તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
કાળઝાળ મોંઘવારીમાં ૩ મહિનામાં બીજી વખત રસોઈ ગેસના ભાવ વધ્યા ગેસનો બાટલો રૂા. ૯૪૩એ પહોંચ્યો
છેલ્લા પાંચ વર્ષમાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ૩૫૦ રૂપિયાનો તોતિંગ વધારો, રાંધણ ગેસના બાટલામાં એક વર્ષમાં રૂા. ૮૯નો વધારો, મોંઘવારીના પગલે ગૃહિણીઓને દાઝયા પર ડામ સમાન વધારો

રાજકોટ : લોક સંસદ વિચાર મંચના મહિલા આગેવાનો જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) હેમાબેન કક્કડ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, રજનીબેન આસવાણી (મહિલા પ્રમુખ ઓમ સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ), સરલાબેન પાટડીયા, કૈલાશબેન વાઘેલા, પ્રફુલાબેન ચૌહાણ, જશુબા વાંક, પદ્માબા ચૌહાણની સંયુક્ત યાદી જણાવે છે કે, સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ વધુ એક વાર જીકવામાં આવ્યો છે. શનિવારે મોડી રાત્રે સરકારી તેલ કંપનીઓએ રસોઈ ગેસ (એલપીજી) સિલિન્ડરની કિંમતમાં રૂા. ૨૯ નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ૧૪.૨ કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં ત્રણ મહિનામાં આ બીજી વખતનો ભાવ વધારો છે. ત્રણ મહિનામાં બાટલો રૂા. ૮૯ મોંઘો થયો છે.
છેલ્લા પાંચ વર્ષમાં ૧૪.૨ કિલો એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણો વધારો થયો છે સરકાર દર મહિને આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ રેટ બદલે છે. પરંતુ આમ જનતાને કયારેય કોઈ વસ્તુ સસ્તી થતી નથી. દર વર્ષે બજેટમાં સસ્તુ થવાની જાહેરાત છેતરામણી સાબિત થાય છે. જીએસટીમાં ઘટાડો અને અમુક વસ્તુઓમાં જીએસટી નાબૂદ કરતા પ્રજાને એમ હતું કે હવે મોંઘવારી ઘટશે. પરંતુ જીએસટીનો ઘટાડો પછી પણ આમ પ્રજાને મળતી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અતિ મોંઘી થઈ રહી છે. સપ્ટેમ્બર ૨૦૨૦ આસપાસ રૂા. ૫૯૪-૬૫૦ બેસ લેવલ, માર્ચ ૨૦૨૪ રૂા.૮૦૩, એપ્રિલ ૨૦૨૫ રૂા. ૮૫૩ રૂા.૫૦ વધારો થયો, ૭ માર્ચ ૨૦૨૬ રૂા. ૯૧૩ રૂા.૬૦ નો વધારો થયો, ૭ જૂન ૨૦૨૬ રૂા. ૯૪૨ રૂા.૨૯નો વધારો થયો. ઘટાડવાની વાત આવતી જ નથી. સરકાર કર કરસરયુક્ત વહીવટ કરે, પ્રધાનમંત્રી અને મંત્રીઓના રજવાડી ઠાઠ ઓછા કરે, વિદેશ પ્રવાસો બંધ કરે, સરકારી કંપનીઓ એજન્સીઓ પર સોલાર રુફ ટોપ અપનાવે, સ્વ પ્રસિદ્ધિ માટેની કરોડો રૂપિયાની જાહેરાતો બંધ કરે, સરકાર પોતાના તાયફાઓ બંધ કરી આમ પ્રજાને મોંઘવારીમાં રાહત આપે.
જે રીતે મોંઘવારીનો ગ્રાફ ઊંચો આવી રહ્યો છે અને રસોડા સુધી દરેક વસ્તુ જ્યારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સતત મોંઘી થઈ રહી છે. ‘અચ્છે દિન'નું ટેટુ છેતરામણુ સાબિત થયું છે. પ્રજાના ‘અચ્છે દિન'ના સપનાઓ ચકનાચુર થયા છે. યુપીએ શાસનમાં રાંધણ ગેસના બાટલામાં નજીવા વધારા સાથે આંદોલન કરનારા મહિલા આગેવાનો હાલ ભૂગર્ભમાં જતા રહ્યા છે. ત્યારે આજ રીતે તો મોંઘવારી બેકાબુ બનતી રહેશે તો સરકારને મહિલાઓ ૨૦૨૭માં તેનું ભાજપને તેનું અસલી સ્થાન કયાં છે તે બતાવી દેશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.
(11:31 AM IST)










