<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

બાબા બાગેશ્વરના દરબારમાં ધુણતાં મહિલાની પત્રકાર સાથે બટાઝટીઃ પત્રકારે જયશ્રી રામ બોલી પ્રહાર કરતાં જ મહિલા ‘શાંત' થઇ ગયા!?

પત્રકારે કહ્યું-ધુણતા મહિલા પહેલા યજમાનના પંડાલ તરફ ગયા ત્‍યાં કંઇ ન કર્યુ, પછી બોડીગાર્ડ સાથે ધક્કામુક્કી કરી પછી મારી સાથે બે વખત ઝપાઝપી કરી, મોબાઇલ ઝુંટવવા પ્રયાસ કર્યોઃ ત્રીજી વાર પ્રહાર કરતાં વળતો સામનો કર્યો

રાજકોટઃ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે યોજાયેલી બાગેશ્વરધામના શાષાી ધીરેન્‍દ્ર પ્રસાદની હનુમંત કથાના ત્રીજા દિવસે એટલે કે ગઇકાલે રવિવારે દિવ્‍ય દરબાર યોજાયો હતો. જેમાં શરૂઆતથી અંત સુધી બાબા બાગેશ્વર દ્વારા અરજીઓના નિવારણ કરવામાં આવ્‍યા હતાં. અલગ અલગ લોકોએ પોતાના પ્રશ્નો બાબા સમક્ષ બેસીને રજૂ કર્યા હતાં અને બાબાએ તેમનું નિવારણ પણ કર્યુ હતું. પરંતુ આ દિવ્‍ય દરબારના અંતમાં જ્‍યારે બાબાએ આહવાન કર્યુ તે સાથે જ પંદરથી વીસ લોકો ધુણતા ધુણતા પંડાલમાંથી આગળ આવી ગયા હતાં. જેમાં મહિલાઓ, પુરૂષો અને એકાદ બે બાળક પણ સામેલ હતાં. આ બધા ધુણતાં હતાં ત્‍યાં સુધી તો વાંધો નહોતો પણ એક મહિલા ધુણતા ધુણતાં પત્રકાર સાથે ઝપાઝપી પર ઉતરી આવતાં ભારે બટાઝટી બોલી ગઇ હતી.

ઘટના જેમની સાથે બની તે સંદેશ ન્‍યુઝ ચેનલના પત્રકાર મયુરભાઇ સોનીએ જણાવ્‍યું હતું કે-બાબાના આહવાન બાદ અનેક મહિલા, પુરૂષો ધુણવા માંડયા હતાં. એક મહિલા ધુણતા ધુણતા પહેલા તો યજમાન જ્‍યાં બેઠા હતાં ત્‍યાં ગયા હતાં પણ ત્‍યાં કોઇને કંઇ કર્યુ નહોતું. બાદ તેણે ગાર્ડ સાથે ધક્કામુક્કી કરી હતી. આ પછી અચાનક જ આ મહિલા જાણે અગાઉથી નક્કી હોય તેમ મારી સામે આવી ગયા હતાં અને મારી સાથે બે વખત ઝપાઝપી કરી હતી. તેનામાં કદાચ પ્રેત પ્રવેશ કર્યુ હોઇ શકે તેમ સમજીને મેં શરૂઆતમાં કંઇ કર્યુ નહોતું. મેં તેનું વિડીયો શુટીંગ ચાલુ રાખ્‍યું હતું. આ પછી અચાનક તેણે ત્રીજી વખત મારી સામે આવી પ્રહાર કર્યો હતો અને મોબાઇલ ફોન કે જેનાથી શુટીંગ કરતો હતો તે કોઇપણ કારણોસર ઝૂંટવી લેવા પ્રયાસ કરી બટાઝટી બોલાવતાં મેં પણ સામે પ્રહાર કર્યો હતો.

મયુરભાઇએ કહ્યું કે-મહિલામાં પ્રેત હોવાની વાતે મેં જયશ્રી રામ બોલીને વળતો પ્રહાર કર્યો હતો. આ વખતે બાબાના ગાર્ડ દ્વારા આ મહિલામાં પ્રેત હોવાની વાત કરવામાં આવી હતી, પછી બીજી જ ક્ષણે એ મહિલા સ્‍વસ્‍થ થઇ ગયા હતાં અને હવે તેનામાં કોઇ પ્રેત નહિ હોવાનું મને કહેવાયું હતું. એક તબક્કે તો એવુ લાગ્‍યું હતું કે કદાચ મહિલાનું વિડીયો શુટીંગ થતું હોઇ તેનાથી નારાજ થઇ તેણે હુમલાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ ત્રણ વખત પત્રકારને નિશાન બનાવાતાં અંતે પત્રકારે જયશ્રી રામના નારા સાથે પ્રહાર કરતાં જ પ્રેત-ભુત શાંત થઇ ગયું હતું. તેમ વધુમાં મયુરભાઇ સોનીએ કહ્યું હતું. બટાઝટીની તસ્‍વીરો ખુબ વાયરલ થઇ હતી. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:04 PM IST)