તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
ધો-૧૦ની છાત્રાને ભગાડી ભુવાએ દેહ પણ પીંખ્યોઃ બનાસકાંઠાના ખેતરમાંથી રાજકોટ પોલીસે દબોચ્યો
ᅠᅠલોકેશન ન મળે એ માટે ફોન પણ રાખતો નહિઃ પોલીસે રાતે દરોડો પાડતાં બાળાનો હાથ પકડી ભાગ્યોઃ એએસઆઇ અજયભાઇ શુક્લા, હેડકોન્સ. જીજ્ઞેશભાઇ મારૂ, હરસુખભાઇ વાછાણીએ ફિલ્મી ઢબે પીછો કરી પકડી લીધોઃ તાલુકા પોલીસને સોંપાયો બાળા બોર્ડની પરિક્ષા આપવા ગઇ ત્યારે આત્મીય સ્કૂલ પાસેથી ગૂમ થઇ હતીઃ ભુવો ફસાવીને ભગાડી ગયાની શંકા દર્શાવાઇ હતીઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં એએચટીયુના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ બી. વી. ચુડાસમાની ટીમની કામગીરી તાલુકા પોલીસે ભુવા પ્રભાજી ઠાકોરની આકરી પુછતાછ કરીઃ જેલહવાલે થયો

રાજકોટ તા. ૮: સગીરાના અપહરણના ગુન્હામાં આરોપીને શોધી કાઢવામાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમને સફળતા મળી છે. ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપવા ગયા બાદ લાપતા બનેલી ૧૫ વર્ષની સગીરાને પોલીસે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાંથી સહીસલામત શોધી કાઢી છે અને અપહરણ કરનાર કહેવાતા ભુવાને પણ દબોચી લીધો છે. એએચટીયુની ટીમ ખેતર વિસ્તારમાં રાતે વેશપલ્ટો કરીને ત્રાટકતાં ભુવો સગીરાનો હાથ પકડીને ભાગ્યો હતો. પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી પકડી લીધો હતો. બંનેને તાલુકા પોલીસને સોંપતા ૩૧ વર્ષના આ ભુવાએ અપહૃત સગીરા સાથે શરીરસંબંધ બાંધ્યાનું ખુલતાં પોક્સોની કલમ ઉમેરી કોર્ટમાં રજૂ કરતાં તે જેલહવાલે થયો છે.
આ બનાવમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ અપહરણનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદીની ૧૫ વર્ષની સગીર વયની દીકરી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપવા આત્મીય સ્કૂલ ખાતેના પરિક્ષા કેન્દ્ર ખાતે ગઇ હતી. તેના પિતા જ તેને અહિ મુકીને ગયા હતાં. પરંતુ પરીક્ષા પુર્ણ થયા બાદ પણ તે પરત ન ફરતા તપાસ કરતાં તેણીએ પરિક્ષા આપવા ગઇ ન હોવાનું અને દરવાજેથી જ નીકળી ગયાનું સામે આવ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં પણ આ દ્રશ્યો દેખાયા હતાં. આ પછી શોધખોળ છતાં પત્તો ન મળતાં પિતાએ તાલુકા પોલીસમાં જાણ કરતાં પોલીસે સગીર ગુમ થવાના કિસ્સામાં અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
આ તમામ ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા માટે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને ખાસ સુચના આપવામાં આવી હતી. જેને પગલે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટનો સ્ટાફ ભોગ બનનારને શોધવા માટે કાર્યરત થયો હતો. તપાસ દરમિયાન ટેકનિકલ એનાલીસીસ અને હ્યુમન રિસોર્સિસના આધારે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને ચોક્કસ માહિતી મળી હતી કે ભોગ બનનાર સગીરા અને શંકમદ આરોપી પ્રભાજી ફુલાજી ઠાકોર ઉર્ફે ભુવો હાલ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેથા ગામની સીમમાં છે.
માહિતી મળતા જ યુનીટની એક ટીમ તાત્કાલિક મુડેથા ગામની સીમમાં પહોંચી હતી. પરંતુ શંકમદ આરોપી પ્રભાજી ઠાકોર ઉર્ફે ભુવો ખુબ જ શાંતિર દિમાગનો અને ચાલાક હોવાથી પોલીસની ભનક ન લાગે તે માટે યુનીટના માણસોએ તાત્કાલિક વેશપલટો કર્યો હતો. વેશપલટો કરી વોચ ગોઠવ્યા બાદ બાજરાના ખેતરમાં સંતાયેલા આરોપી પ્રભાજી ફુલાજી ઠાકોર (ઉ.વ.૩૧-રહે. ગામ ગનવાળા, તા. સિધ્ધપુર જી. પાટણ)ને પોલીસે દબોચી લીધો હતો અને સગીરાને મુક્ત કરાવી હતી. જો કે પકડાયા પહેલા પ્રભાજી ઉર્ફે ભુવો સગીરાને લઇ દોટ મુકી ભાગતાં એએસઆઇ અજયભાઇ શુક્લા, હેડકોન્સ. જીજ્ઞેશભાઇ મારૂ, હરસુખભાઇ વાછાણીએ પીછો બંનેને પકડી લીધા હતાં.
આરોપી અને બાળાને તાલુકા પોલીસને સોંપાતા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ બી. આર. ભરવાડ અને ટીમે ભુવા પ્રભાજી ઠાકોરની ધરપકડ કરી પુછતાછ કરી હતી. તેણે બાળાને ભોળવીને શરીર સંબંધ બાંધી લીધા હોઇ પોક્સોની કલમ ઉમેરાઇ હતી. કોર્ટમાં રજુ કરાતાં તે જેલહવાલે થયો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ અજયકુમાર શુક્લા, હેડકોન્સ. જીજ્ઞેશભાઇ મારૂ, હરસુખભાઇ વાછાણી, હસમુખભાઇ બાલધા, કોન્સ. મહેશ ગણેશપ્રસાદ, જ્યોતીબેન બાબરીયા, ડ્રા.કોન્સ. સુર્યકાંતભાઇએ આ કામગીરી કરી હતી.
(3:04 PM IST)










