તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
સરકારી નિયમોના ચક્કરમાં કંડક્ટર બનવા ઈચ્છુક હજારો યુવાનોનું ભવિષ્ય અદ્ધરતાલઃ ફર્સ્ટ એડ સર્ટિફિકેટના વેઇટિંગે ચિંતા વધારી
૭ જુલાઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ રેડક્રોસ કહે છે, ‘દોઢ મહિના પછી સર્ટિફિકેટ મળશે!': ‘પહેલા ફોર્મ ભરવા દો, પરીક્ષા વખતે સટિફિકેટ જોઈ લેજો'ની ઉમેવારોની કલેક્ટરને આર્તનાદ ભરી રજૂઆત

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ રાજ્યના બેરોજગાર યુવાનો માટે કંડક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સરકારી વહીવટી તંત્રની ઢીલી નીતિ અને વિરોધાભાસી નિયમોના કારણે હજારો અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કંડક્ટરની ભરતીનું ફોર્મ ભરવા માટે રેડક્રોસ સોસાયટીનું ‘ફર્સ્ટ એડ સર્ટિફિકેટ' અને તેના આધારે આરટીઓ દ્વારા અપાતું ‘કંડક્ટર લાયસન્સ' ફરજિયાત છે. ઓનલાઈન ફોર્મમાં લાયસન્સ નંબર નાખ્યા વગર પ્રક્રિયા આગળ વધતી નથી. બીજી તરફ, રેડક્રોસ સોસાયટીમાં હાલમાં આ સર્ટિફિકેટ માટે લાંબુ વઇેટિંગ ચાલી રહ્યું છે અને અધિકારીઓ દોઢ મિહના પછી સર્ટિફિકેટ આપવાની વાત કરી રહ્યા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૭ જુલાઈ હોવાથી ઉમેદવારોના માથે ઉમેદવારી ગુમાવવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
યુવાનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ મોંઘવારીના જમાનામાં કંડક્ટરની ભરતીનું ફોર્મ ભરવા માટે એક સામાન્ય મધ્યમવર્ગીય વિદ્યાર્થી દીઠ રૂ. ૩,૦૦૦ થી ૪,૦૦૦ નો માતબર ખર્ચ થઈ રહ્યો છે. આ ઉપરાંત એફિડેવિટ (સોગંદનામું) અને અન્ય દસ્તાવેજો પાછળનો ખર્ચ અલગ છે. આટલો આર્થિક બોજ વેઠ્યા પછી પણ સરકારી તંત્રના અણઘડ આયોજનને કારણે ફોર્મ ભરી શકાતું નથી, જે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા સમાન છે. સમગ્ર મામલે મુશ્કેલીમાં મુકાયેલા અરજદારોના એક બહોળા જૂથે કલેક્ટર કચેરી ખાતે દોડી જઈને મૌખિક રજૂઆત કરી હતી. યુવાનોએ સરકાર સમક્ષ માગણી કરી છે કે હાલ પૂરતી ઓનલાઈન ફોર્મમાં લાયસન્સ નંબર વગર જ ફોર્મ સબમિટ કરવાની છૂટ આપવામાં આવે. ઉમેદવારોને પરીક્ષા આપવા દેવામાં આવે અને જ્યારે રેડક્રોસમાંથી સર્ટિફિકેટ આવી જાય ત્યારે તે ફોર્મ સાથે જોડવાની મંજૂરી મળે. જો સરકારને યોગ્ય લાગે તો, જે ઉમેદવાર ફર્સ્ટ એડ સર્ટિફિકેટ રજૂ કરે તેને જ પરીક્ષા ખંડમાં બેસવા દેવામાં આવે, પરંતુ અત્યારથી ફોર્મ ભરતા વંચિત ન રાખવામાં આવે.
તસ્વીરમાં બેરોજગાર યુવાનો વિશ્વદિપસિંહ રાયજાદા, નિશિત લાંઘણોજા, વિરેન્દ્રસિંહ ઝાલા, હરેશ ઘોળકીયા, સંદિપસિંહ પરમાર,ઇમરાન દલ, સંજય કાટોળીયા, યશ ભેવલીયા અને હાર્દિક રબારી નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
બેરોજગાર યુવાનો સાથે જિલ્લા આરોગ્ય અધિકારીનું તોછડુ વર્તન
રાજકોટઃ એક તરફ યુવાનો પોતાના ભવિષ્યની ચિંતામાં કલેક્ટર કચેરીના ચક્કર કાપી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારી બાબુઓ પોતાની એસી કેબિનમાં બેસીને સંવેદનહીનતાની હદ વટાવી રહ્યા છે. કલેક્ટરને રજૂઆત કર્યા બાદ આશા સાથે જ્યારે ઉમેદવારોનું ડેપ્યુટેશન જિલ્લા આરોગ્ય અધિકારી પાસે રજૂઆત કરવા પહોંચ્યું, ત્યારે સાહેબે મદદ કરવાની કે સાંત્વના આપવાની જગ્યાએ અત્યંત તોછડું વર્તન કર્યું હતું. યુવાનોના જણાવ્યા અનુસાર, અધિકારીએ સહેજ પણ સરખો જવાબ આપ્યો ન હતો અને જાણે કોઈ ગુનેગાર આવ્યા હોય તેમ તુચ્છકારી કાઢયા હતા. જનતાના સેવક ગણાતા અધિકારીના આવા અહંકારી વર્તનને પગલે યુવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
(3:42 PM IST)










