તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
કોટેચા ચોકની માથાના દુઃખાવારૂપ ટ્રાફીક સમસ્યા નિવારવા હાથ ધરાયો સર્વે : નિર્મલા રોડથી સૌરાષ્ટ્ર હાઇસ્કુલ-કાલાવડ રોડ તરફનો ટ્રાફીક અન્ડરબ્રીજ તરફ ડાયવર્ટ કરાયો

રાજકોટઃ શહેરના મુખ્ય સર્કલો ઉપર અવાર નવાર સર્જાતા ટ્રાફીક જામની સમસ્યા જો સૌથી વધુ કયાય સર્જાતી હોય તો તે કોટેચા ચોકમાં છે. આ સ્થળે સર્કલ નાના-મોટા કરી ક્રોસ થતા વાહનોનો જામ ન સર્જાય તેવા પ્રયત્નો થઇ ચુકયા છતાં આ સમસ્યાનો હલ મળતો નથી. આ વચ્ચે ટ્રાફીક પીઆઇ લાલીવાલ દ્વારા નિર્મલા કોન્વેન્ટથી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ અને કાલાવડ રોડ તરફ જતા વાહનો મહિલા કોલેજ અન્ડરપાસથી પસાર થઇ યુ ટર્ન લઇ કાલાવડ રોડ પર આવે તે માટે હંગામી વ્યવસ્થા કરી સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ગઇકાલથી કોટેચા ચોકમાં નિર્મલા કોન્વેન્ટથી આવતા વાહનો ચોક ક્રોસ કરે નહિ તે માટે બેરીકેડ રાખી દેવાયા છે. રાજકોટના વાહન ચાલકોમાં ટ્રાફીક સેન્સનો અભાવ છે તેવું બુધ્ધિજીવીઓ માની રહયા છે. અમદાવાદ, વડોદરા, સુરત જેવા સીટીમાં એક તરફથી બીજી તરફ જવા માટે લાંબુ અંતર કાપી યુ ટર્ન લેવો પડે છે. જયારે રાજકોટમાં આવી વ્યવસ્થાને ફોલો કરવા વાહન ચાલકો ટેવાયેલા નથી. પરંતુ ટ્રાફીક નિયમન માટે લોકો જાગૃત બની પોતપોતાની લેનમાં વાહનો ચલાવે, ટ્રાફીક સીગ્નલ ઉપર વાહનો થોભાવે ત્યારે ત્રીજીલાઇન ખુલ્લી રાખે, રેડ, ગ્રીન, યલો સીંગ્નલનું ચુસ્તપણે પાલન કરે અને ટ્રાફીક પોલીસે ગોઠવેલી વ્યવસ્થા મુજબ ચાલે તો શહેરની ટ્રાફીક સમસ્યા ધીમે ધીમે હળવી બની શકે તેમ છે. માટે કોટેચા ચોકમાં પોલીસ દ્વારા ઉભી કરાયેલી હંગામી વ્યવસ્થા અને સર્વે દરમિયાન વાહન ચાલકો પોલીસને સહકાર આપે તે જરૂરી બની ગયું છે. આ સર્વે થકી પીકઅવર્સ દરમિયાન જ બેરીકેડ રાખવા કે કાયમી ધોરણે ડીવાઇડર ઉભુ કરી ટ્રાફીક અન્ડરબ્રીજ તરફ ડાયવર્ટ કાયમ માટે કરવો તેનું તારણ કાઢવા પોલીસ મથી રહી છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)
(3:17 PM IST)










