રણ વર્ષ બાદ રાજકોટ પધારેલા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાષીજી (જેઓનો ઉલ્લેખ વાઘેશ્વર ધામના વિરેન્દ્ર શાસ્ત્રી તરીકે પણ થાય છે ને સાંભળવા માટે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને ધર્મલાભ લીધો હતો.
દિવ્ય દરબારમાં બાબાના પ્રેરણાદાયક સંદેશાઓઃ ગઈકાલે કથાના ત્રીજા અને અંતિમ દિવસે આયોજિત ભવ્ય દિવ્ય દરબારમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા ધીરેન્દ્ર શાષીએ સનાતન ધર્મ, શ્રદ્ધા અને સમર્પણ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં હિન્દુત્વની વ્યાખ્યા કરતા ગર્જના કરી હતી કે, ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે.
આ ઉપરાંત તેમણે ભક્તોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે દિલ અને સપનામાં વાસઃ પ્રભુ સપનામાં હોય કે દિલની અંદર, તે હંમેશા આપણી સાથે જ છે.
આશ્રમ દ્વારા આશ્વાસનઃ અનુયાયીઓની ચિંતા દૂર કરતા તેમણે આશ્વાસન આપ્યું કે, આજથી તમારી સમસ્યા તમારી નથી, પરંતુ અમારા આશ્રમની છે.
સંસ્થા સાથે જોડાણઃ અમારા (વ્યક્તિગત) ચક્કરમાં ન પડો, આશ્રમના ચક્કરમાં પડો અને સંસ્થાની સેવામાં જોડાવ.
હનુમાનજીનો મહિમાઃ હનુમાનજીનું નામ જ સંકટમોચન છે, તેમ જણાવીને તેમણે હનુમાનજીની ભક્તિ અને નામ સ્મરણનો અદભુત મહિમા વર્ણવ્યો હતો.
સ્વચ્છ રાજકોટ ટીમની અમૂલ્ય સેવા અને ‘સસ્ટેનેબલ લિવિગ' નો મેસેજઃ આટલા મોટા પાયે યોજાયેલી કથામાં સ્વચ્છતા જાળવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
‘સ્વચ્છ રાજકોટ' ટીમ દ્વારા કથાના ત્રણેય દિવસ વિના મૂલ્યે અદભુત સફાઈ કામગીરી કરવામાં આવી હતી. સ્વયંસેવકોએ દરરોજ રાત્રે કથા પૂર્ણ થયા બાદ આખું મેદાન સ્વચ્છ કર્યું હતું. તેમણે ભીનો અને સૂકો કચરો અલગ-અલગ રાખવા, કચરો હંમેશા ડસ્ટબિનમાં જ નાખવા અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા સૌને પ્રેરિત કર્યા હતા.
ટીમ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે બને તેટલી ઓછી વસ્તુઓનો ઉપયોગ કરીને ઓછો કચરો ઉત્પન્ન કરીએ અને ‘સસ્ટેનેબલ લિવિગ' (ટકાઉ જીવનશૈલી) અપનાવીએ. જળ, જમીન અને પર્યાવરણનું જતન કરવું એ આપણી સામૂહિક જવાબદારી છે. કુદરતી સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીને આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય નિર્માણ કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. રાજકોટ આપણું ઘર છે, તેથી તેને સ્વચ્છ, સુંદર અને પર્યાવરણમૈત્રી બનાવવામાં સૌ સાથે મળીને યોગદાન આપીએ તેવો મત વ્યક્ત કરાયો હતો.
લોક ડાયરાની શાનદાર જમાવટઃ દિવ્ય દરબારના પ્રારંભમાં ભક્તિમય માહોલ ઊભો કરવા માટે પ્રખર લોક સાહિત્યકાર દેવ ભટ્ટ સિગર ટીમ સાથે ખ્યાતનામ કલાકાર બિરજુ બારોટ દ્વારા લોક ડાયરાની શાનદાર જમાવટ કરવામાં આવી હતી. ભજનો અને સંતવાણી સાંભળીને ઉપસ્થિત મેદની મંત્રમુગ્ધ બની ગઈ હતી.
રાજકોટમાં ભારે ઉત્સાહ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ખુલ્લા આમંત્રણ સાથે યોજાયેલ આ દિવ્ય દરબાર અને હનુમંત કથા રાજકોટવાસીઓ માટે એક યાદગાર આધ્યાત્મિક અનુભવ બની રહી હતી.
આયોજનને સફળ બનાવવા મુખ્ય આયોજક સમિતિના અધ્યક્ષ જાણીતા ઉદ્યોગપતિ કિશોરભાઈ ખંભાયતા, રાજેશભાઈ પીલાઈ, વિક્રમસિંહ પરમાર, રમેશભાઈ શિંગાળા, મંગેશભાઈ દેસાઈ, ડેનિસભાઈ આડેસરા, વિજયભાઈ પારખીયા, જયેશભાઈ સંઘાણી સહિતનાએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(11:28 AM IST)










