તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
જૈન દેરાસરમાંથી રાજસ્થાની ઓફિસબોય તન્નુએ ચાંદી-રોકડ મળી ૪૩.૨૭ લાખની મત્તા ચોરી લીધી
પેલેસ રોડ વર્ધમાનનગરમાં બનાવઃ દોઢ વર્ષથી નોકરી કરતો હતોઃ માલદાર થવાની લાલચે ચોરી કરી : એ-ડિવીઝન પોલીસમાં ટ્રસ્ટી હેમંતભાઇ શાહની ફરિયાદઃ પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ ઝાલા અને ટીમે આરોપીને સકંજામાં લીધોઃ રોકડ-ચાંદી કબ્જે કરવા તજવીજ

રાજકોટ તા. ૮: શહેરના પેલેસ રોડ પર વર્ધમાનનગરમાં આવેલા જૈન દેરાસરમાં દોઢ વર્ષથી ઓફિસબોય તરીકે નોકરી કરતાં મુળ રાજસ્થાનના શખ્સે નોકરી વખતે ચાર એપ્રિલથી સત્તરમી મે સુધીના ગાળામાં કટકે કટકે દેરાસરમાંથી ચાંદીના દાગીના, રોકડા મળી કુલ ૪૩,૨૭,૨૦૦ની મત્તા ચોરી લેતાં ચકચાર મચી ગઇ હતી. ઓફિસબોય ચોરી કરતો હોઇ તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં ટ્રસ્ટીએ જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ઓફિસ બોયએ સ્ટ્રોંગ રૂમના કબાટમાંથી ચાંદીના ચોરસા, ચાંદીની થાળી, ચાંદીના સિક્કા મળી ૧૩.૮૪૦ કિલોગ્રામ ચાંદી રૂા. ૩૫,૨૭,૨૦૦નું અને ૮ લાખ રોકડા ચોરી લીધા હતાં.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે શ્રોફ રોડ પર કોર્પોરેશનની લાયબ્રેરીની નજીક અરહમ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતાં અને પેલેસ રોડ વર્ધમાનનગર-૧/૩ ખાતે આવેલા જૈન દેરાસર ખાતે શ્રી જૈન શ્વેતાંબર મુર્તિપુજક તપગચ્છ સંઘ નામે ટ્રસ્ટ ચલાવતાં હેમંતભાઇ ઇન્દુલાલભાઇ શાહ (ઉ.વ.૭૧)ની ફરિયાદ પરથી આ દેરાસરમાં છેલ્લા દોઢેક વર્ષથી ઓફિસબોય તરીકે કામ કરતાં મુળ રાજસ્થાન ચિત્તોડગઢના બેગુ તાબેના આમલ્દા ગામના વતની તન્નુ ભગવતીપ્રસાદ આમેટા (ઉ.વ.૨૫) વિરૂધ્ધ જૈન દેરાસરમાંથી કટકે કટકે રૂા. ૪૩,૨૭,૨૦૦ની ચોરી કરવા અંગે ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે. મોજશોખ માટે રૂપિયાની જરૂર હોઇ લાલચ જાગતાં દેરાસરમાંથી કટકે કટકે હાથફેરો કર્યાનું રટણ કર્યુ હતું.
હેમંતભાઇ શાહે ફરિયાદમાં જણાવ્યું છે કે આ દેરાસરમાં કુલ સાત ટ્રસ્ટી છે જેમાં બે ટ્રસ્ટી પરેશભાઇ સાપરીયા, પરેશભાઇ શેઠ મુંબઇ રહે છે અને બીજા પાંચ ટ્રસ્ટીમાં હું, તથા રાજકોટના હેમંતભાઇ સાપરીયા, પ્રકાશભાઇ શાહ, અશ્વીનભાઇ મહેતા અને પ્રવિણભાઇ દોશી છે. અમે બધા સાથે મળી દર ત્રણ મહિને દેરાસરમાં આવેલા દાનનો હિસાબ કરીએ છીએ. તા. ૩૧/૫ના રોજ હિસાબ કરવા રાજકોટના પાંચ ટ્રસ્ટીઓ ભેગા થયા હતાં. ત્યારે ચોરી થયાની ખબર પડી હતી.
ઓફિસના સ્ટ્રોંગ રૂમની અંદર આવેલા લોખંડના કબાટના ખાના તપાસતા, તેમાં રાખેલી ચાંદી અને રોકડ રકમ ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું. સ્ટ્રોંગ રૂમના કબાટમાંથી ચાંદીના ચોરસા, ચાંદીના સિક્કા તથા ચાંદીની ૧ થાળી કુલ વજન ૧૩.૮૪૦ કિલોગ્રામ, અંદાજિત કિંમત રૂા. ૩૫,૨૭,૨૦૦, રોકડા રૂપિયા ૮ લાખ મળી કુલ રૂા. ૪૩,૨૭,૨૦૦ની મત્તા ગાયબ જણાઇ હતી.
કબાટમાંથી મોટી માત્રામાં ચાંદી અને રોકડ ગાયબ જણાતા ટ્રસ્ટીઓએ ઓફિસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. ફૂટેજ જોતા માલુમ પડ્યું કે દેરાસરમાં છેલ્લા દોઢ વર્ષથી ઓફિસ બોય તરીકે કામ કરતો તન્નુ ભગવતીપ્રસાદ આમેટાએ આ ચોરી કરી છે. તન્નુ તારીખ ૦૪/૦૪/૨૦૨૬ થી તારીખ ૧૭/૦૫/૨૦૨૬ સુધીના અલગ-અલગ સમયે સ્ટ્રોંગ રૂમના કબાટમાંથી ચોરી કરતો દેખાયો હતો. તે દાનમાં આવેલી ચાંદી અને રોકડ રકમ ચોરી છૂપીથી લઈ જતો ફૂટેજમાં નજરે ચડયો હતો.
આરોપી તન્નુ આમેટાને અગાઉ મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા હરેશભાઈ ગોપીલાલજી આમેટાની ભલામણથી માસિક ૧૫,૦૦૦ના વેતનથી નોકરી પર રાખવામાં આવ્યો હતો. ગત તારીખ ૧૮/૦૫/૨૦૨૬ના રોજ તે પોતાના વતન જવા માટે એક અઠવાડિયાની રજા લઈને ગયો હતો, પરંતુ ત્યારબાદ તે નોકરી પર પરત ફર્યો નહોતો. ટ્રસ્ટીઓએ તેને અવારનવાર ફોન કરવા છતાં તેણે ફોન ઉપાડ્યો ન હતો. આથી તે ચોરી કરી ગયાનું સ્પષ્ટ થયું હતું. એ-ડિવીઝન પીઆઇ જે.વી. વાઢીયાની રાહબરીમાં હેડકોન્સ. વાય. એમ. ગોહિલે ગુનો દાખલ કરતાં વધુ તપાસ પીએસઆઇ એ. એમ. ઝાલાએ હાથ ધરી હતી. આરોપીને રાજસ્થાનથી હસ્તગત કરી મુદ્દામાલ રિકવર કરવા તજવીજ શરૂ થઇ છે.
પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને સોંપી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસની અલગ-અલગ ટીમો રાજસ્થાન તરફ રવાના થઈને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. અંતે તે હાથમાં આવી જતાં તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે કરવા વિશેષ તપાસ યથાવત રખાઇ છે.
(2:33 PM IST)










